મસ્કત ઍરપોર્ટ પર ટેક-ઑફ પહેલાં ઍર ઇન્ડિયાના વિમાનમાં આગ, ૧૫૧ વ્યક્તિઓને બચાવી લેવાઈ

15 September, 2022 08:25 AM IST  |  Muscat | Gujarati Mid-day Correspondent

ડીજીસીએ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે

મસ્કત ઍરપોર્ટ પર ગઈ કાલે પ્લેનમાંથી નીકળી રહેલો ધુમાડો

ગઈ કાલે મસ્કત ઍરપોર્ટ પર ટેક-ઑફ માટેની તૈયારી કરી રહેલા ઍર ઇન્ડિયા એક્સપ્રેસ પ્લેનના એન્જિનમાં આગ અને ધુમાડો જોવા મળતાં ૧૫૧ લોકોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ડીજીસીએ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના બની ત્યારે મસ્કતથી સવારે ૧૧.૨૦ વાગ્યે કોચી જતું બોઇંગ વિમાન ૭૩૭-૮૦૦૦ ઍરપોર્ટ પરથી ટેક-ઑફ માટેની તૈયારી કરી રહ્યું હતું. વિમાનમાંથી મુસાફરોને ઝડપથી બહાર કાઢવાના પ્રયાસમાં કેટલાક મુસાફરોને ઉઝરડા પણ પડ્યા હતા. વિમાન જ્યારે ટૅક્સી વે પર હતું ત્યારે અન્ય ઍરક્રાફ્ટે એક એન્જિનમાંથી ધુમાડો નીકળતો હોવાની જાણ કરી હતી. જોકે કૉકપિટમાં આગની ચેતવણીના કોઈ સંકેત નહોતા. આગની ચેતવણી મળતાં એસઓપી મુજબ ક્રૂ ટૅક્સી વે પર જ રોકાઈ ગયા હતા. તેમ જ ઑનબોર્ડ એન્જિન અગ્નિશામકને સક્રિય કરવામાં આવ્યું હતું. લોકોને ઝડપથી બહાર કાઢવા માટે સ્લાઇડ્સ લાવવામાં આવી હતી. ઍર ઇન્ડિયા એક્સપ્રેસે જણાવ્યું હતું કે, મસ્કત ઍરપોર્ટનો પૂરેપૂરો સપોર્ટ મળ્યો હતો. નોંધપાત્ર છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી ફ્લાઇટ્સની સુરક્ષા જોખમમાં મુકાવાની અનેક ઘટના બની છે.

international news oman air india