06 August, 2024 06:04 PM IST | Dhaka | Gujarati Mid-day Online Correspondent
લિટન દાસ અને બાંગલાદેશની હિંસાની તસવીર (સૌજન્ય: સોશિયલ મીડિયા)
પાડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા અનેક અઠવાડિયાથી હિંસાચાર અને તોડફોડ ચાલી રહી છે. આ બધા હિંસાચાર વચ્ચે બાંગલાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ પણ દેશ છોડી ભારતમાં શરણ લીધી છે એવા પણ સમાચાર સામે આવ્યા છે. બાંગલાદેશમાં (Bangladesh Violence) ચાલી રહેલું વિરોધ પ્રદર્શન હવે વધુ હિંસક બની ગયું છે. આ વિરોધનો ફાયદો લઈને અમુક કટ્ટરપંથીઓએ હિંસાચારમાં ત્યાંના મંદિરો અને લઘુમતી હિન્દુઓને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. જો કે આજે એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે બાંગલાદેશના ક્રિકેટર લિટન દાસના ઘરને પણ આગચાંપી તોડફોડ કરવામાં આવી હતી, પણ આ દાવો સાચો છે કે ખોટો તે આપણે જાણીએ.
બાંગ્લાદેશના હિન્દુ ક્રિકેટર લિટન દાસ X પર ટ્રેન થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં તેમના નામે 31 હજારથી વધુ પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Bangladesh Violence) પર કરવામાં આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે બાંગલાદેશની હિંસામાં સામેલ થયેલા લોકોએ લિટન દાસનું ઘર સળગાવી દીધું છે. આ સિવાય પરિવારના ઘણા સભ્યોને માર મારવામાં આવ્યો હતો. બાંગ્લાદેશમાં પણ હિન્દુઓ પર મોટી સંખ્યામાં હુમલા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો લિટન દાસના ઘરને સળગાવવાના દાવાને સાચો માની રહ્યા છે, પરંતુ આ દાવો એકદમ ખોટો છે. આ મામલે તપાસમાં જાણવા મળ્યું કે આ ગુસ્સે ભરાયેલી ભીડે લિટન દાસનું નહીં પરંતુ બાંગ્લાદેશના ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મશરફે મોર્તઝાનું ઘર સળગાવી દીધું હતું.
વાસ્તવમાં, મશરફે મુર્તઝા સાંસદ છે અને તે એ જ અવામી લીગ સાથે સંકળાયેલા છે, જેની નેતા શેખ હસીના (Bangladesh Violence) છે. આંદોલનકારી યુવાનોમાં ગુસ્સો હતો કે મુર્તઝા તેમને સમર્થન કેમ નથી આપતા. હવે જ્યારે પીએમ પોતે દેશ છોડીને ભાગી ગયા છે ત્યારે આ લોકોએ તેમના ઘરને નિશાન બનાવીને આગ લગાવી દીધી હતી. બાંગ્લાદેશી અખબાર `ધ ડેઇલી સ્ટાર` સાથે સંકળાયેલા તમજીદુલ હકે X પર પોસ્ટ કરીને લિટન દાસ સાથે જોડાયેલા સમાચારને ખોટા ગણાવ્યા છે. લિટન દાસના ઘરને સળગાવવાનો દાવો કરતી એક પોસ્ટ શેર કરતી વખતે તેણે લખ્યું, `જૂઠાણાને થોડીવારમાં 6 હજાર લાઈક્સ મળી છે. આપણે ઘણું દૂર જવું પડશે કારણ કે લોકો સ્થાનિક સ્તરથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ડર પેદા કરશે. તેના આધારે લોકોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ સિવાય ઘણી જગ્યાએ લઘુમતીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશમાં બળવા પછી, મુખ્યત્વે હિન્દુઓ કટ્ટરવાદીઓના નિશાના પર છે. બાંગ્લાદેશના ખુલના ડિવિઝનના મેહેરપુરમાં સ્થિત ઇસ્કોન મંદિરને કટ્ટરપંથીઓએ નિશાન બનાવ્યું હતું અને મૂર્તિઓ પણ તોડી નાખવામાં આવી હતી. આ સિવાય મંદિરને આગ ચાંપવામાં આવી હતી.