૧૦ લોકોનાં મોત, ૧૦,૦૦૦ ઘરો બળીને ખાખ, લૉસ ઍન્જલસમાં લાગેલી આગ વધારે વિકરાળ બનવાની દિશામાં

11 January, 2025 11:01 AM IST  |  California | Gujarati Mid-day Correspondent

પાંચ ચર્ચ, સાત સ્કૂલો અને બે લાઇબ્રેરી ભસ્મીભૂત, આગમાં પણ લૂંટફાટ, ૨૦ની ધરપકડ, સૅન્ટા મોનિકા શહેરમાં લૂંટફાટ અને અંધાધૂંધીને કારણે કરફ્યુ : અમેરિકાનાં જંગલોમાં આગને કારણે ૧૧,૬૨,૫૨૦થી ૧૨,૯૧,૬૩૭ કરોડ રૂપિયાનું થયું નુકસાન

લૉસ ઍન્જલસના પાડોશમાં આવેલા પૅસિફિક પાલિસેડ્સમાં બળી ગયેલાં ઘરોનું હેલિકૉપ્ટરમાંથી લેવામાં આવેલું દૃશ્ય.

અમેરિકામાં કૅલિફૉર્નિયાનાં જંગલોમાં અને લૉસ ઍન્જલસમાં લાગેલી આગ વધુ વિકરાળ બની રહી છે. પૅસિફિક પાલિસેડ્સ ફાયરમાં ૧૯,૦૦૦ એકર જમીન પરની સંપત્તિ નષ્ટ થઈ છે. જે ઘરોની ફરતે ફૅન્સ છે એ બચ્યાં છે. નૅશનલ ગાર્ડ્સને પણ ઘરો ખાલી કરાવવાની કામગીરીમાં લગાવી દેવામાં આવ્યા છે. બીજી તરફ કૅલિફૉર્નિયાનાં જંગલોમાં લાગેલી આગથી આશરે ૧૩૫થી ૧૫૦ અબજ ડૉલરનું નુકસાન થયું હોવાનો અંદાજ પ્રાઇવેટ વેધર ચૅનલ ઍક્યુવેધરે માંડ્યો છે. ભારતીય ચલણમાં વાત કરીએ તો આગને કારણે આશરે ૧૧,૬૨,૫૨૦ કરોડથી ૧૨,૯૧,૬૩૭ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

પાંચ ચર્ચ, સાત સ્કૂલો, બે લાઇબ્રેરી, બુટિક્સ, બાર, રેસ્ટોરાં, બૅન્ક અને ગ્રોસરી શૉપ આગમાં નાશ પામ્યાં છે. આગના સમયે પણ લૂંટફાટ કરી રહેલા ૨૦ લોકોને પકડી લેવામાં આવ્યા છે. સૅન્ટા મોનિકા શહેરમાં લૂંટફાટ અને અંધાધૂંધીને કારણે કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે.

કૅલિફૉર્નિયાના ઍલ્ડાડીનામાં આવેલા ઈટન ફાયરમાં આગમાં ખાખ થઈ ગયેલા પોતાના ઘર પાસે ઊભેલા લોકો.

હવામાન ખાતાએ જણાવ્યું હતું કે પવનો શાંત પડ્યા હોવાથી આગને બુઝાવવાની કામગીરી ઝડપી બની છે. હાલમાં જે લોકોને આગમાંથી બચાવવામાં આવ્યા છે અને શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે એના બે માઇલ સુધી આગ પહોંચી ગઈ છે. હૉલીવુડના અનેક ફિલ્મસ્ટારોના ભવ્ય બંગલા આ આગમાં નાશ પામ્યા છે.

પૅસડીના પાસે મંગળવારથી ભભૂકી રહેલી આગમાં ૫૦૦૦ સંપત્તિઓ બળી ગઈ છે. સૅન ફર્નાન્ડો વૅલીમાં ગુરુવારે બપોરથી આગ શરૂ થઈ છે અને આ આગ વિકરાળ બની રહી છે. આગ બુઝાવવા માટે ૪૦૦ ફાયરફાઇટર્સ દિવસ-રાત કામ કરી રહ્યા છે. ૧,૮૦,૦૦૦ લોકોને આગ લાગી છે એવા પ્રદેશોમાંથી નીકળી જવા માટે ઇવૅક્યુએશન ઑર્ડર આપવામાં આવ્યા છે.

આગને કારણે ૧૧૭ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ભસ્મીભૂત થયો છે. લૉસ ઍન્જલસમાં આગમાં ૫૩૦૦ સંપત્તિઓ નાશ પામી છે.

california los angeles fire incident wildlife international news news world news