15 January, 2023 09:31 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
સેલ્મા સિટીમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં અને મકાનો નાશ પામ્યાં હતાં
વૉશિંગ્ટન : અમેરિકાના અલબામા, જ્યોર્જિયા અને કેન્ટકી રાજ્યોમાં બૅક ટુ બૅક વિનાશક ચક્રવાતને લીધે અત્યાર સુધીમાં ૯ જણનાં મોત થયાં છે અને ખૂબ જ નુકસાન થયું છે. ઑથોરિટીઝ અનુસાર મરનારાઓની સંખ્યા હજી ઘણી વધારે હોઈ શકે છે. અલબામામાં સાત જણનાં મોત થયાં હતાં, જ્યારે જ્યોર્જિયામાં બે જણનાં મૃત્યુ થયાં હતાં.
અલબામાની કાઉન્ટી ઔટોગા કાઉન્ટીમાં બચાવ કાર્યકર્તાઓ કેટલીક જગ્યાએ ઘરે-ઘરે જઈને આ ચક્રવાતમાં મૃત્યુ કે ઈજા પામેલા લોકો વિશે માહિતી એકત્ર કરી રહ્યા હતા.
જ્યોર્જિયાના ગવર્નર બ્રિઅન કૅમ્પે શુક્રવારે રાત્રે જણાવ્યું હતું કે ‘જ્યોર્જિયા માટે વિનાશક રાત રહી હતી. કમનસીબે અમારા સમગ્ર રાજ્યમાં ચક્રવાતની અસર રહી હતી. આ કરુણ રાત હતી.’
ઍટલાન્ટા સિટીના દક્ષિણમાં ગ્રિફિનમાં ભારે પવનોએ શૉપિંગ ઍરિયાને નુકસાન પહોંચાડ્યું હતું. કેન્ટકીમાં આ ચક્રવાતના કારણે થયેલા વિનાશના અનેક ફોટોગ્રાફ્સ અને વિડિયો સોશ્યલ મીડિયા પર છવાયા છે.
અલબામા અને જ્યોર્જિયામાં અનેક જગ્યાએ પાવર લાઇન્સ તૂટી ગઈ હતી અને અનેક મકાનો તૂટી ગયાં હતાં. ઔટોગા કાઉન્ટીના અધિકારી બસ્ટર બાર્બરે જણાવ્યું હતું કે બચાવ કાર્યકર્તાઓએ એક આશ્રય સ્થળે ફસાયેલા પાંચ જણને બહાર કાઢ્યા હતા. ઔટોગાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ડિરેક્ટર એર્ની બેગેટે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા ૧૨ જણને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે. ૪૦થી વધુ મકાનોને નુકસાન થયું છે. રાષ્ટ્રીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ ચક્રવાતના કારણે અલબામા અને જ્યોર્જિયાની ૧૪-૧૪ કાઉન્ટીને અસર થઈ છે.
33,400
અલબામા અને જ્યૉર્જિયામાં આટલાં ઘરો અને ઑફિસોમાં શુક્રવારે વીજળી ડૂલ થઈ ગઈ હતી.
30
ઓછામાં ઓછા આટલા વિનાશક ચક્રવાત આવ્યા હોવાનું નોંધાયું.
165
કેટલાક ચક્રવાતની સ્પીડ આટલા માઇલ પ્રતિ કલાક હતી.
કૅલિફૉર્નિયામાં તોફાનના કારણે ૧૯ જણનાં મોત
અમેરિકાના કેલિફૉર્નિયામાં પણ તોફાને ભારે વિનાશ વેર્યો છે. પૂરના કારણે અહીં અનેક મકાન નષ્ટ પામ્યાં છે. અત્યાર સુધીમાં આ કુદરતી હોનારતમાં ૧૯ જણનાં મોત નીપજ્યાં છે.