13 November, 2024 08:47 AM IST | Toronto | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : એએફપી
કૅનેડાના સૌથી મોટા ટૉરોન્ટો શહેરના બ્રેમ્પટન વિસ્તારમાં ગયા મહિને હિન્દુ સભા મંદિરમાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા હુમલા અને હિંસા બાદ બીજા એક હિન્દુ ત્રિવેણી મંદિરમાં પણ લાઇફ સર્ટિફિકેટ આપવાના યોજાયેલા કાર્યક્રમને ખાલિસ્તાની જૂથની ધમકીને કારણે રદ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં હિન્દુ અને સિખોને લાઇફ સર્ટિફિકેટ આપવામાં આવવાનાં હતાં.
આ કાર્યક્રમ ભારતીય હાઈ કમિશનના સહયોગમાં ૧૭ નવેમ્બરે આયોજિત કરવામાં આવ્યો હતો, પણ પોલીસને ઇન્ટેલિજન્સ ઇન્પુટ મળ્યાં હતાં કે આ કાર્યક્રમમાં પણ સિખ અલગાવવાદી જૂથો વિક્ષેપ પાડવાનાં છે. સિખો હિંસક હુમલો કરે એવી શક્યતા હોવાથી પોલીસે આપેલી સલાહ બાદ મંદિર પ્રશાસને આ કાર્યક્રમ કૅન્સલ કરવાનો નિર્ણય લીધો હતો.
આ મુદ્દે મંદિર પ્રશાસને કહ્યું હતું કે ‘કૅનેડામાં હવે કૅનેડિયન હિન્દુઓ મંદિરમાં આવતાં ડરી રહ્યા છે. તેમને હવે મંદિરમાં આવવું સલામત લાગતું નથી. અમે પોલીસ પ્રશાસનને વિનંતી કરી છે કે તેઓ હિન્દુ મંદિરોને પૂરતી સુરક્ષા-વ્યવસ્થા પૂરી પાડે.’
ખાલિસ્તાની ગ્રુપ સિખ ફૉર જસ્ટિસના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર હિન્દુ મંદિરોની બહાર હિંસક હુમલાની ધમકી આપવામાં આવી હતી.