23 December, 2022 11:31 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent
કોરોના ફાઇલ તસવીર
બીજિંગ : ફરી એક વાર ચીનમાં કોરોનાના કેસમાં મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. એક વર્ષની અંદર જ વાઇરસના નવા વેરિઅન્ટે ચિંતામાં વધારો કર્યો છે. ચીને રોગચાળાના સમયમાં એની સારવાર માટે અન્યો કરતાં અલગ રસ્તો અપનાવ્યો હતો. મોટા ભાગના દેશોએ વિવિધ તબક્કામાં કોરોનાનો મુકાબલો કરવા માટે એમઆરએનએ કોરોના વૅક્સિન આપી હતી, જ્યારે ચીને એમ કર્યું નહોતું. પરિણામે ઓછી રોગપ્રતિકારક શક્તિને કારણે ભારે ચેપી વાઇરસની અસર હજી પણ ત્યાં દેખાય છે.
ચીનમાં કોરોનાના કેટલા દરદી છે, કયો પ્રકાર વધુ ચેપી છે, કેટલા લોકો મરણ પામ્યા છે એની વિગતવાર માહિતી બહાર આવતી નથી. ચીનમાં કોરોનાના કેસમાં થયેલા વધારાને કારણે તબીબી નિષ્ણાતો અને રાજકીય નેતાઓ વાઇરસના બીજા રાઉન્ડ વિશે ચિંતિત છે. એક તરફ વિશ્વમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. અમેરિકાના ઇન્ફેક્શિયસ ડિસીસ સોસાયટીના સભ્ય અને ડાર્ટમાઉથ યુનિવર્સિટીના પ્રોફેસર ડૅનિયલ લ્યુસીએ કહ્યું હતું કે ‘ચીનમાં આગામી દિવસોમાં ઓમાઇક્રોનનાં વધુમાં વધુ સબવેરિઅન્ટ્સ વિકસિત થશે. એને વહેલી તકે ઓળખી લેવા અને ડામવાનાં પગલાં લેવા કયાં પગલાં લેવાં જોઈએ એ ચિંતાનો નવો પ્રકાર છે. ભારતમાં ૨૦૨૦ના અંતમાં ડેલ્ટા વાઇરસ ટૂંકા ગાળામાં બહુ જ ફેલાયો હતો, જેને કારણે સમગ્ર વિશ્વમાં તનાવમાં વધારો થયો હતો.
ચીન સમગ્ર દેશમાં ઝડપથી ફેલાયેલા ઓમાઇક્રોનના નવા સબવેરિઅન્ટ પર નજર રાખી રહ્યું છે. સમગ્ર વિશ્વએ અગાઉ જે પરિસ્થિતિ જોઈ હતી એ હાલ ચીનમાં હમણાં થયા છે. બીજી એક શક્યતા એવી પણ છે જે રીતે સાઉથ આફ્રિકામાં ૨૦૨૧ના અંતમાં ઓમાઇક્રોનનો ઉદ્ભવ થયો એવો જ કંઈક ખતરો સમગ્ર વિશ્વના માથે મંડાઈ રહ્યો છે. ઓમાઇક્રોન વાઇરસ શ્વસન માર્ગમાં બહુ ઊંડે સુધી જતો નથી પરંતુ એ દરદીની રોગપ્રતિકારક શક્તિને ઘટાડી દે છે, જેને કારણે અન્ય વેરિઅન્ટ માટેનો દરવાજો ખૂલી જાય એ વાત મુશ્કેલીરૂપ બની શકે.
ચીનમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે એની સાથે ઇબુપ્રોફેન, પૅરાસિટામૉલ અને લેવોસેટીરીઝીન એપીઆઇ જેવી શરદી-ખાંસી, તાવ અને દુખાવાની દવાઓની અમેરિકા, યુરોપિયન યુનિયન અને ચીનમાં શૉર્ટેજ ઊભી થઈ છે.
ફાર્માસ્યુટિકલ કંપની આઇઓએલ કેમિકલ્સે જણાવ્યું હતું કે જો આ દવાઓની શૉર્ટેજ વધશે તો એવી સ્થિતિમાં એની કિંમતમાં દસ ટકાનો વધારો થઈ શકે છે. અત્યારે સપ્લાય વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. જોકે કિંમત વધશે તો પણ એ ટેમ્પરરી હશે.