14 August, 2024 02:15 PM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
બંગલાદેશના વડા મોહમ્મદ યુનુસ ઢાકેશ્વરી મંદિર પહોંચ્યા
બંગલાદેશમાં સત્તાપરિવર્તન બાદ વચગાળાની સરકારના વડા ડૉ. મોહમ્મદ યુનુસ ગઈ કાલે ઢાકામાં આવેલા ઢાકેશ્વરી દેવી મંદિર પહોંચ્યા હતા અને દર્શન કર્યાં હતાં. તેમની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે બંગલાદેશમાં લઘુમતી હિન્દુ કોમ પર હુમલા થઈ રહ્યા છે. આ પ્રસંગે માઇનોરિટી રાઇટ્સ મૂવમેન્ટના પાંચ સભ્યોનું બનેલું પ્રતિનિધિમંડળ તેમને મળ્યું હતું અને આઠ માગણીઓ રજૂ કરી હતી.
ડૉ. યુનુસે મંદિરની મુલાકાત બાદ કહ્યું હતું કે ‘દેશને સંકટની પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે લોકોમાં વિભાજનના બદલે તેમણે એક થવાની જરૂર છે. પડકારજનક સમયે બધાએ ધીરજ રાખીને સાથે રહેવાની જરૂર છે. અમે એવો બંગલાદેશ બનાવવા માગીએ છીએ જે એક પરિવાર જેવો હોય અને પરિવારની વચ્ચે ભેદભાવ અને ઝઘડા ન થતા હોય. આપણે બધા બંગલાદેશના નાગરિકો છીએ અને એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે લોકો અહીં શાંતિથી રહી શકે. કાયદો બધા માટે સરખો છે, સમાજમાં ભેદભાવની જરૂર નથી.’