21 December, 2022 11:15 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent
ચીનના હૅન્ગઝૂમાં કોવિડ-19 રૅપિડ ઍન્ટિજન ટેસ્ટ કિટ્સ ખરીદવા માટે ફાર્મસી સ્ટોરમાં લાઇનમાં ઊભા રહેલા લોકો.
બીજિંગ : કોવિડ-19ને ફેલાતો રોકવા માટેનાં નિયંત્રણોને હળવાં કરાતાં જ ચીનમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થયો છે. અહીં હૉસ્પિટલો દરદીઓથી ઊભરાઈ રહી છે. એપિડેમિયોલૉજિસ્ટ અને હેલ્થ ઇકૉનૉમિસ્ટ એરિક ફિગલ-ડિંગના અંદાજ અનુસાર આગામી ૯૦ દિવસમાં ચીનની ૬૦ ટકા વસ્તી અને પૃથ્વીની ૧૦ ટકા વસ્તી કોરોનાથી સંક્રમિત થવાની અને લાખો લોકોનાં મોત નીપજવાની શક્યતા છે.
આ એપિડેમિયોલૉજિસ્ટ અનુસાર બીજિંગમાં સ્મશાનોમાં નૉન-સ્ટૉપ કામગીરી થઈ રહી છે. શબઘરો ઓવરલોડેડ છે. ચીનમાં બિલકુલ ૨૦૨૦ જેવી જ સ્થિતિ છે.
બીજિંગમાં કોરોનાના દરદીઓ માટેના જ એક સ્મશાનગૃહમાં છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ મોટા પ્રમાણમાં મૃતદેહો આવી રહ્યા છે. ચીનની રાજધાનીમાં આ વાઇરસ કેર વર્તાવી રહ્યો છે. જેનાથી ખ્યાલ આવે છે કે ચીનની સરમુખત્યારશાહી ઑથોરિટીએ લોકોના આક્રોશથી ડરીને માનવજીવનના ભોગે મહામારીને અંકુશમાં રાખવા માટેનાં નિયંત્રણો હળવાં કરી દીધાં.
ફિગલ-ડિંગ અનુસાર ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીનો એવો ગોલ છે કે જેટલા સંક્રમિત થતા હોય એટલા થઈ જાય, જેટલા મરતા હોય એટલા મરી જાય, વહેલાં ઇન્ફેક્શન્સ ફેલાય, જલદી પીક આવી જાય અને એ શમી જાય એટલે ઝડપથી ઉત્પાદન શરૂ કરી શકાય.
ચાઇનીઝ ઑથોરિટીએ ૧૯ અને ૨૩મી નવેમ્બરની વચ્ચે કોરોનાને કારણે ચાર જણનાં મોત થયાં હોવાની જાહેરાત કર્યા બાદ બીજિંગમાં કોરોનાને કારણે કોઈ પણ મોત થયું હોવાનું જાહેર કરાયું નથી.
જોકે બીજિંગમાં ડૉન્ગજિયાઓ સ્મશાનના ફોન પોતાના સ્વજનની અંતિમવિધિ કરાવવા ઇચ્છતા લોકોના કૉલ્સથી સતત રણકી રહ્યા છે.
આ સ્મશાનમાં કામ કરતી એક મહિલાએ જણાવ્યું હતું કે આ સ્મશાન બીજિંગ મ્યુનિસિપાલિટી દ્વારા ઑપરેટ કરવામાં આવે છે. નૅશનલ હેલ્થ કમિશને માત્ર કોવિડ પૉઝિટિવ પેશન્ટ્સની જ અંતિમવિધિ કરવા આદેશ આપ્યો છે. જોકે અહીં એટલા બધા મૃતદેહો આવી રહ્યા છે કે અમારે વહેલી સવારે અને અડધી રાતે પણ અંતિમવિધિ કરવી પડે છે.
આ મહિલાએ વધુ જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં અહીં ૩૦થી ૪૦ મૃતદેહો આવતા હોય છે, પરંતુ અત્યારે દરરોજ ૨૦૦ મૃતદેહો આવી રહ્યા છે. જેને કારણે સ્મશાનમાં કામ કરનારા લોકો પર વર્કલોડ વધી ગયો છે. જેમાંથી અનેક જણ કોરોનાથી સંક્રમિત થયા છે.
મેઇનલૅન્ડ ચીનમાં કોરોનાને કારણે થતાં મોતનો આંકડો છુપાવવામાં આવે છે. જોકે બીજિંગમાં હૉસ્પિટલો, અંતિમવિધિની સાથે સંકળાયેલી સેવાઓનો એક સર્વે કરવાથી ખ્યાલ આવે છે કે કોરોનાને કારણે થતાં મોતનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે.
ચીનમાં કોરોનાના વિસ્ફોટથી ભારતને કેટલો ખતરો?
નવી દિલ્હી : ચીનમાં કોરોનાનો વિસ્ફોટ થતાં ભારતમાં પણ ચિંતા ફેલાઈ છે ત્યારે નૅશનલ ઇમ્યુનાઇઝેશન ટેક્નિકલ ઍડ્વાઇઝરી ગ્રુપમાં કોવિડ-19 ટાસ્ક ગ્રુપના વડા ડૉ. એન.કે. અરોરાએ કહ્યું કે ‘ભારતે ચીનની સ્થિતિથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણે સાંભળી રહ્યા છે કે ચીનમાં કોરોના વાઇરસ ફરીથી ઝડપથી ફેલાઈ રહ્યો છે. જોકે ભારતની વાત કરીએ તો અહીં વ્યાપક સ્તરે રસીકરણ કરવામાં આવી ચૂક્યું છે. અત્યાર સુધી કોરોનાના જેટલા પણ વેરિઅન્ટ્સ આવ્યા છે એના કેસ ભારતમાં આવી ચૂક્યા છે. એવામાં ફક્ત કાળજી રાખવાની જરૂર છે, ચિંતા નહીં.’
અમેરિકાને નવા વેરિઅન્ટ્સની ચિંતા
ચીનમાં કોરોનાની મહામારી અનિયંત્રિત છે ત્યારે એને લીધે અમેરિકાને નવા વેરિઅન્ટ્સની ચિંતા છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઇસે સોમવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘ચીનમાં અત્યારની કોરોનાની મહામારીની વાત છે તો અમે ઇચ્છીએ છીએ કે આ મહામારીનો અંત આવે. અમે જાણીએ છીએ કે જ્યારે પણ વાઇરસ ખૂબ જ ઝડપથી ફેલાય ત્યારે એ મ્યુટેટ થાય અને આખી દુનિયામાં લોકો માટે ખતરો ઊભો થાય એવું જોખમ રહે છે.’