07 November, 2024 11:50 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
કમલા હૅરિસ, ઉષા વૅન્સ
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનલ્ડ ટ્રમ્પે ડેમોક્રૅટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હૅરિસને હરાવી દીધાં છે. કમલા હૅરિસ હાલ અમેરિકાનાં વાઇસ પ્રેસિડન્ટ પણ છે. જોકે હવે ચૂંટણીમાં હાર થતાં તેમણે વાઇસ પ્રેસિડન્ટપદેથી પણ વિદાય લેવી પડશે. ભારતીય મૂળનાં કમલા હૅરિસની અમેરિકાના પાવર ઝોનમાંથી વિદાય થઈ છે. એમ છતાં ભારતનું પાવર ઝોન સાથે કનેક્શન જોડાઈ જ રહેશે, કારણ કે હવે રિપબ્લિકન પાર્ટીના વાઇસ પ્રેસિડન્ટ બનનારા જે. ડી. વૅન્સનાં પત્ની ઉષા વૅન્સનાં માતા-પિતા ભારતીય છે.
કમલા હૅરિસનું કનેક્શન તામિલનાડુ સાથે છે, જ્યારે ઉષા વૅન્સનાં માતા-પિતા લક્ષ્મી અને રાધાકૃષ્ણ ચિલકુરી આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના પામરુર ગામનાં છે. તેઓ કમાવા માટે અમેરિકા ગયાં હતાં. ઉષા વૅન્સ સૅન ડીએગોમાં ભણ્યાં છે અને મોટાં થયાં છે. તેઓ ત્યાંની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં હતાં. એ પછી તેમણે યેલ યુનિવર્સિટીમાંથી હિસ્ટરી સાથે બૅચલર ઑફ આર્ટ્સની ડિગ્રી લીધી હતી. એ પછી કેમ્બ્રિજમાંથી મૉડર્ન હિસ્ટરી સાથે MPhil (માસ્ટર ઑફ ફિલોસૉફી) કર્યું છે. ત્યાર બાદ યેલ યુનિવર્સિટીમાંથી લૉની ડિગ્રી લીધી હતી. તેમણે કેટલોક વખત વકીલાત પણ કરી છે અને જુડિશ્યલ ક્લર્ક તરીકે પણ કામ કર્યું છે. સિવિલ લિટિગેશનના કેસ સૉલ્વ કરવામાં તેમની માસ્ટરી છે. ૨૦૧૪માં તેમણે જે. ડી. વૅન્સ સાથે હિન્દુ વિધિથી લગ્ન કર્યાં હતાં. તેમને ત્રણ બાળકો છે. બે દીકરાનાં નામ ઇવાન અને વિવેક છે, જ્યારે દીકરી મિરાબેલ છે. જે. ડી. વૅન્સ કૅથલિક છે, જ્યારે ઉષા વૅન્સ હિન્દુ ધર્મ ફૉલો કરે છે.