20 September, 2024 03:02 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ગુરપતવંત સિંહ પન્નૂ
અમેરિકાની સ્થાનિક કોર્ટે ખાલિસ્તાની આતંકવાદી અને અમેરિકા તથા કૅનેડાની બેવડી નાગરિકતા ધરાવતા ગુરપતવંત સિંહ પન્નૂએ કરેલા સિવિલ કેસમાં ભારત સરકારને સમન્સ મોકલાવ્યું છે. આ કેસમાં તેણે ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિંગ (R&AW)ના ભૂતપૂર્વ ચીફ સામંત ગોયલ, R&AWના એજન્ટ વિક્રમ યાદવ અને ઇન્ડિયન
બિઝનેસમૅન નિખિલ ગુપ્તા સામે પોતાની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હોવાનો આરોપ કર્યો છે. એના આધારે કોર્ટે આ તમામ પાર્ટીઓને સમન્સ મોકલાવ્યું છે.
ખાલિસ્તાની આતંકવાદીએ એવો આરોપ કર્યો છે કે ‘R&AWના નિર્દેશ મુજબ તેના એજન્ટ વિક્રમ યાદવે નિખિલ ગુપ્તાને તેની હત્યાનું કામ સોંપ્યું હતું. આ પ્લાનને સામંત ગોયલ અને અજિત ડોભાલે પણ મંજૂરી આપી હતી. જોકે આ કામ કરવા માટે જેને સુપારી આપવામાં આવી હતી એ અમેરિકાનો અન્ડરકવર એજન્ટ નીકળતાં ભાંડો ફૂટી ગયો હતો.’
નવાઈની વાત તો એ છે કે ગુરપતવંત સિંહ પન્નૂના કહેવા મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ પ્લાનની જાણ હતી, પણ તેમને રાજદ્વારી રક્ષણ હોવાથી કેસમાં સામેલ કરવામાં નથી આવ્યા. ખાલિસ્તાની આતંકવાદીએ હવે પોતાના પર થનારા હુમલા અને ભાવનાત્મક તનાવ માટે આર્થિક વળતર માગ્યું છે અને પોતાને હજી પણ જીવનું જોખમ હોવાનો દાવો કર્યો છે. કોર્ટે તમામ આરોપીઓને ૨૧ દિવસમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
આ એક બિનજરૂરી કેસ છે : વિદેશસચિવ
અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટના સમન્સના સંદર્ભમાં વિદેશ મંત્રાલયમાંથી વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પત્રકારોને કહ્યું હતું કે ‘આ એક બિનજરૂરી કેસ છે. હું તમારું ધ્યાન એ વાત તરફ દોરવા માગું છું કે આ કેસ કરનારી વ્યક્તિ કોણ છે? તેનું પહેલાંનું બૅકગ્રાઉન્ડ બધાને ખબર છે. તે ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતી સિખ્સ ફૉર જસ્ટિસ નામની સંસ્થા ચલાવે છે. તેણે ભારતના નેતા અને સંસ્થાઓની ખિલાફ સ્પીચ આપી છે અને તેમને ધમકીઓ પણ આપી છે. આ જ કારણસર ભારત સરકારે ૨૦૨૦માં તેને આતંકવાદી જાહેર કર્યો હતો.’