12 June, 2023 09:53 AM IST | Peshawar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ભારે પવન અને વાવાઝોડા સાથે મુશળધાર વરસાદથી ઓછામાં ઓછા ૩૪ જણનાં મૃત્યુ થયાં છે અને ૧૧૦થી વધુ લોકોને ઈજા થઈ છે. પ્રોવિન્શિયલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી અનુસાર શનિવારે આ પ્રાંતમાં ભારે વરસાદના કારણે બન્નુ, દિખાન, લક્કી મારવાત અને કરક જિલ્લામાં લોકોનાં મૃત્યુ થયાં હતાં. દીવાલો તૂટવા તેમ જ વૃક્ષો જમીનદોસ્ત થવાના કારણે જાનહાનિ થઈ હતી. ૧૧૦થી વધુ ઈજાગ્રસ્તોને હૉસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે બિપરજૉય વાવાઝોડાની અસર થવાની શક્યતાને કારણે દરિયાકાંઠાના કચ્છ સહિતના ૬ જિલ્લાઓમાં શાળા-પ્રવેશોત્સવ મોકૂફ રખાયો છે અને અન્ય જિલ્લાઓમાં ત્રણને બદલે માત્ર બે દિવસ માટે પ્રવેશોત્સવ યોજાશે. ગુજરાતના દરિયાકિનારાના કચ્છ, દ્વારકા, પોરબંદર, મોરબી, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં હાલ પૂરતો શાળા-પ્રવેશોત્સવ મોકૂફ રાખવાનો નિર્ણય ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ‘મિડ-ડે’એ ગઈ કાલે ‘ગુજરાતમાં શાળા-પ્રવેશોત્સવમાં બાધારૂપ બની શકે છે વાવાઝોડું’ હેડિંગ હેઠળ અહેવાલ પ્રસિદ્ધ કરીને ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે ગઈ કાલે હવામાન વિભાગે જાહેર કર્યું હતું કે કચ્છના માંડવીથી પાકિસ્તાનના કરાચી વચ્ચે ૧૪મીએ વાવાઝોડું લૅન્ડફૉલ થાય એવી સંભાવના છે. આ સંભાવનાને પગલે ગુજરાત સરકારે દરિયાકિનારાના ૬ જિલ્લાઓમાં શાળા-પ્રવેશોત્સવ મોકૂફ રાખ્યો છે.
કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાએ બિપરજૉય વાવાઝોડાના ખતરાને ડીલ કરવા માટે ગુજરાતનું ઍડ્મિનિસ્ટ્રેશન અને કેન્દ્ર સરકારના જુદા-જુદા વિભાગો અને એજન્સીઓની સજ્જતાની ગઈ કાલે સમીક્ષા કરી હતી. ગૃહમંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રાલયો, એજન્સીઓ અને ગુજરાત સરકારની તૈયારીઓની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ગૃહસચિવની અધ્યક્ષતામાં નૅશનલ એક્ઝિક્યુટિવ કમિટીની મીટિંગ યોજાઈ હતી. ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટ અનુસાર નૅશનલ એક્ઝિક્યુટિવ કમિટી દેશમાં ડિઝૅસ્ટર મૅનેજમેન્ટને સંબંધિત પૉલિસી અને પ્લાનના અમલ માટે જવાબદાર છે. ગુજરાત સરકારને તેમની તૈયારીઓ, રેસ્ક્યુ અને મરામતના પ્રયાસોમાં મદદ કરવા માટે નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ, આર્મી, નેવી, ઍર ફોર્સ અને કૉસ્ટ ગાર્ડની ટીમોને પૂરતી સંખ્યામાં તહેનાત કરવામાં આવી રહી છે.