21 July, 2024 02:41 PM IST | Dhaka | Gujarati Mid-day Online Correspondent
તસવીર: એપી
લોકોના ભારે વિરોધ વચ્ચે બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે (Bangladesh Supreme Court) 30 ટકા અનામતના હાઈકોર્ટના નિર્ણયને રદ કરી દીધો છે. જોકે, અત્યારે 5 ટકા અનામત રહેશે. સુપ્રીમ કોર્ટે 30 ટકા અનામતના હાઈકોર્ટના નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો છે, પરંતુ નોંધનીય બાબત એ છે કે આ આરક્ષણ હજુ સમાપ્ત થયું નથી. હાઈકોર્ટના આ નિર્ણય બાદ બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે, જેમાં 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતને લઈને હિંસા ફાટી નીકળ્યા બાદ પડોશી દેશમાંથી કુલ 778 ભારતીય વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા છે.
બાંગ્લાદેશ કેમ સળગી રહ્યું છે?
સમાચાર એજન્સી એપીના અહેવાલ અનુસાર, બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે (Bangladesh Supreme Court) દેશમાં ફેલાતી હિંસા વચ્ચે સરકારી નોકરીઓમાં અનામતમાં ઘટાડો કર્યો છે. આ હિંસામાં ઘણા લોકોના મોત થયા છે. ઢાકા અને અન્ય શહેરોની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ 1971માં બાંગ્લાદેશની મુક્તિની લડાઈ માટે લડેલા યુદ્ધ નાયકોના સંબંધીઓને જાહેર ક્ષેત્રની નોકરીઓમાં 30 ટકા સુધી અનામત આપવાની વ્યવસ્થા સામે દિવસોથી વિરોધ કરી રહ્યા છે.
બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ ઘરે પાછા ફર્યા
અનામત પ્રણાલીમાં સુધારાની માગ સાથે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન રાજધાની ઢાકા અને અન્યત્ર હિંસા ફાટી નીકળી છે. ખરાબ પરિસ્થિતિના કારણે બાંગ્લાદેશ (Bangladesh Supreme Court)થી મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા છે. તાજેતરમાં કૂચબિહારની મેખલીગંજ બોર્ડરથી 33 વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી ભારત આવ્યા છે. આ વિદ્યાર્થીઓ રંગપુર મેડિકલ કોલેજના છે. જેમાંથી છ ભારતીયો, 18 ભૂટાનના અને 9 નેપાળના છે. આ સિવાય સિલિગુડીની ફુલબારી બોર્ડરથી પણ છ વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા છે. બાંગ્લાદેશમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓએ અસ્થાયી ધોરણે દેશમાં પરત ફરવાનો નિર્ણય લીધો છે. તેણે કહ્યું છે કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી તે બાંગ્લાદેશ પાછા નહીં જાય.
ભારતે કહ્યું કે, આ આંતરિક મામલો
અનામત પ્રણાલીમાં સુધારાની માગ સાથે વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન રાજધાની ઢાકા અને અન્ય સ્થળોએ હિંસા ફાટી નીકળ્યા બાદ ભારતે આને બાંગ્લાદેશનો આંતરિક મામલો ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, "બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. અમે આને તે દેશનો આંતરિક મામલો માનીએ છીએ. અમે બાંગ્લાદેશમાં રહેતા ભારતીય નાગરિકો અને અમારા વિદ્યાર્થીઓને તેમની સુરક્ષા અને જરૂર પડ્યે સહાયતા માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. અમારો સંપર્ક કરવા માટેના નંબરો 24 કલાક સક્રિય છે.” જયસ્વાલે કહ્યું કે વિદેશ મંત્રી એસ. જયશંકર પોતે આ બાબત પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ બંધ
બાંગ્લાદેશમાં પોલીસ અને સુરક્ષા અધિકારીઓ દેખાવકારો પર ગોળીઓ અને ટીયર ગેસના શેલ છોડી રહ્યા છે. રાજધાની ઢાકામાં છેલ્લા ઘણા દિવસોથી તમામ મેળાવડા પર પ્રતિબંધ છે. સરકારી નોકરીઓમાં અનામતને લઈને ઘણા દિવસો સુધી ચાલેલી ઘાતક ઘર્ષણ બાદ ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ બંધ કરવામાં આવી હતી. સ્થાનિક મીડિયા અનુસાર, દેશમાં `સંપૂર્ણ બંધ` લાદવાના વિરોધમાં વિદ્યાર્થીઓના પ્રયાસમાં ઘણા લોકોના મોત થયા છે.