બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સને કૅન્સર

07 February, 2024 08:50 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદી સહિત દુનિયાભરના નેતાઓએ ગેટ-વેલ-સૂનના મેસેજ મોકલાવ્યા

બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ ત્રીજા

લંડન : બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ ત્રીજાને કૅન્સર હોવાની બકિંગહૅમ પૅલેસ દ્વારા જાહેરાત કરાયા બાદ વિશ્વભરમાંથી તેમના જલદી સાજા થઈ જવાસંબંધી સંદેશાઓની વર્ષા થઈ હતી. થોડા દિવસ પહેલાં જ તેમણે પ્રોસ્ટેટની સર્જરી કરાવી હતી. કૅન્સરની પુષ્ટિ થયા પછી તેમના તમામ જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન  અને બ્રિટિશના વડા પ્રધાન રિશી સુનકે તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.

બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ ત્રીજાની ઉંમર ૭૫ વર્ષ છે. ગયા મહિને તેમના પર પ્રોસ્ટેટની સર્જરી પણ કરવામાં આવી હતી. આ પછી હવે તેમને કૅન્સર હોવાનું સામે આવ્યું છે. બકિંગહૅમ પૅલેસે જણાવ્યું હતું કે પ્રિન્સ ચાર્લ્સની સારવાર ચાલી રહી છે. તેઓ ટૂંક સમયમાં સ્વસ્થ થઈ જશે અને જાહેર જીવનમાં પાછા આવશે. રાજમહેલ અને પરિવારના અન્ય સભ્યો તેમનું મનોબળ વધારી રહ્યા છે. હાલ તેઓ થોડા દિવસો સુધી કોઈ પણ જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે નહીં, પરંતુ તેમના મહેલના કામની દેખરેખ ચાલુ રાખશે.

આ તરફ બ્રિટિશ વડા પ્રધાન રિશી સુનકે ટ્વિટર પર પોસ્ટ કરી હતી. તેમણે પ્રિન્સના સંપૂર્ણ અને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. સાથે જ લખ્યું હતું કે મને પૂરો વિશ્વાસ છે કે તેઓ સ્વસ્થ થઈને પુનરાગમન કરશે. આખો દેશ તેમના સાજા થવા માટે ઇચ્છી રહ્યો છે. અમેરિકામાં રહેતા પ્રિન્સ હૅરી ટૂંક સમયમાં તેમનાં પત્ની મેગન માર્કલ સાથે બ્રિટન પરત ફરશે. પ્રિન્સના કૅન્સરના સમાચાર મળ્યા બાદ તેમણે બ્રિટન જવાની યોજના બનાવી છે. 

international news great britain prince charles narendra modi rishi sunak