અમેરિકામાં રેકૉર્ડ-બ્રેક ઠંડીથી લોકો પરેશાન, એક નવજાત બાળકનું મોત

06 February, 2023 11:16 AM IST  |  Boston | Gujarati Mid-day Correspondent

સ્કૂલોમાં રજા અપાઈ, લોકોને ઘરમાં રહેવાની સલાહ, બેઘરોને રેલવે-સ્ટેશનમાં રહેવાની છૂટ

શનિવારે અમેરિકાના બૉસ્ટનમાં આવેલા હાર્બરની તસવીર.

વૉશિંગ્ટન (રૉઇટર્સ) : અમેરિકામાં હાલ રેકૉર્ડ-બ્રેક ઠંડી પડી રહી છે. વળી ઠંડા પવનોને કારણે તમામ લોકોની હાલત કફોડી બની છે. દરમ્યાન મૅસેચુસેટ્સમાં એક નવજાત બાળકનું મોત નીપજ્યું હતું. ન્યુ હૅમ્પશરના માઉન્ટ વૉશિંગ્ટનમાં ઠંડા પવનોને કારણે તાપમાન માઇનસ ૧૦૮ ડિગ્રી ફેરનહાઇટ (માઇનસ ૭૮ ડિગ્રી સેલ્સિયસ) થયું હતું, જે અમેરિકાનું સૌથી નીચું તાપમાન છે. જોરથી પવન ફુંકાતાં મૅસેચુસેટ્સમાં એક સ્થળે કારની ઉપર ઝાડ પડ્યું હતું જેમાં એક નવજાત બાળકનું મોત નીપજ્યું હતું. ડ્રાઇવરને ગંભીર ઈજાઓ સાથે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બૉસ્ટનમાં માઇનસ ૨૩ ડિગી સેલ્સિયસ ઠંડીને કારણે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી. ઠંડીએ એક સદી પહેલાંનો રેકૉર્ડ તોડ્યો હતો. આર્કટિક બ્લાસ્ટને કારણે કૅનેડાના અલ્બાનીથી અમેરિકાના ન્યુ યૉર્ક, ઑગસ્ટા, મેઇને, રોચેસ્ટર અને વર્સેસ્ટરમાં તાપમાનમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. અચાનક પડતી ઠંડીને કારણે માટી ફાટવાને કારણે વૃક્ષોમાં પણ ફાટ પડે છે. 
કેટલાંક શહેરોમાં રહેવાસીઓને મદદ કરવા માટે વૉર્મિંગ સેન્ટરો શરૂ કરવામાં આવ્યાં હતાં. લોકોને ઘરની બહાર ન નીકળવા જણાવાયું છે. દરમ્યાન મૅસેચુસેટ્સના ગર્વનરે ઘોષણા કરી હતી કે શહેરનું મુખ્ય રેલવે સ્ટેશન રાતભર ખુલ્લું રહેશે. લોકો અહીં રહેવા માટે આવી શકે છે. અંદાજે ૫૦થી ૬૦ બેઘર લોકો ત્યાં રોકાયા હતા. 

આર્કટિક બ્લાસ્ટની અસર 

આર્કટિક બ્લાસ્ટને કારણે અમેરિકાના અમુક ભાગોમાં ભારે ઠંડી પડી રહી છે. ન્યુ હૅમ્પશરના રાતોરાત ઠંડી માઇનસ ૭૮ ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગઈ હતી. અગાઉ અલાસ્કાનો માઇનસ ૭૬ ડિગ્રીનો રેકૉર્ડ તૂટ્યો હતો. માઉન્ટ વૉશિંગ્ટનમાં અગાઉ સૌથી ઓછું તાપમાન માઇનસ ૭૪ સેલ્સિયસ નોંધાયું હતું. માઉન્ટ વૉશિંગ્ટન નૉર્થ ઈસ્ટર્ન અમેરિકાનું સૌથી ઊંચું શહેર છે, જે વિશ્વના સૌથી ખરાબ હવામાન માટે જાણીતું છે. આ વિસ્તારમાં હિમકંપના અહેવાલો પ્રાપ્ત થયા છ. જ્યારે ખૂબ જ ઠંડી હોય છે ત્યારે માટી અથવા ભૂગર્ભ જળમાં અચાનક તિરાડોને કારણે આમ થાય છે.

વધુપડતી ઠંડીને કારણે ચામડીમાં સોજો આવે એવી ઘટનાઓ પણ બને છે. ઠંડીને કારણે લોકોનો વીજળીનો વપરાશ અચાનક વધી ગયો હતો. ગ્રાહકોને ઓછી વીજળી વાપરવા હીટરને એક અથવા બે ડિગ્રી સુધી નીચું રાખવા માટે વિનંતી કરવામાં આવી રહી છે. 

boston international news Weather Update united states of america