અમેરિકાએ ભારતને પાછી આપી ૨૯૭ ઍન્ટિક કલાકૃતિઓ

23 September, 2024 07:41 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન વચ્ચે દ્વીપક્ષીય સ્તરે ચર્ચા થઈ હતી

અમેરિકાએ ભારતને જે ઍન્ટિક કલાકૃતિઓ આપી છે એમાંની એક કલાકૃતિને નિહાળી રહેલા જો બાઇડન અને નરેન્દ્ર મોદી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત વખતે અમેરિકાએ ગઈ કાલે ભારતને ૨૯૭ બહુમૂલ્ય કલાકૃતિઓ પાછી આપી હતી. આ ઍન્ટિક ચીજવસ્તુઓ દાણચોરીથી ભારતથી વિદેશોમાં જતી રહી હતી. ૨૦૧૪થી અત્યાર સુધીમાં ભારતે પાછી મેળવેલી કલાકૃતિઓની સંખ્યા ૬૪૦ થઈ છે, એમાં અમેરિકાથી ભારત પાછી ફરેલી ઍન્ટિકની સંખ્યા ૫૭૮ છે. ૨૦૨૧માં અમેરિકાએ વડા પ્રધાન મોદીની મુલાકાત વખતે ૧૫૭ પુરાતત્ત્વ અવશેષ સોંપ્યા હતા. ૨૦૨૩માં અમેરિકાએ ૧૦૫ ઍન્ટિક કલાકૃતિઓ પાછી આપી હતી. અમેરિકા સિવાય બ્રિટને ૧૬ અને ઑસ્ટ્રેલિયાએ પણ ૪૦ કલાકૃતિઓ પાછી આપી છે.

ફરી જો બાઇડનની યાદદાસ્તનો છબરડો વળ્યો : વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પરિચય આપવાનું ભૂલ્યા

અમેરિકાના ઇતિહાસમાં સૌથી વૃદ્ધ એવા ૮૧ વર્ષના પ્રેસિડન્ટ જો બાઇડન વારંવાર ભૂલી જતા હોય છે અને એવો એક કિસ્સો ગઈ કાલે જોવા મળ્યો હતો. ક્વૉડ સંમેલનમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લેવાનું જ ભૂલી ગયા હતા અને સ્ટેજ પરથી પૂછ્યું હતું કે હવે નેક્સ્ટ કોણ આવવાનું છે. આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. તેઓ કૅન્સર મૂનશૉટ કાર્યક્રમમાં ઉપસ્થિત બધા જ નેતાઓનો પરિચય કરાવતા હતા અને વડા પ્રધાન મોદીનો વારો આવ્યો ત્યારે તેમણે પૂછ્યું હતું કે હું હવે કોનો પરિચય કરાવી રહ્યો છું? તેમના સ્ટાફે નામ નહીં આપતાં તેમણે પૂછ્યું હતું કે નેક્સ્ટ કોણ આવશે? વડા પ્રધાન મોદી તેમના સંબોધન માટે આગળ આવ્યા એટલે કાર્યક્રમના સંચાલકે વડા પ્રધાન મોદીના નામની જાહેરાત કરી હતી.

મોદી-બાઇડનની બેઠક : સિક્યૉરિટી કાઉન્સિલથી લઈને સ્પેસ ટેક્નૉલૉજી સુધીના વિષયો પર ચર્ચા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન વચ્ચે દ્વીપક્ષીય સ્તરે ચર્ચા થઈ હતી અને આ બેઠકમાં ભારતને યુનાઇટેડ નેશન્સની સિક્યૉરિટી કાઉન્સિલની સમિતિમાં કાયમી મેમ્બરશિપથી માંડીને રશિયા-યુક્રેન યુદ્ધ, ટેક્નૉલૉજી વગેરેના મુદ્દા આવરી લેવાયા હતા. બાઇડને પણ ભાર મૂક્યો હતો કે ભારતને એમાં કાયમી સદસ્યતા મળવી જોઈએ. જો બાઇડનના નૉર્થ કૅરોલિના રાજ્યના વિ​લ્મિંગ્ટનના ડેલાવેરમાં આવેલા નિવાસસ્થાને તેમણે વડા પ્રધાન મોદીને આમંત્ર્યા હતા અને ઊષ્માપૂર્વક તેમણે મોદીનું સ્વાગત કર્યું હતું. તેમણે ભારત અને અમેરિકાના સંબંધોને વધુ સુદૃઢ બનાવવાની ચર્ચા કરી હતી. વિશ્વ સ્તરે ભારતની ભૂમિકાની પણ તેમણે પ્રશંસા કરી હતી. સ્પેસ, સેમિકન્ડક્ટર અને ઍડ્વાન્સ્ડ ટેલિકમ્યુનિકેશન્સના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સંબંધો પણ વધારે મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભારત અમેરિકા પાસેથી ૩૧ ગાર્જિયન ડ્રોન ખરીદવાનું છે. આ ડ્રોનની કિંમત આશરે ત્રણ અબજ ડૉલર છે. ક્લીન એનર્જીના મુદ્દે બાઇડને ભારતના પ્રયાસોની તારીફ કરી હતી. ક્લીન એનર્જીના મુદ્દે વિવિધ પ્રોજેક્ટોને એક અબજ ડૉલરનું ભંડોળ ફાળવવા તેઓ સંમત થયા હતા.

વડા પ્રધાન મોદીએ જો બાઇડનને ચાંદીનું ટ્રેન-મૉડલ અને ફર્સ્ટ લેડીને પશ્મિના શાલ ગિફ્ટ આપ્યાં

ક્વૉડ દેશોના વડાઓના શિખર-સંમેલન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને ૯૨.૫ ટકા ચાંદીમાંથી બનાવવામાં આવેલું ટ્રેનનું મૉડલ ગિફ્ટ કર્યું હતું જેના એન્જિન પર દિલ્હીથી ડેલાવેર લખેલું છે. મહારાષ્ટ્રના સિદ્ધહસ્ત કારીગરો દ્વારા આ ઍન્ટિક ટ્રેન-મૉડલ હાથથી બનાવવામાં આવ્યું છે. તેમણે ફર્સ્ટ લેડી જીલ બાઇડનને જમ્મુ અને કાશ્મીરમાં તૈયાર કરવામાં આવેલી ખાસ પશ્મિના શાલ ગિફ્ટ આપી હતી.

નવેમ્બર પછી પણ રહેશે ક્વૉડ : જો બાઇડન

અમેરિકાના પ્રેસિડન્ટની ચૂંટણી નવેમ્બરમાં થવાની છે એ પછી પણ ક્વૉડ સંગઠન રહેશે એવા સવાલના જવાબમાં જો બાઇડને કહ્યું હતું કે એ નવેમ્બર પછી પણ કાર્યરત રહેશે. ૨૦૨૫માં ક્વૉડ દેશોની બેઠક ભારતમાં યોજાવાની છે. આ વર્ષે આ બેઠક ભારતમાં રાખવાની હતી, પણ તમામ નેતાઓનાં શેડ્યુલ ફિટ ન બેસતાં હોવાથી એને અમેરિકા શિફ્ટ કરાઈ હતી.

international news world news narendra modi united states of america washington joe biden great britain