midday

કૅનેડાના ટૉરોન્ટો ઍરપોર્ટ પર વિમાન લૅન્ડ થયા બાદ પલટી ખાઈ ગયું, પણ ૮૦ જણનો ચમત્કારિક બચાવ

19 February, 2025 10:45 AM IST  |  Toronto | Gujarati Mid-day Correspondent

ટૉરોન્ટો શહેરમાં બરફનું તોફાન છે અને ભારે બરફ વરસી રહ્યો હતો એ સમયે વિમાન લૅન્ડ થયું હતું. હવાની ઝડપ બાવનથી ૬૫ કિલોમીટર પ્રતિ કલાક હતી.
ડેલ્ટા ઍરલાઇન્સનું એક વિમાન લૅન્ડ થયા બાદ રનવે પર પલટી ગયું

ડેલ્ટા ઍરલાઇન્સનું એક વિમાન લૅન્ડ થયા બાદ રનવે પર પલટી ગયું

કૅનેડાના મુખ્ય શહેર ટૉરોન્ટોના પિયર્સન ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર સોમવારે બપોરે સવાબે વાગ્યે ડેલ્ટા ઍરલાઇન્સનું એક વિમાન લૅન્ડ થયા બાદ રનવે પર પલટી ગયું હતું. એમાં ૭૬ પ્રવાસી અને ૪ ક્રૂ-મેમ્બરો સહિત ૮૦ લોકો પ્રવાસ કરતા હતા જેમાંથી ૧૮ જણને ઈજા પહોંચી છે. એક બાળક, ૪૦ વર્ષની મહિલા અને એક વૃદ્ધ સહિત ત્રણ જણ ગંભીર રીતે ઘાયલ થયા છે. જોકે કોઈ જાનહાનિ થઈ નથી.

ટૉરોન્ટો શહેરમાં બરફનું તોફાન છે અને ભારે બરફ વરસી રહ્યો હતો એ સમયે વિમાન લૅન્ડ થયું હતું. હવાની ઝડપ બાવનથી ૬૫ કિલોમીટર પ્રતિ કલાક હતી. તાપમાન માઇનસ ૮.૬ ડિગ્રી સેલ્સિયસ જેટલું હતું. આથી વિમાન પલટી ગયા બાદ બરફમાં ઢંકાઈ ગયું હતું.

ડેલ્ટા ઍરલાઇન્સની આ ફ્લાઇટ અમેરિકાના મિનીઆપલિસથી ઊપડી હતી અને ટૉરોન્ટો ઊતરી હતી. રનવે પર બરફ હોવાથી પાઇલટે નિયંત્રણ ગુમાવ્યું હશે એવો અંદાજ છે. તમામ પ્રવાસીઓએ સીટ-બેલ્ટ બાંધી રાખેલા હોવાથી તેઓ ઊંધા પડેલા વિમાનમાં ચામાચીડિયાની જેમ લટકાઈ ગયા હતા.

વિમાન રનવે પર આશરે અઢી કલાક સુધી ઊંધી અવસ્થામાં રહ્યું હતું અને બચાવકર્મીઓની ટીમોએ વિમાનમાં જઈને તમામ પ્રવાસીઓને બહાર કાઢ્યા હતા. પ્રવાસીઓ નાના બાળકની જેમ ભાંખોડિયાં ભરતા હોય એ રીતે વિમાનમાંથી બહાર આવ્યા હતા.

canada toronto international news news world news