23 October, 2023 10:30 PM IST | Bangladesh | Gujarati Mid-day Online Correspondent
ટ્રેન અકસ્માતની પ્રતીકાત્મક તસવીર
રાયટર્સ પ્રમાણે, સ્થાનિક પોલીસ અધિકારી સિરાજુલ ઈસ્લામે મરણાંકની સંખ્યામાં વધારાની શંકા દર્શાવી છે. તેમણે કહ્યું કે કેટલાક લોકોને આ ભયાનક ટ્રેન અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ છે.
બાંગ્લાદેશના કિશોરગંજમાં એક પ્રવાસી ટ્રેન અને માલગાડી વચ્ચે સોમવારે ખૂબ જ જોરથી અથડામણ થઈ. આ અકસ્માતમાં 20 પ્રવાસીઓના મોત થયા અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમ કહેવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટના રાજધાની ઢાંકાથી લગભગ 80 કિલોમીટર દૂર ભૈરબ વિસ્તારમાં થઈ. સ્થાનિક મીડિયાએ ઘટનાસ્થળે હાજર લોકોના હવાલે જણાવ્યું કે આ અકસ્માત ખૂબ જ ભયાનક હતો, ટ્રેનોના અથડાવાનો જોરદાર અવાજ સંભળાયો હતો. હજી પણ કેટલાક લોકો ટ્રેનની નીચે દબાયેલા છે. આ લોકો ક્ષતિગ્રસ્ત ડબ્બાની નીચે દબાઈ ગયા. જો કે, ફાયર સેવા કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.
સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે, સ્થાનિક પોલીસ અધિકારી સિરાજુલ ઇસ્લામે મરણાંકની સંખ્યામાં વધારાનું અનુમાન લગાડ્યું છે. તેમણે કહ્યું કે કેટલાક લોકોને અકસ્માતમાં ગંભીર ઈજા થઈ છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલે છે. ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળે હાજર લોકો પણ તે ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે જે ક્ષતિગ્રસ્ત ડબ્બા નીચે દબાયેલા છે. ટ્રેન એક્સિડેન્ટની જે તસવીરો સામે આવી છે તેને જોઈને અકસ્માતની ગંભીરતાનો અંદાજ લગાડી શકાય છે. ટ્રેનની એક બોગી સંપૂર્ણ રીતે ઊંધી વળી ગયેલી જોવા મળી રહી છે.
માલગાડીએ એગારો સિંધુર ટ્રેનને પાછળથી મારી ઠોકર
અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માત સ્થાનિક સમયાનુસાર સાંજે લગભગ 4.15 વાગ્યે થયો. ઢાકા રેલવે પોલીસ અધીક્ષક અનવર હુસેને કહ્યું, "શરૂઆતના રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે માલગાડીએ એગારો સિંધુર ટ્રેનને પાછળથી ઠોકર મારી દીધી." ભૈરબના એક સરકારી ઑફિસર સાદિકુર રહમાને એએફપીને જણાવ્યું કે અમને 20 મૃતદેહો જપ્ત કર્યા છે અને અનેક ઈજાગ્રસ્ત છે. મરણાંકની સંખ્યામાં વધારાની ના પાડી શકાતી નથી. જણાવવાનું કે બાંગ્લાદેશમાં ટ્રેન દુર્ઘટનાઓના સમાચાર ઘણીવાર સામે આવતા રહે છે. ખરાબ સિગ્નલિંગ, બેદરકારી, જૂના પાટા કે અન્ય કારણે અહીં મોટાભાગે દુર્ઘટનાઓ થતી રહે છે. આને લઈને મીડિયા રિપૉર્ટ્સમાં ઘણીવાર ચેતવણીઓ પણ આપવામાં આવી ચૂકી છે.