ડોનલ્ડ ટ્રમ્પે પહેલી પત્ની પર બળાત્કાર કર્યો હતો?

23 May, 2024 01:53 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટના જીવન પરથી બનેલી ફિલ્મમાં આ દૃશ્યને પગલે થયો વિવાદ : ટ્રમ્પની ટીમ કહે છે કે અમે કોર્ટમાં કેસ કરીશું, અમેરિકામાં ફિલ્મ રિલીઝ નહીં થવા દઈએ

ડોનલ્ડ ટ્રમ્પ પત્ની સાથે

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના જીવન પર આધારિત બાયોપિક ‘ધી ઍપ્રેન્ટિસ’નો પ્રીમિયર શો ફ્રાન્સના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાયો એ પછી વિવાદ શરૂ થઈ ગયો છે. ડોનલ્ડ ટ્રમ્પ દુનિયાભરમાં મશહૂર થયા એ પહેલાંની તેમની જિંદગી ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મમાં ઘણી ચોંકાવનારી વિગતો રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં ટ્રમ્પને તેમની પ્રથમ પત્ની ઇવાના પર બળાત્કાર કરતા દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મમાં ૧૯૭૦-’૮૦ના દસકામાં ટ્રમ્પના જીવનમાં બનેલી કેટલીક ઘટનાઓનું નિરૂપણ દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ઘણા એવા ડાયલૉગ્સ છે જે ચોંકાવનારા છે. ટ્રમ્પ ટાવર્સ બનાવવાના પોતાના સપનાને સાકાર કરવા માટે ટ્રમ્પે અન્ડરવર્લ્ડના લોકો સાથે સોદા પણ કર્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ટ્રમ્પના જીવનની તમામ નહીં પણ માત્ર થોડાં વર્ષોની જ સ્ટોરી આવરી લેવામાં આવી છે. ૧૯૮૯માં ટ્રમ્પની પહેલી પત્ની ઇવાના સાથેના છૂટાછેડા વિવાદિત રહ્યા હતા અને એ વિશે ઘણી વાત કરવામાં આવી છે. ડિવૉર્સ વખતે ઇવાનાએ પોતે આક્ષેપ કર્યો હતો કે ટ્રમ્પે મારા પર બળાત્કાર કર્યો હતો, જોકે પાછળથી તેણે ફેરવી તોળ્યું હતું.

આ ફિલ્મ થિયેટરોમાં ક્યારે રિલીઝ થશે એ વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

શા માટે વિવાદ?

આ ફિલ્મના જે સીન વિશે વિવાદ થયો છે એમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે ઇવાના ડોનલ્ડ ટ્રમ્પને જાડિયો, બેડોળ અને ટાલિયો કહીને તેની મજાક ઉડાવે છે. ઇવાનાએ આવું કહેતાં જ ટ્રમ્પ જોરદાર ગુસ્સે થાય છે અને ઇવાનાને જમીન પર પાડી દે છે અને તેની સાથે જબરદસ્તીથી શારીરિક સંબંધ બનાવવાની કોશિશ કરે છે.

આઠ મિનિટનું સ્ટૅન્ડિંગ ઓવેશન

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મના પ્રીમિયર બાદ એને આઠ મિનિટનું સ્ટૅન્ડિંગ ઓવેશન મળ્યું હતું. ફિલ્મ પૂરી થયા બાદ લોકોએ ટ્રમ્પની ભૂમિકા ભજવનારા ઍક્ટર સેબૅસ્ટિયન સ્ટેનની અદાકારીની પ્રશંસા કરી હતી.

કોર્ટમાં કેસ કરવામાં આવશે

ડોનલ્ડ ટ્રમ્પની ટીમે ફિલ્મ વિશે નારાજગી વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે તેઓ આ ફિલ્મના વિરોધમાં કોર્ટમાં ખટલો દાખલ કરી રહ્યા છે. તેઓ એ પણ સુનિશ્ચિત કરશે કે આ ફિલ્મ અમેરિકામાં રિલીઝ ન થઈ શકે. ટ્રમ્પની ટીમે એક નિવેદનમાં કહ્યું હતું કે અમે આ નકલી ફિલ્મ- નિર્માતાઓના સ્પષ્ટ રીતે ખોટા દાવાના વિરુદ્ધ કોર્ટમાં કેસ કરીશું.

પહેલાં ફિલ્મ જોઈ લો

ફિલ્મના ઈરાનિયન-ડેનિશ ફિલ્મ ડિરેક્ટર અલી અબ્બાસીએ કહ્યું હતું કે ‘ડોનલ્ડ ટ્રમ્પની ટીમે અમારા પર કોર્ટમાં કેસ કરતાં પહેલાં આ ફિલ્મ જોવાનો ઇંતેજામ કરવો જોઈએ. મને નથી લાગતું કે આ એક એવી ફિલ્મ છે જેને તેઓ નાપસંદ કરશે. મને લાગે છે કે આ ફિલ્મને જોઈને તેઓ ચોંકી જશે.’

ટ્રમ્પની ટીમે કહ્યું, ‘ફિલ્મ નથી, કચરો છે’

અમેરિકાની પ્રેસિડન્ટની ચૂંટણીમાં ટ્રમ્પના ચૂંટણીપ્રચારના પ્રવક્તા સ્ટીવન ચેઉંગે કહ્યું હતું કે ‘આ ફિલ્મ કચરા જેવી છે અને શુદ્ધ રીતે એકદમ કાલ્પનિક છે. આ ફિલ્મ જૂઠને સનસનાટી ભરી રીતે રજૂ કરે છે. આ દાવાને ઘણા લાંબા સમયથી રદિયો આપવામાં આવી રહ્યો છે. આ ફિલ્મ શુદ્ધરૂપે દુર્ભાવનાપૂર્ણ માનહાનિ છે. એને જોવી જોઈએ નહીં.’

donald trump united states of america international news