કેલિફોર્નિયામાં ભારતીય મૂળના પરિવારનું શંકાસ્પદ મોત, કારણ હજુ પણ અકબંધ!

14 February, 2024 04:15 PM IST  |  California | Gujarati Mid-day Online Correspondent

California Family Death : ઘરમાંથી પતિ, પત્ની અને માસૂમ બાળકોના મૃતદેહ મળ્યા; પોલીસ કરી રહી છે તપાસ

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં અમેરિકા (United States Of America)માં બનેલી એક ઘટનાએ દેશને હચમચાવી દીધો છે. કેલિફોર્નિયા (California)ના સાન માટો (San Mateo) ભારતીય મૂળનો એક પરિવાર (California Family Death) મૃત હાલતમાં મળી આવ્યો છે. જેમાં પરિવારના ચાર સભ્યોનો સમાવેશ થાય છે. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

કેલિફોર્નિયાના સાન માટોમાં ભારતીય મૂળનો એક પરિવાર શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો છે (California Family Death). મૃતકોમાં કેરળ (Kerala)ના એક પરિવારના ચારનો સમાવેશ થાય છે. જેમાં પતિ-પત્ની અને તેમના બે માસુમ બાળકોનો સમાવેશ થાય છે. પોલીસને હત્યા-આત્મહત્યાની શંકા છે. મોત પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બે જોડિયા બાળકો સહિત ભારતીય-અમેરિકન પરિવારના ચાર જણ ૧૩ ફેબ્રુઆરીના રોજ કેલિફોર્નિયાના સાન માટિયોમાં તેમના નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.

એક નિવેદનમાં, સાન માટો પોલીસ વિભાગે જણાવ્યું હતું કે, પીડિતોમાંથી બેને ગોળી વાગી હતી. જ્યારે અન્ય બેના મૃત્યુનું કારણ હજુ અજ્ઞાત છે. પીડિતોની ઓળખ આનંદ સુજીત હેનરી (૪૨ વર્ષ), તેની પત્ની એલિસ પ્રિયંકા (૪૦ વર્ષ) અને તેમના જોડિયા બાળકો તરીકે કરવામાં આવી છે.

પોલીસને પરિવારના મૃતદેહ એવા સમયે મળ્યા જ્યારે પરિવારના કોઈ સંબંધીએ તેમના ઘરે જઈને તપાસ કરવાનું નક્કી કર્યું કારણ કે પરિવારના કોઈ સભ્ય ફોન ઉપાડતા ન હતા. ભારતીય-અમેરિકન દંપતી, આનંદ અને એલિસ, બાથરૂમની અંદર બંદૂકના ઘા સાથે મૃત હાલતમાં મળી આવ્યા હતા. જોડિયા બાળકોના મૃતદેહ બેડરૂમમાંથી મળી આવ્યા હતા અને પોલીસ દ્વારા તેમના મૃત્યુના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

આ દુર્ઘટનાની માહિતી આપતા સાન માટિયો પોલીસે કહ્યું, દુઃખની વાત છે કે, બંને બાળકો તેમના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના મૃત્યુનું કારણ હજુ તપાસ હેઠળ છે. બાથરૂમની અંદર ગોળી વાગવાથી પતિ-પત્ની બંનેના મોત થયા હતા. સાન માટો પોલીસે જણાવ્યું હતું કે, બાથરૂમમાંથી લોડેડ ૯ એમએમ હેન્ડગન અને એક મેગેઝિન પણ મળી આવ્યું હતું. જ્યારે પ્રારંભિક શંકા કાર્બન મોનોક્સાઇડ લીક થવા તરફ નિર્દેશ કરે છે. પરંતુ હજુ સુધી અધિકારીઓને ઘરમાં ગેસ લીકેજ કે ખામીયુક્ત ઉપકરણોના કોઈ પુરાવા મળ્યા નથી.

મૂળ આ કેરળનો પરિવાર છે, જે છેલ્લા નવ વર્ષથી અમેરિકામાં રહેતો હતો. આનંદ વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર હતો અને એલિસ એક વરિષ્ઠ વિશ્લેષક હતી જે બે વર્ષ પહેલાં ન્યૂ જર્સીથી સાન માટોમાં શિફ્ટ થઈ હતી. આ દંપતીને પાડોસીઓ અને સહકર્મીઓ દ્વારા હંમેશા પસંદ કરવામાં આવતા હતા.

કોર્ટના રેકોર્ડ મુજબ, આનંદે ડિસેમ્બર ૨૦૧૬માં છૂટાછેડાની અરજી કરી હતી પરંતુ કોર્ટમાં અલગ થવાની પ્રક્રિયા પૂર્ણ થઈ શકી ન હતી. આનંદની લિંક્ડઇન પ્રોફાઈલ અનુસાર, તેણે પોતાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની લોગિટ્સ શરૂ કરી હતી. આ પહેલા તે મેટા સાથે કામ કરતો હતો. તેણે ગયા વર્ષે જૂનમાં મેટાની નોકરી છોડી દીધી હતી.

california united states of america kerala india international news Crime News