સિંગલ અપડેટથી આવું કઈ રીતે થઈ શકે એવા સવાલનો જવાબ આપતાં ગભરાઈ ગયા ક્રાઉડસ્ટ્રાઇકના ચીફ જ્યૉર્જ કર્ટ્‍સે

21 July, 2024 09:04 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ઇન્ટરવ્યુની થોડી ક્ષણોની ક્લિપ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

સાઇબર સિક્યૉરિટી કંપની ક્રાઉડસ્ટ્રાઇકના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર જ્યૉર્જ કર્ટ્‍સે એક ટીવી-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં દેખીતી રીતે નર્વસ દેખાતાં આ ઇન્ટરવ્યુનો થોડી ક્ષણનો વિડિયો વાઇરલ થયો છે. ક્રાઉડસ્ટ્રાઇકના વડાને એક  ટીવી-ચૅનલના ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે ‘તમે કહો છો કે આ માત્ર એક જ સિંગલ અપડેટ હતું, પણ એને કારણે આખા વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો. ઍરટ્રાવેલ, ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સ, બૅન્કો, બ્રૉડકાસ્ટ, સ્ટ્રીટલાઇટ્સ અને ઇમર્જન્સી સર્વિસ બંધ થઈ ગઈ હતી. શું એક જ સૉફ્ટવેર બગ આટલી ઊંડી અને તાત્કાલિક અસર છોડી શકે?’
ગ્લોબલ આઉટેજના થોડા કલાક બાદ લેવામાં આવેલા ઇન્ટરવ્યુમાં જવાબ આપતાં જ્યૉર્જ કર્ટ્‍સે નર્વસ દેખાયા હતા અને શબ્દો બોલતાં ગૂંગળામણ અનુભવતા હતા. તેઓ સવાલથી સ્તબ્ધ થઈ ગયા હતા અને જવાબમાં આખું વાક્ય બોલે એ પહેલાં તેમણે પાણી પીવું પડ્યું હતું. ઇન્ટરવ્યુની થોડી ક્ષણોની ક્લિપ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ હતી.

international news world news cyber crime social media viral videos