22 September, 2024 02:17 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
ગોળીબારની પ્રતીકાત્મક તસવીર
અત્યારે નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે જેણે ચિંતા વધારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના અલાબામાના બર્મિંગહામમાં અંધાધૂંધ ગોળીબાર (America Mass Shooting) થયો છે.
આ ફાયરિંગની ઘટનામાં ચાર લોકોના જીવ ગયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. શનિવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં અંધાધૂંધ ગોળીઓ છોડવામાં આવી હતી.
બર્મિંગહામ પોલીસે પોસ્ટ કરીને આપી માહિતી, ચાર લોકોના મોત
બર્મિંગહામ પોલીસ વિભાગે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી. જેમાં જણાવાયું હતું કે ફાઈવ પોઈન્ટ્સ સાઉથ વિસ્તારમાં મેગ્નોલિયા એવન્યુ નજીક 20મી સ્ટ્રીટ પર અનેક લોકો પર અંધાધૂંધ ફાયરિંગ (America Mass Shooting) કરવામાં આવી છે. આ મુદ્દે અધિકારીઓના જણાવ્યા અનુસાર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ ઘટનાસ્થળ પાસેથી બે પુરૂષો અને એક મહિલાની લાશ મળી આવી હતી. જ્યારે ચોથા ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.
ઘણા બધા શૂટર્સ હાજર હતા?
પ્રાપ્ત અહેવાલો અનુસાર જ્યારે ગોળીઓ છોડવામાં આવી ત્યારે ક્લબના સમર્થકો મેગ્નોલિયા એવન્યુ પર હુક્કા અને સિગાર લાઉન્જની બહાર લાઇનમાં ઊભા હતા. અંધાધૂંધ ફાયરિંગ વખતે વાતાવરણ એટલું બિહામણું બની ગયું હતું કે જાણે ઓટોમેટિક ગનથી એકધારી ફાયરિંગ ચાલી રહી હોય. એવા પણ અહેવાલ છે કે ઘટનાસ્થળે ઘણા બધા શૂટર્સ હાજર હતા, અત્યારસુધી કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી.
તમને જણાવી દઈએ કે બર્મિંગહામના ફાઈવ પોઈન્ટ્સ સાઉથ વિસ્તારમાં ઘણા બધા મનોરંજન રેસ્ટોરાં અને બાર આવેલાં છે. આ સાથે જ અહીં ઘણી વાર શનિવારની રાત્રે ભીડ રહેતી હોય છે. આ શનિવારે પણ ભારે ભીડ હતી ત્યારે અજાણ્યા શખ્સોએ ગોળીબાર (America Mass Shooting) કર્યો હતો.
અનેક લોકો ઘાયલ થયા, હજી કોઈની ધરપકડ નહીં
પ્રાપ્ત અહેવાલો અનુસાર આ અંધાધૂંધ ગોળીબાર (America Mass Shooting)માં અનેક લોકો ઘાયલ થયા છે. આ સાથે જ પોલીસે જણાવ્યું હતું કે અત્યારે આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે, જોકે પોલીસે હજુ સુધી કોઈપણ શંકાસ્પદને હથકડી પહેરાવી નથી. અહેવાલ એવા સામે આવ્યા છે કે હુમલાખોરોએ મેગ્નોલિયા એવન્યુ પર લોકોના ટોળાં પર અંધાધૂંધ ગોળીઓ છોડી હતી. અત્યારે પોલીસ આ મામલે જવાબદાર લોકોને શોધી રહી છે. તેઓને ઓળખવા અને ધરપકડ કરવા માટે પોલીસ પૂરતા પ્રયાસ કરી રહી છે.
તાજેતરમાં જ જ્યોર્જિયાના વિન્ડરમાં અપાલાચી હાઈસ્કૂલમાં સામૂહિકરીતે ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમા ચાર લોકો માર્યા ગયા હતા અને અન્ય નવ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અત્યારે શંકાસ્પદ બંદૂકધારી કસ્ટડીમાં છે અને તેની ઓળખ એટલાન્ટાની બહાર લગભગ એક કલાકના અંતરે આવેલી શાળાના 14 વર્ષીય વિદ્યાર્થી તરીકે થઈ હતી.