છૂટી ગયો બિકિની કિલર ચાર્લ્સ શોભરાજ: ૧૯ વર્ષ બાદ જેલમાંથી બહાર આવ્યો

23 December, 2022 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નેપાળની સર્વોચ્ચ અદાલતે ચાર્લ્સ શોભરાજને 15 દિવસની અંદર તેના દેશ પરત મોકલવાનો આદેશ આપ્યો છે

ફાઇલ તસવીર

સિરિયલ કિલર ચાર્લ્સ શોભરાજ (Charles Sobhraj) નેપાળ જેલમાંથી મુક્ત થઈ ગયો છે. નેપાળની સુપ્રીમ કોર્ટે બુધવારે બિકીની કિલર તરીકે ઓળખાતા ફ્રેન્ચ નાગરિક ચાર્લ્સ શોભરાજને મુક્ત (Charles Sobhraj Released) કરવાનો ચુકાદો આપ્યો હતો. નેપાળની સેન્ટ્રલ જેલમાંથી કુખ્યાત સિરિયલ કિલર ચાર્લ્સ શોભરાજની તબીબી હાલત અને વયના આધારે એક દિવસ વિલંબ થયો છે, કારણ કે ઇમિગ્રેશન વિભાગ તેના રોકાણ માટે યોગ્ય વ્યવસ્થા કરી શક્યું નથી.

નેપાળની સર્વોચ્ચ અદાલતે (Nepal Supreme Court) ચાર્લ્સ શોભરાજને 15 દિવસની અંદર તેના દેશ પરત મોકલવાનો આદેશ આપ્યો છે. તે 2003થી નેપાળની જેલમાં બંધ છે.

છૂટી ગયો ચાર્લ્સ

સિરિયલ કિલર ચાર્લ્સ શોભરાજના વકીલ ગોપાલ શિવકોટીએ ગુરુવારે મોડી સાંજે મીડિયાને જણાવ્યું કે તેમને વિશેષ અતિથિ તરીકે સેન્ટ્રલ જેલમાં રાત માટે રાખવામાં આવશે. ગોપાલ શિવકોટીએ ચાર્લ્સ શોભરાજને ટાંકીને કહ્યું હતું કે જ્યારે તેમને જેલમાં વિશેષ અતિથિ તરીકે રાત રહેવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો, "હું ખુશ છું. મારી તબિયતને કારણે મને ખાસ ધ્યાન આપવાની જરૂર છે અને હું અન્ય લોકો સાથે રૂમ શેર કરી શકતો નથી. અહીં રહેવું મારા માટે સારું છે.”

2003થી સજા ભોગવી રહ્યો છે

ચાર્લ્સ શોભરાજ બે અમેરિકન પ્રવાસીઓની હત્યાના આરોપમાં 2003થી નેપાળી જેલમાં સજા ભોગવી રહ્યો છે. કોર્ટે તારણ કાઢ્યું હતું કે 78 વર્ષીય શોભરાજને મુક્ત કરવો જોઈએ કારણ કે તે તેની જેલની મુદતના 95 ટકા સમય પૂર્ણ કરી ચૂક્યો છે. બુધવારે સાંજે (21 ડિસેમ્બર) જાહેર કરાયેલા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જેલ મેનેજમેન્ટ નિયમોમાં 65 વર્ષથી વધુ ઉંમરના અને સારા આચરણવાળા કેદીઓ માટે જેલની સજામાં 75 ટકા સુધીની છૂટછાટની જોગવાઈ છે.

શોભરાજને તેના દેશમાં મોકલવાનો આદેશ

શોભરાજના વકીલો લાંબા સમયથી માફી માટે કોર્ટના હસ્તક્ષેપની માગ કરી રહ્યા હતા. ઘણી અરજીઓમાં, તેમણે વરિષ્ઠ નાગરિક અધિનિયમ, 2063ની કલમ 12 (1)ની જોગવાઈઓ ટાંકીને તેમની જેલની મુદત ઓછી કરવાની માગ કરી હતી. કોર્ટે હવે સરકારને 15 દિવસમાં શોભરાજને તેના દેશ પરત મોકલવાની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: ઈસ્લામાબાદમાં આત્મઘાતી હુમલો, પકડાઈ જવાના ડરથી આતંકીએ પોતાને ઉડાવ્યો

બે અમેરિકન પ્રવાસીઓની હત્યા માટે આજીવન કેદ

ચાર્લ્સ શોભરાજને 1975માં નેપાળમાં બે અમેરિકન પ્રવાસીઓની હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ચાર્લ્સ શોભરાજ વેશમાં માસ્ટર હતો. તે પ્રવાસીઓ અને યુવતીઓને નિશાન બનાવતો હતો. ચાર્લ્સ શોભરાજ પર ભારત, થાઈલેન્ડ, નેપાળ, તુર્કી અને ઈરાનમાં અનેક હત્યાઓનો આરોપ હતો.

international news india nepal