ચીનની ગ્રોથ સ્ટોરીમાં તિરાડો પડી

11 June, 2023 09:43 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

તિઆનજિન અને લિયાંગ સહિત અનેક જગ્યાએ સુરક્ષાને જોખમમાં મૂકીને બનાવાયેલાં બિલ્ડિંગ્સમાં તિરાડો પડવાને લીધે હજારો લોકોએ પોતાનાં ઘર છોડવાં પડ્યાં, ચીનમાં લગભગ ૨૫ ટકા હાઉસિંગ પ્રૉપર્ટીઝ ખાલી છે

તિઆનજિનમાં ત્રીજી જૂને મોટા ધડાકા બાદ રોડ ફાટી ગયો હતો.

ચીનની વિકાસ સ્ટોરીમાં તિરાડો પડી છે. હવે આખી દુનિયા એ જોઈ શકે છે. ચીનના પાંચમાં સૌથી વિશાળ સિટી તિઆનજિનમાં લગભગ ૪૦૦૦ લોકોએ પોતાનાં ઘર છોડવાં પડ્યાં છે. ત્રીજી જૂને એક મોટા ધડાકા બાદ રોડ ફાટી ગયો હતો. એક બિલ્ડિંગની સપોર્ટ કૉલમમાં તિરાડો પડી હતી. એ પછી બાજુનાં બિલ્ડિંગ્સમાં પણ તિરાડ પડવા માંડી હતી. આખરે અહીં આવી સ્થિતિ થવાનું કારણ શું છે એને લઈને સવાલ થઈ રહ્યા છે. ચાઇનીઝ ઑથોરિટીઝનું કહેવું છે કે ‘ઓચિંતા જિયોલૉજિકલ ડિઝૅસ્ટર’ને કારણે આમ થયું છે. એનો ખુલાસો ચીને એ આપ્યો કે ૪૦૦૦ ફુટના ઊંડાણમાં અન્ડરગ્રાઉન્ડ ગ્રૅવિટીને કારણે એમ થયું હોઈ શકે છે. ચીનના જ એક્સપર્ટ્સ આ બાબતથી સંમત નથી.

ચીનમાં ભૂકંપ કે અત્યંત ગરમી ન હોવા છતાં રોડ બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. વાત માત્ર તિઆનજિનની નથી, પરંતુ બીજી અનેક જગ્યાઓએ આમ થયું છે અને આવું વારંવાર થઈ રહ્યું છે. લિયાંગ જિલ્લામાં પણ એમ જ બન્યું હતું. અહીંના લોકોને લાગ્યું કે કોઈ વિસ્ફોટ થયો છે. તરત જ ૧૦૦૦ લોકો બિલ્ડિંગ્સમાંથી બહાર નીકળી આવ્યા હતા અને ઇમર્જન્સી કૉલ્સ કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં એક બિલ્ડિંગની કૉલમમાં મોટી તિરાડ પડી હોવાને કારણે વિસ્ફોટ જેવો અવાજ આવ્યો હતો.

કુદરતી પ્રોસેસ કે માનવીય ઍક્ટિવિટીઝને કારણે ક્યારેક જમીન ધસી પડે છે એ સામાન્ય બાબત છે, પરંતુ ચીનમાં આ જેકાંઈ થઈ રહ્યું છે એ અસામાન્ય છે. આ પ્રૉબ્લેમ કરપ્શન છે અને મેઇન વિલન ચાઇનીઝ સરકાર છે. ચાઇનીઝ સરકાર લાખો લોકોની જિંદગીને દાવ પર લગાડી રહી છે. ચીનમાં કોઈ પણ બિલ્ડિંગના નિર્માણ પહેલાં એ જમીન પર એ બિલ્ડિંગ ટકી શકશે કે નહીં, જમીન ધસી પડવાનું જોખમ છે કે નહીં એ ચેક કરવાની સિસ્ટમ છે, પરંતુ કરપ્શનને કારણે એનો યોગ્ય રીતે અમલ થતો નથી.

ચીન એની આર્થિક વૃદ્ધિનું દુનિયા સમક્ષ ખોટું પિક્ચર રજૂ કરવા માટે સ્કાયસ્ક્રેપર્સનું નિર્માણ કરી રહ્યું છે. વળી, એ બુલેટની સ્પીડે સ્કાયસ્ક્રેપર્સનું નિર્માણ કરી રહ્યું છે. મૂળ વાત એ છે કે ચીનમાં મોટા ભાગની જમીન સરકારી છે. એના પર સ્કાયસ્ક્રેપર્સ બને અને લોકો ઇન્વેસ્ટ કરે તો આખરે રૂપિયા ફરીને ચીનની સરકારની પાસે જ આવે. 
જોકે હવે વરવી વાસ્તવિકતા એ છે કે ચીનમાં લગભગ ૨૫ ટકા હાઉસિંગ પ્રૉપર્ટીઝ ખાલી છે. ૬૦૦૦ જેટલાં ખાલી શહેર છે.  

china beijing international news