16 February, 2023 11:23 AM IST | Toronto | Gujarati Mid-day Correspondent
કૅનેડાના મિસસાગામાં રામમંદિરની દીવાલ પર ભારત અને પીએમ નરેન્દ્ર મોદીની વિરુદ્ધ લખાણ લખવામાં આવ્યું હતું.
ટૉરોન્ટો : કૅનેડાના મિસસાગામાં મંગળવારે વધુ એક હિન્દુ મંદિરને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. ટૉરોન્ટોમાં કૉન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયાએ કૅનેડાના રામમંદિરમાં બનેલી આ ઘટનાની ટીકા કરી હતી અને ઑથોરિટીઝને એ મામલે તપાસ કરવાની વિનંતી કરી હતી.
ટૉરોન્ટોમાં કૉન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયાએ ટ્વીટ કર્યું હતું કે ‘મિસસાગામાં રામમંદિરની દીવાલો પર ભારતવિરોધી લખાણની ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ.’ આ મંદિરની દીવાલ પર ભારત અને પીએમ નરેન્દ્ર મોદીની વિરુદ્ધ લખાણ લખવામાં આવ્યું હતું.
કૅનેડામાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરવાની ઘટનાઓ બની રહી છે. જાન્યુઆરીમાં બ્રામ્પ્ટન, કૅનેડામાં એક હિન્દુ મંદિરને નુકસાન પહોંચાડવામાં આવતાં અહીં રહેતા મૂળ ભારતીયોમાં નારાજગી છવાઈ ગઈ હતી. એ સમયે પણ ટૉરોન્ટોમાં ઇન્ડિયન કૉન્સ્યુલેટ જનરલે ગૌરી શંકર મંદિરને નુકસાન પહોંચાડવાની ઘટનાને વખોડી હતી.