27 November, 2022 09:27 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દુનિયાભરમાં કોરોનાની મહામારીની શરૂઆત ચીનથી જ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. લગભગ સમગ્ર દુનિયામાં કોરોનાના કેસો ખૂબ જ ઘટી ગયા છે, પરંતુ ચીનમાં એનું પ્રમાણ વધ્યું છે. દરમ્યાનમાં કેટલાક સાયન્ટિસ્ટ્સે દાવો કર્યો છે કે દક્ષિણ ચીનમાં ચામાચીડિયામાં કોરોના જેવો વાઇરસ મળ્યો છે, જે દર પાંચમાંથી એક વ્યક્તિમાં ફેલાવાની ક્ષમતા ધરાવે છે. આ વાઇરસને BTSY2 નામ આપવામાં આવ્યું છે અને એ SAARS-COV-2ને સંબંધિત છે. ચીન અને સિડનીના રિસર્ચર્સ અનુસાર આ વાઇરસ સરળતાથી માણસ શરીરમાં પ્રવેશી શકે છે અને મોટા પાયે વિનાશ વેરી શકે છે. સાયન્ટિસ્ટ્સનું કહેવું છે કે ચીનના યુનાન પ્રાંતમાં ચામાચીડિયામાં મળેલો એ વાઇરસ પાંચ ખતરનાક વાઇરસમાંથી એક છે કે જેનાથી માણસો અને પશુઓને અનેક પ્રકારની બીમારી થઈ શકે છે. એ સિવાય આ સાયન્ટિસ્ટ્સની ટીમે અનેક નવા સંભવિત પશુજન્ય રોગો વિશે પણ જાણકારી આપી છે કે જે પ્રાણીઓ દ્વારા માણસોમાં ફેલાય છે.
ચીનના શેન્ઝેનસ્થિત સન યાત-સેન યુનિવર્સિટી, યુનાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍન્ડેમિક ડિસીસ કન્ટ્રોલ અને સિડની યુનિવર્સિટીના રિસર્ચર્સે આ રિસર્ચનું નેતૃત્વ કર્યું હતું. આ ટીમે જણાવ્યું હતું કે ‘અમે વાઇરસના પાંચ પ્રજાતિઓની ઓળખ કરી છે જે માણસો અને પશુઓેને બીમાર કરી શકે છે, જેમાંથી એક કોરોના વાઇરસ જેવો છે. આ નવા વાઇરસનો SAARS-COV-2 અને SAARS-COV બન્નેની સાથે નજીકનો સંબંધ છે.
આ સાયન્ટિસ્ટ્સે ચીનના યુનાન પ્રાંતની છ કાઉન્ટી કે શહેરોમાં ચામાચીડિયાની ૧૫ પ્રજાતિઓના ૧૪૯ ચામાચીડિયાનાં યુરિન સૅમ્પલ્સ લીધાં હતાં. ચામાચીડિયાના જીવિત કોશિકાઓમાં ન્યુક્લિક ઍસિડ (જેને આરએનએ કહેવામાં આવે છે) હોય છે, દરેક ચામાચીડિયામાંથી એ કાઢવામાં આવ્યું હતું. સંશોધકોએ જોયું હતું કે એક ચામાચીડિયાને એક સાથે અનેક વાઇરસ દ્વારા સંક્રમિત કરવામાં આવ્યું હતું.