23 June, 2022 09:22 AM IST | Kabul | Gujarati Mid-day Correspondent
પૂર્વ અફઘાનિસ્તાનના પાકતિકા પ્રાંતમાં ભૂકંપને કારણે થયેલા નુકસાનને જોતા લોકો (તસવીર : એ.પી.)
કાબુલ (આઇ.એ.એન.એસ.): અફઘાનિસ્તાનના બે પૂર્વીય પ્રાંતમાં ગઈ કાલે વહેલી સવારે ધરતીકંપના આંચકા આવ્યા બાદ મૃત્યુઆંક ૧૦૦૦ પર પહોંચ્યો હોવાનું અફઘાનના મીડિયા અહેવાલોમાં જણાવાયું છે. તાલિબાનીઓની સરકારમાં નૅચરલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના રાજ્ય કક્ષાના ડેપ્યુટી પ્રધાન મૌલવી શરફુદ્દીને એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ધરતીકંપમાં ૧૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે કે ૬૧૦ ઈજાગ્રસ્ત છે. અફઘાનિસ્તાનમાં આવેલા આ દાયકાઓ પૈકીના સૌથી વધુ જીવલેણ સાબિત થયેલા ભૂકંપના આંચકાની અસર ૫૦૦ કિલોમીટર દૂર આવેલા અફઘાનિસ્તાન પ્રદેશો, પાકિસ્તાન અને ભારતમાં પણ વર્તાઈ હતી.
પાકતિકા પ્રાંતમાં ધરતીકંપને કારણે ઘરોને થયેલું નુકસાન (તસવીર : એ.પી.)
અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતના સાઉથ-વેસ્ટમાં સ્થિત ૪૪ કિલોમીટર વિસ્તારમાં ૬.૧ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો, જેમાં બારમલ, ઝિરુક, નાકા અને ગયાન જિલ્લાઓમાંથી વધુ જાનહાનિ નોંધાઈ છે. નજીકના પ્રાંતો અને કાબુલમાંથી હેલિકૉપ્ટર અને બચાવ ટુકડી આવી પહોંચી છે. અફઘાનિસ્તાનના પાકતિકા પ્રાંતમાંથી ગયાન જિલ્લામાં સૌથી વધુ જાનહાનિ નોંધાઈ છે એમ જણાવતાં સમાચાર સંસ્થાએ ઉમેર્યું હતું કે ધરતીકંપના લીધે આ વિસ્તારમાં અનેક ઘરો નાશ પામ્યાં છે તથા અનેકને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત લૅન્ડસ્લાઇડ પણ થઈ છે. હજી ઘણા લોકો કાટમાળમાં ફસાયેલા હોવાથી મરનારની સંખ્યામાં વધારો નોંધાઈ શકે છે.
ધરતીકંપને પગલે ઑથોરિટીએ જીવનરક્ષક ઉપકરણો અને તબીબી ઉપકરણો સાથે સાત હેલિકૉપ્ટર રવાના કર્યાં છે તેમ જ તબીબી અને બચાવ ટુકડી પણ રવાના કરવામાં આવી છે. ધરતીકંપના કલાકો બાદ વડા પ્રધાન મુલ્લા મોહમ્મદ હસન અખુંદે આપાતકાલીન કૅબિનેટ મીટિંગ બોલાવી હતી.