27 April, 2024 06:10 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
રોડ અકસ્માતની પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાંથી એક ચોંકાવનાર સમાચાર (America Road Accident) સામે આવી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ગુજરાતની ત્રણ મહિલાઓએ યુનાઇટેડ સ્ટેટ્સમાં એક અકસ્માતમાં કરુણ રીતે જીવ ગુમાવ્યો છે. ઝડપી વાહનને કારણે નિયંત્રણ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. વાહન ડિવાઇડર સાથે અથડાયું હતું અને પુલની સામેની બાજુએ આવેલા વૃક્ષો સાથે અથડાતા પહેલા હવામાં 20 ફૂટ ઊંચે ફંગોળાયું હતું. આ ઘટના દક્ષિણ કેરોલિનાના ગ્રીનવિલે કાઉન્ટીમાં ઇન્ટરસ્ટેટ 85 પર બની હતી.
કોણ છે આ ત્રણેય મહિલાઓ?
તમને જણાવી દઈએ કે આ મૃતકની ઓળખ રેખાબેન દિલીપભાઈ પટેલ, સંગીતાબેન ભાવેશભાઈ પટેલ અને મનીષાબેન રાજેન્દ્રભાઈ પટેલ તરીકે થઈ શકી છે. જેઓ ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વતની છે. તેઓના વાહનનો કચ્ચરઘાણ નીકળેલો જોવા મળ્યો હતો. તેમનું વાહન ઝાડ સાથે અથડાતાં આ અકસ્માત વધુ કરુણ બન્યો હતો.
આટલો ભયંકર હતો અકસ્માત
તમને જણાવી દઈએ કે SUV એકથી વધુ જગ્યાએ અથડાઇ હતી. ત્યારબાદ જે તે કારના અસંખ્ય ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માત (America Road Accident)માં ત્રણેય મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય એકની હાલત ગંભીર હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર આ મહિલાઓ કારમાં બેસીને એટલાન્ટાથી ગ્રીનવિલે સાઉથ કેરોલિના જઈ રહી હતી. આ દરમિયાન જ તેઓને આ કાર અકસ્માત (America Road Accident) નડ્યો હતો. પ્રાથમિક તપાસમાં તો એવું જ જાણવા મળ્યું છે કે કાર ઓવરસ્પીડમાં આવી રહી હોવાથી આ અકસ્માત સર્જાયો હતો. અત્યારે સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે. પરંતુ આ તરમે મહિલાઓનાં મોતથી તેમના વતનમાં પણ શોકની લાગણી ફેરાઈ છે.
ગ્રીનવિલે કાઉન્ટી કોરોનરની ઑફિસના જણાવ્યા અનુસાર, હાઇવે પર ઉત્તર તરફ જતી SUV કાર તમામ લેનમાંથી પસાર થઈ અને એક પાળા પર ચઢી ગઈ હતી. ત્યારબાદ આ કાર પુલની વિરુદ્ધ બાજુના ઝાડ સાથે અથડાઈ હતી પણ તે પહેલાં ઓછામાં ઓછા 20 ફૂટ ઉપર સુધી હવામાં ફંગોળાઈ ગઈ હતી.
આ ત્રણેય મહિલાઓ વચ્ચે શું સંબંધ
પ્રાપ્ત માહિતી અનુસાર જે ત્રણ મહિલાઓના આ અકસ્માત (America Road Accident)માં મોત થયા છે તે મહીલાઓ વચ્ચે દેરાણી-જેઠાણીનો સબંધ હોવાની માહિતી પણ સામે આવી છે. એવું કહેવાય છે કે આ ત્રણેય મહિલાઓની ઉંમર 60થી 65 વર્ષની હોવાનું સામે આવ્યું છે. એવા પણ અહેવાલો છે કે અમેરિકામાં આ ત્રણેય ગુજરાતી મહિલાઓ પોતાના પરિવાર સાથે જુદા જુદા ઘરમાં રહેતા હતા. તેઓ આમ તો ભારત આવતા નહોતા પણ જ્યારે કોઈ લગ્નપ્રસંગ હોય ત્યારે જ આવતા હતા. તેઓ 30-35 વર્ષ પહેલા જ પરિવાર સાથે અમેરિકા આવીને રહેતા હોવાનું કહેવાય છે.