24 February, 2023 10:33 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
વૉશિંગ્ટન (પી.ટી.આઇ.) : યુએસ સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી)એ જાહેર ક્ષેત્રની કંપનીઓ વિશે ૧૦૦થી વધુ ખોટી અફવાઓ ફેલાવીને ટ્રેડિંગમાં ગેરકાયદે ૧૦ લાખ ડૉલર (અંદાજે ૮.૨૭ કરોડ રૂપિયા) કમાવાનો આરોપ ભારતીય મૂળના અમેરિકન પર મૂક્યો છે. એસઈસીએ જણાવ્યું હતું કે જ્યૉર્જિયાના કમિગના રહેવાસી મૂળ ગુજરાતી મિલન વિનોદ પટેલ સહિત કુલ પાંચ વ્યક્તિઓ આ કૌભાંડમાં સામેલ છે.
જોકે મિલન પટેલ મુખ્ય સૂત્રધાર હતા. પટેલને કૉર્પોરેટ મર્જર, કંપનીનું હસ્તાંતરણ જેવી મહત્ત્વની વાતો વિશે માહિતીઓ મળતી, જેનાથી ખરાઈની જાણ વગર તે આવી માહિતીને ફાઇનૅન્શિયલ ન્યુઝ સર્વિસ, ચૅટ-રૂમ અને મેસેજ બોર્ડમાં મોકલતા હતા.
ડિસેમ્બર ૨૦૧૭થી જાન્યુઆરી ૨૦૨૦ સુધી આવી ૧૦૦ જેટલી અફવાઓ તેમણે ફેલાવી હતી, જેના કારણે શૅરબજારમાં થોડા સમય માટે એ શૅરના ભાવ વધ્યા હતા. પરિણામે મિલન પટેલને તેના શૅરોને વધુ નફા સાથે વેચવા મળ્યા હતા, જેને કારણે તેમને ૧૦ લાખ ડૉલર (અંદાજે ૮.૨૭ કરોડ રૂપિયા)ની આવક કરી હતી. મિલન પટેલ સામેની કાર્યવાહી અન્ય લોકો માટે ચેતવણી સમાન છે.