ચીનની મિલિટરીએ તાઇવાનને ઘેરવાનું રિહર્સલ શરૂ કર્યું

09 April, 2023 09:46 AM IST  |  Bijing | Gujarati Mid-day Correspondent

ચીનની મિલિટરીનાં ૪૨ પ્લેન્સ અને આઠ યુદ્ધજહાજોએ તાઇવાન સામુદ્રધુનીની મધ્ય રેખાને ક્રૉસ કરી

ફાઈલ ફોટો

બીજિંગ ઃ ચીનની મિલિટરીએ ત્રણ દિવસની એની મિલિટરી કવાયત દરમ્યાન તાઇવાનને ઘેરવા માટેનું રિહર્સલ શરૂ કર્યું છે. ચીન તાઇવાનને પોતાનો પ્રદેશ માને છે અને આ ઑપરેશનને તાઇવાનની સરકાર માટે સખત ચેતવણી ગણાવી છે. તાઇવાનના પ્રેસિડન્ટ ત્સઈ ઇંગ-વેન અમેરિકાની ટ્રિપ પરથી પાછા ફર્યાને કલાકો બાદ જ આ કવાયત શરૂ કરી દેવામાં આવી છે. તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ચીનની મિલિટરીનાં ૪૨ પ્લેન્સ અને આઠ યુદ્ધજહાજોએ તાઇવાન સામુદ્રધુનીની મધ્ય રેખાને ક્રૉસ કરી હતી, જે ચીન અને તાઇવાન વચ્ચેની અઘોષિત સીમા છે. 
ચીનની સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે ‘ચીનની મિલિટરી દ્વારા લાંબી રેન્જની રૉકેટ આર્ટિલરી, નેવલ ડિસ્ટ્રોયર્સ, મિસા​ઇલ બોટ્સ, ઍર ફોર્સનાં ફાઇટર્સ, બૉમ્બર્સ, જૅમર્સ અને રિફ્યુલર્સને તહેનાત કરવામાં આવ્યાં છે. 
પ્રેસિડન્ટ ત્સઈએ ગઈ કાલે જણાવ્યું હતું કે ચીનની વિસ્તારવાદની નીતિના કારણે તેમનો દેશ સતત જોખમોનો સામનો કરી રહ્યો છે ત્યારે તેમની સરકાર અમેરિકા અને અન્ય લોકતાં​ત્રિક દેશોની સાથે સતત કામ કરશે. 
ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના ઈસ્ટર્ન થિયેટર કમાન્ડે જણાવ્યું હતું કે તાઇવાનની ફરતે ચીનના ત્રણ દિવસના ઑપરેશનને ‘યુનાઇટેડ શાર્પ સ્વર્ડ’ નામ આપવામાં આવ્યું છે, જે સોમવાર સુધી ચાલશે. 
તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે એ ચીનની આ કવાયતનો શાંત, તર્કબદ્ધ રીતે અને ગંભીરતાથી જવાબ આપશે. તેઓ ઘર્ષણ વધે એવું કંઈ પણ નહીં કરે. જોકે સાથે જ તાઇવાનની અખંડિતતાનું રક્ષણ કરશે.
ચીનની નૅવીએ તાઇવાનની સામે ફુજિઆન પ્રાંતમાં લુઓયુઆન ખાડીમાં ‘લાઇવ ફાયર ટ્રેનિંગ’ માટે પણ પ્લાનિંગ કર્યું હતું. 

world news china