23 December, 2022 11:36 AM IST | Geneva | Gujarati Mid-day Correspondent
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (સૌજન્ય : આઇસ્ટૉક)
જિનીવા : વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ચીનને કોરોનાની મહામારીના વિશ્વસનીય ડેટા પૂરા પાડવા જણાવ્યું છે, જેથી વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન આ દેશમાં ઝડપથી ફેલાતી કોરોનાની મહામારીની સ્થિતિ વિશે અંદાજ લગાવી શકે.
ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસસે જિનીવામાં પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘ખરેખર કેટલું જોખમ છે એનો સંપૂર્ણપણે અંદાજ આવી શકે એના માટે ડબ્લ્યુએચઓ (વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન)ને આ મહામારીની તીવ્રતા, હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દરદીઓ તેમ જ આઇસીયુ સપોર્ટ માટેની જરૂરિયાત વિશે વિસ્તૃત જાણકારી જોઈએ છે.’
ડબ્લ્યુએચઓના એક્સપર્ટ્સનું માનવું છે કે ચીન તરફથી ડેટા પૂરો પાડવામાં આવતો નથી, એ સૂચવે છે કે ચીનનું આરોગ્યતંત્ર આ પડકારને પહોંચી વળી શકતું નથી.
કોરોનાના કેર વચ્ચે ચીને નવી ગાઇડલાઇન ઇશ્યુ કરી છે. એ મુજબ હવે માત્ર શ્વાસોશ્વાસને સંબંધીત બીમારીઓથી થયેલાં મૃત્યુની જ કોરોનાથી મોતના આંકડામાં ગણતરી કરવામાં આવશે. એનો અર્થ એ થયો કે કોરોનાના કારણે થનારા મોટા ભાગનાં મોતની ગણતરી હવે નહીં કરવામાં આવે.
જેના વિશે ડબ્લ્યુએચઓના હેલ્થ ઇમર્જન્સી પ્રોગ્રામના વડા માઇક રાયને કહ્યું હતું કે ‘કોવિડ પૉઝિટિવ ટેસ્ટ બાદ શ્વાસોશ્વાસની સમસ્યાના કારણે મોત થાય તો જ એને કોરોનાથી થયેલું મોત ગણવાથી કોવિડના કારણે થતા મોતનું પ્રમાણ ઓછું જ અંકાશે.’