નાયગ્રા ફૉલ્સના પ્રવાસે ગયેલા ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, ખીણમાં પડી જતાં મહિલાનું મૃત્યુ

16 February, 2023 12:08 PM IST  |  Ottawa | Gujarati Mid-day Online Correspondent

આ અકસ્માત 13 ફેબ્રુઆરીના રોજ થયો હોવાનું જાણવા મળ્યું છે. દુર્ઘટના બાદ જીત ભટ્ટ અને તેમના પાંચ વર્ષના બાળકને બચાવી લેવાયું હતું, પરંતુ બંનેને ગંભીર ઇજા થઈ હતી, જેને કારણે તેમને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા

જીત ભટ્ટ અને નેહા ભટ્ટ પુત્ર રુદ્રાન્સ ભટ્ટ સાથે

કેનેડા (Canada) સ્થિત નાયગ્રા ફૉલ્સ (Niagara Falls) સ્ટેટ પાર્કના નાયગ્રા જોર્જમાં પડી જતાં એક ગુજરાતી મહિલાનું અવસાન થયું છે. વર્ષોથી અમેરિકામાં રહેતા જીત ભટ્ટ તેમના પત્ની નેહા ભટ્ટ અને પાંચ વર્ષ પુત્ર રુદ્રાન્શ સાથે નાયગ્રા ફૉલ્સ ફરવા ગયાં હતાં. આ પ્રવાસ દરમિયાન મહિલાનો એક પગ લપસતા આખો પરિવાર આ ઊંડી ખીણમાં પડી ગયો હતો અને નેહા ભટ્ટનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ અકસ્માત 13 ફેબ્રુઆરીના રોજ થયો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક મીડિયા હાઉસ બફેલો ન્યૂઝના અહેવાલ અનુસાર દુર્ઘટના બાદ જીત ભટ્ટ અને તેમના પાંચ વર્ષના દીકરાને બચાવી લેવાયા હતા, પરંતુ બંનેને ગંભીર ઇજા થઈ હતી, જેને કારણે તેમને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. નાયગ્રા રિજન પાર્ક્સના પ્રવક્તા એન્જેલા પી. બર્ટીએ સ્થાનિક મીડિયાને જણાવ્યા અનુસાર સત્તાવાળાઓએ ગુજરાતી મહિલાનો મૃતદેહ મેળવી લીધો છે. સ્ટેટ પાર્ક પોલીસ કેપ્ટન ક્રિસ રોલાએ મીડિયાને જણાવ્યું હતું કે, “દુર્ભાગ્યવશ, મહિલાનો જીવ બચાવી શકાયો નથી. પોલીસે હેલિકોપ્ટરની મદદથી મહિલાના મૃતદેહને કૉરનર ઑફિસ સુધી પહોંચાડ્યો હતો.

રોલાએ કહ્યું કે “મહિલા ખીણમાં પડી તે પહેલાં તેના પતિ અને દીકરા સાથે હતી. પોલીસ હજુ સુધી જાણતી નથી કે આ ઘટના કઈ રીતે બની. પોલીસે પાર્કમાં રહેલા અન્ય સાક્ષીઓની પૂછપરછ કરી હતી.”

રોલાએ ઉમેર્યું કે “આ ખૂબ જ બર્ફીલો પ્રદેશ છે. બચાવ કાર્ય માટે તે ખરેખર અઘરો પ્રદેશ છે, પરંતુ અમારી ટીમ તમામ પરિસ્થિતઓનો સામનો કરીને તેમની પાસે પહોંચી હતી અને પ્રાથમિક સારવાર આપી હતી.”

ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી. ટીમ ઘાટીના તળિયે રહેલા બરફને દૂર કરી બાળક અને તેની માતા સુધી પહોંચી હતી. બચાવકર્તાઓ નાયગ્રા ફૉલ્સ ફાયર ડિપાર્ટમેન્ટ સાથે બંને પીડિતો સુધી ખૂબ જ ઝડપથી પહોંચી ગયા હતા. તેમ છતાં મહિલાનો જીવ બચાવી શકાયો નહીં.

આ પણ વાંચો: અમેરિકા: ટેક્સાસના એક મૉલમાં ફરી ફાયરિંગ, એકનું મોત, અગાઉ 23 લોકોના ગયા હતા જીવ

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સોશિયલ મીડિયાની મદદથી પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. એક નજીકના સૂત્રએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “જીત ભટ્ટ અને તેમનો પરિવાર વર્ષોથી અમેરિકામાં સ્થાયી હતા. અકસ્માતમાં રુદ્રાન્શને 17 ટકા આવ્યા છે અને ડૉક્ટરે તેને હજી લગભગ દોઢ મહિનો હૉસ્પિટલમાં સારવાર હેઠળ રાખવાની સલાહ આપી છે.”

 

international news canada united states of america