કૅનેડાને એના સાથી દેશો તરફથી ભારતની વિરુદ્ધ પૂરતો સપોર્ટ મળ્યો નથી

21 September, 2023 01:18 PM IST  |  Ottawa | Gujarati Mid-day Correspondent

ખાલિસ્તાની લીડર નિજ્જરની હત્યામાં ઇન્ડિયન અધિકારીઓની સંડોવણીના આરોપ મામલે ભારત સરકારની ટીકા કરવા કૅનેડાએ એના સાથી દેશોને જણાવ્યું હતું જોકે એના સાથી દેશોએ ટીકા કરી નથી, અલબત્ત, અમેરિકા અને ઑસ્ટ્રેલિયાએ રીએક્શન્સ જરૂર આપ્યાં છે

ફાઇલ તસવીર

ભારત અને કૅનેડા વચ્ચે અત્યારે તનાવ ચરમસીમાએ છે. કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સિખ ખાલિસ્તાની લીડર હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય અધિકારીઓ સામેલ હોવાનો વિસ્ફોટક આરોપ મૂક્યો હતો.

કૅનેડાએ ન ફક્ત આ આરોપ મૂક્યો, પરંતુ એક સિનિયર ઇન્ડિયન ડિપ્લૉમેટની હકાલપટ્ટી પણ કરી હતી, જેના પછી ભારતે પણ એનો જવાબ આપતાં એક સિનિયર કૅનેડિયન ડિપ્લૉમેટની હકાલપટ્ટી કરી હતી.

નિજ્જરની હત્યામાં ભારતીય અધિકારીઓની સંડોવણીનો આરોપ મૂકવાના અઠવાડિયા પહેલાં કૅનેડિયન અધિકારીઓએ અમેરિકા સહિતના તેમના સાથી દેશોને આ હત્યાને જાહેરમાં વખોડવા માટે જણાવ્યું હતું. જોકે ‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’ અનુસાર આ સાથી દેશોએ એના માટે શરૂઆતમાં અનિચ્છા દાખવી હતી. આખરે અમેરિકાએ આ મામલે રિએક્શન આપ્યું છે. ઑસ્ટ્રેલિયાએ પણ એના વિશે વાત કરી છે. આમ કૅનેડાને આ મામલે ભારતની વિરુદ્ધ એના સાથી દેશો તરફથી પૂરતો સપોર્ટ મળ્યો નથી.

આ સિચુએશન બાઇડન ઍડ્મિનિસ્ટ્રેશન અને એના સાથી દેશો દ્વારા ઇન્ડિયાની સાથે ડીલ કરવામાં સામનો કરવો પડતા ડિપ્લૉમેટિક પડકારો સૂચવે છે.

કૅનેડિયન નાગરિક નિજ્જરની ૧૮ જૂને હત્યા કરવામાં આવી હતી. નવી દિલ્હીમાં G20 સમિટના અઠવાડિયા પહેલાં પાંચ દેશો-ઑસ્ટ્રેલિયા, કૅનેડા, ન્યુ ઝીલૅન્ડ, યુએસ અને યુકેના સિનિયર અધિકારીઓની આ હત્યા વિશે બંધબારણે ચર્ચા થઈ હતી.

જોકે આ સમિટ પહેલાં એ મામલે જાહેરમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે મહત્ત્વનો કાર્યક્રમ હતો.

પીએમ ટ્રુડોએ સોમવારે કહ્યું હતું કે ‘કૅનેડિયન સિક્યૉરિટી એજન્સીઓ કૅનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને ભારત સરકારના એજન્ટ્સ વચ્ચેની સંભવિત કડીના વિશ્વસનીય આરોપો મામલે સક્રિયતાથી તપાસ કરી રહી છે.’

ટ્રુડોએ ખાલિસ્તાની લીડરની હત્યામાં ભારતની સંડોવણીના મૂકેલા આરોપને અત્યંત ગંભીર ગણાવીને અમેરિકાના ટોચના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકા આ મામલે તપાસ કરવાના કૅનેડાના પ્રયાસોને સપોર્ટ આપે છે અને ભારતને એમાં સહકાર આપવા પ્રોત્સાહિત કરે છે.

યુએસ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલના કોઑર્ડિનેટર ફૉર સ્ટ્રૅટિજિક કમ્યુનિકેશન્સ જૉન કિર્બીએ કહ્યું હતું કે ‘અમે ડિપ્લોમૅટિક ચર્ચાઓને સીક્રેટ રાખવા ઇચ્છીએ છીએ. પ્રેસિડન્ટ આ ગંભીર આરોપો વિશે જાણે છે અને આ આરોપો ખૂબ ગંભીર છે. આ મામલે તપાસ કરવાના કૅનેડાના પ્રયાસોને અમે સપોર્ટ આપીએ છીએ. અમે યોગ્ય રીતે સંપૂર્ણપણે ટ્રાન્સપરન્ટ તપાસમાં માનીએ છીએ. જેથી ખરેખર શું બન્યું હતું એ આપણે બધા જાણી શકીએ. અમે એ તપાસમાં સહકાર આપવા ભારતને પ્રોત્સાહિત કરીએ છીએ.’

ભારત કૅનેડા, ઑસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકા જેવા દેશો પર ખાલિસ્તાની મૂવમેન્ટ વિરુદ્ધ પગલાં લેવાં પ્રેશર કરી રહ્યું છે કે જ્યાં નોંધપાત્ર સિખ વસ્તી છે.  

સુરક્ષા સંબંધિત સંવેદનશીલ માહિતી વિશે જાહેરમાં ચર્ચા નહીં

ભારત અને કૅનેડાની વચ્ચે તણાવ વધી રહ્યો છે ત્યારે ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બનીઝે ગઈ કાલે જણાવ્યું હતું કે ફાઇવ આઇઝ ગ્રુપ (યુએસ, યુકે, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ અને કૅનેડા) ગ્રુપમાં આપવામાં આવેલી સુરક્ષાની સંવેદનશીલ માહિતી વિશે ઑસ્ટ્રેલિયા વાત કરતું નથી. આ પહેલાં ઑસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન પેન્ની વૉન્ગે કહ્યું હતું કે ખાલિસ્તાની લીડર નિજ્જરની હત્યામાં ભારતની કથિત ભૂમિકા વિશેના કૅનેડાના આરોપો ચિંતાજનક છે.

ભારતે કૅનેડાના આરોપનો જવાબ આપ્યો

જોકે ભારતે મંગળવારે કૅનેડાના આ આરોપોને ફગાવી દીધા હતા. એક સ્ટેટમેન્ટમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ‘અમે કૅનેડાની સંસદમાં કૅનેડિયન પીએમના સ્ટેટમેન્ટ તેમ જ તેમના વિદેશ મંત્રાલયના સ્ટેટમેન્ટને પણ જોયું છે અને એને ફગાવી દઈએ છીએ. કૅનેડામાં કોઈ પણ હિંસક કૃત્યમાં ભારત સરકારની સંડોવણીના આરોપો હાસ્યાસ્પદ અને બદઇરાદાથી પ્રેરિત છે.’ ૨૦૨૦માં સિક્યૉરિટી એજન્સીઓ દ્વારા નિજ્જરને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો અને તેના પર પંજાબમાં હુમલાઓને સપોર્ટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

canada india international news narendra modi justin trudeau