યુકેમાં કોઈ પણ સ્વરૂપમાં ઉગ્રવાદ સ્વીકાર્ય નથીઃ સુનક

07 September, 2023 09:15 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

બ્રિટિશ વડા પ્રધાને કહ્યું કે મારી દીકરીઓ જ્યારે ફુટબૉલની વાત આવે ત્યારે ઇંગ્લૅન્ડને સપોર્ટ કરતી હોય તો પછી ક્રિકેટની વાત આવે છે ત્યારે તેઓ ભારતને સપોર્ટ કરી શકે એ વાતથી હું સંમત છું

ફાઇલ તસવીર

યુકેમાં ખાલિસ્તાની સપોર્ટર્સની ઍક્ટિવિટી બાબતે ભારતની ચિંતાઓને ઘટાડતાં બ્રિટિશ વડા પ્રધાન રિશી સુનકે ગઈ કાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘ઉગ્રવાદ કોઈ પણ સ્વરૂપમાં સ્વીકાર્ય નથી. કાયદા મુજબ વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ એનો ગેરલાભ લઈને હિંસા કે ધમકીભર્યો વર્તાવ ન કરવો જોઈએ.’

ન્યુઝ એજન્સી પીટીઆઇને આપવામાં આવેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં સુનકે જણાવ્યું હતું કે તેઓ હિંસક, ભાગલા પાડતી વિચારસરણીનો સામનો કરવાની સરકારની ફરજને ખૂબ જ ગંભીરતાથી લે છે. યુકે ખાલિસ્તાની ઉગ્રવાદના જોખમનો સામનો કરવા માટે ભારત સરકારમાં પોતાના પાર્ટનર્સની સાથે મળીને કામ કરી રહ્યું છે.

યુકેમાં ખાલિસ્તાની સપોર્ટર્સની વધતી ઍક્ટિવિટીને કારણે ભારતની ચિંતા વધી છે. માર્ચમાં લંડનમાં ઇન્ડિયન હાઈ કમિશન પર હુમલો થયો હતો.

બ્રિટિશ વડા પ્રધાન તેમનાં ભારતીય સાસુ-સસરાની સાથે ડિનર-ટેબલ પર શેની ચર્ચા કરે છે? શું તેઓ ઇન્ડિયન પૉલિટિક્સની ચર્ચા કરે છે કે પછી બ્રિટનને ચલાવવામાં આવી રહેલા પડકારોની? બેમાંથી એક પણ નહીં. એ વિષય હશે ક્રિકેટ. સુનકે જણાવ્યું હતું કે ‘અમારી વચ્ચે સૌથી પેશનેટ ચર્ચા ક્રિકેટ વિશે જ થાય છે. મારી દીકરીઓ જ્યાં સુધી ફુટબૉલની વાત આવે ત્યારે ઇંગ્લૅન્ડને સપોર્ટ કરતી હોય તો પછી ક્રિકેટની વાત આવે છે ત્યારે તેઓ ભારતને સપોર્ટ કરી શકે એ વાતથી હું સંમત છું.’

રિશી સુનકના પેરન્ટ્સ બન્ને ભારતીય મૂળના છે. તેઓ પૂર્વ આફ્રિકાથી યુકેમાં આવ્યા હતા. તેમનાં પત્ની અક્ષતા મૂર્તિ ભારતીય અબજોપતિ નારાયણ મૂર્તિ અને ફિલાન્થ્રોપિસ્ટ સુધા મૂર્તિનાં દીકરી છે.  

rishi sunak united kingdom india narendra modi international news