કોલ્ડપ્લે ઇતના હૉટ ક્યોં?

29 September, 2024 10:00 AM IST  |  Washington | Aashutosh Desai

આવતા વર્ષમાં ત્રણ દિવસની કૉન્સર્ટ માટે આવનારા બ્રિટિશ બૅન્ડની કૉન્સર્ટની ટિકિટો અડધા કલાકથી ઓછા સમયમાં ચપોચપ વેચાઈ ગઈ.

કોલ્ડપ્લે બેન્ડ

આવતા વર્ષમાં ત્રણ દિવસની કૉન્સર્ટ માટે આવનારા બ્રિટિશ બૅન્ડની કૉન્સર્ટની ટિકિટો અડધા કલાકથી ઓછા સમયમાં ચપોચપ વેચાઈ ગઈ. લાખો આમઆદમીઓ સાથે અનેક સેલિબ્રિટીઝ પણ આ કૉન્સર્ટની ટિકિટથી વંચિત રહી ગઈ. સોશ્યલ મીડિયા પર આ ઘટના આખું અઠવાડિયું ટ્રેન્ડિંગ રહી ત્યારે એ જાણવું જરૂરી બને છે કે આખા ભારતને હિલોળે ચડાવનારું કોલ્ડપ્લે બૅન્ડ કઈ બલાનું નામ છે

બાવીસમી સપ્ટેમ્બર ૨૦૨૪નો દિવસ. આ દિવસે બપોરે ૧૨ વાગ્યે કોલ્ડપ્લે નામનું એક બૅન્ડ ભારતમાં બે દિવસની કૉન્સર્ટ કરવાનું હતું અને એની ટિકિટનું બુકિંગ શરૂ થવાનું હતું. જનતા ૧૨ વાગવાની રાહ જોઈને પહેલેથી જ મોબાઇલ અને લૅપટૉપ પર તૈયાર બેઠી હતી. બુકિંગ માટેનો ધસારો એટલો જબરદસ્ત હતો કે ૧૨ વાગતામાં તો બુકિંગ પ્લૅટફૉર્મ જ ક્રૅશ થઈ ગયું! પણ બુક માય શો પર એનું બુકિંગ શરૂ થયાના અડધા જ કલાકમાં પાંચથી છ લાખ વેઇટિંગ દેખાવા લાગ્યું અને હજી કંઈ સમજાય એ પહેલાં તો બુક માય શોની વેબસાઇટ ક્રૅશ થઈ ગઈ. અગાઉ ટિકિટની કિંમત ૨૦૦૦થી ૩૫૦૦૦ રૂપિયાની નિર્ધારિત કરવામાં આવી હતી, પણ કાળાબજારમાં લોકો દોઢથી બે લાખ રૂપિયા આપીને ખરીદવા લાગ્યા. કરણ જોહર ‌સહિતની અનેક સેલિબ્રિટીઝે પણ કહ્યું કે અમે પણ આ કૉન્સર્ટની ટિકિટ માટે ટાંપીને બેઠા હતા, પણ અમનેય ટિકિટ ન મળી. જેને મળી તેઓ તો ન્યાલ થઈ ગયા પણ સાથે બ્લૅકમાં વેચનારાઓ પણ માલામાલ થઈ ગયા.

સોશ્યલ મીડિયા પર ‘મીમરો’ને મજા પડી ગઈ. શૅરબજારમાં રોકવા કરતાં પૈસા કોલ્ડપ્લેમાં રોક્યા હોત તો બખ્ખાં થઈ જાત એવાં અનેક મીમ વહેતાં થયાં. આખરે કોલ્ડપ્લેએ પણ ભારતીયોના આટલા જબરદસ્ત પ્રતિસાદને બહોળા ઉત્સાહથી વધાવી લીધો અને જાહેરાત કરી કે તેમનું બૅન્ડ બે દિવસને બદલે હવે ત્રણ દિવસ કૉન્સર્ટ કરશે. મતલબ કે ૨૦૨૫ની ૧૮-૧૯ જાન્યુઆરી ઉપરાંત વધુ એક શો ૨૧ જાન્યુઆરીએ ભારતમાં કરશે. નવી જાહેરાત સાથે ફરી નવું બુકિંગ ખૂલ્યું અને ફરી એ જ માહોલ. ફરીથી લાખો ચાહકો ટિકિટ વિનાના રહી ગયા.

એવું તે શું છે આ બૅન્ડમાં કે એની કૉન્સર્ટમાં જવા માટે લોકો આટલા તલપાપડ છે? એવું તે શું છે કે બ્રિટનના આ બૅન્ડ માટે ભારતીય ચાહકો આટલી હદ સુધી પાગલ થઈ રહ્યા છે? કોલ્ડપ્લે નામના બ્રિટિશ બૅન્ડ માટે ભારતમાં આટલાબધા ચાહકો છે, પણ હજીયે ઘણા એવા હશે જેને કોલ્ડપ્લે છે શું એની જ ખબર નહીં હોય. તો ચાલો જાણીએ આ બૅન્ડ છે શું.

કોણ અને કેવું છે કોલ્ડપ્લે

કોલ્ડપ્લે એક બ્રિટિશ રૉક પૉપ બૅન્ડ છે. ગિટારિસ્ટ, પ્યાનો-પ્લેયર અને સિંગર એવા ક્રિસ માર્ટિન, જૉની બકલૅન્ડ, ગિટારિસ્ટ છે ગાય બેરીમૅન જે બેઝ ગિટાર વગાડે છે અને ચોથો છે વિલ ચૅમ્પિયન જે ડ્રમર છે. મહદંશે જનતાને કોલ્ડપ્લેના આ ચાર મેમ્બર્સ વિશે જ ખબર છે, પરંતુ આ ચાર સિવાય કોલ્ડપ્લેનો હજી પાંચમો પણ એક મેમ્બર છે જેને આપણે જો બૅકબોન મેમ્બર કહીએ તો પણ ચાલે. નામ છે ફિલ હાર્વી. બૅકબોન એટલા માટે કહેવું પડે, કારણ કે તે આ ગ્રુપનો મૅનેજર છે. શો અરેન્જમેન્ટથી લઈને બધી કહેતાં બધી જ વ્યવસ્થા સંભાળી લેવાનું કામ ફિલ હાર્વી કરે છે. એથી જ તેના ગ્રુપના સભ્યો તેને ઇનવિઝિબલ મેમ્બર તરીકે ઓળખાવે છે.

કોલ્ડપ્લે બૅન્ડનો મૅનેજર ફિલ હાર્વી.

કયા કાર્યક્રમ માટે પડાપડી?

૨૦૨૫ના જાન્યુઆરીમાં આ બૅન્ડ ભારત આવશે. મતલબ કે હજી ત્રણ મહિનાની વાર છે. ૨૦૨૧ના ઑક્ટોબર મહિનામાં બ્રિટિશ રૉક બૅન્ડ કોલ્ડપ્લેએ જાહેરાત કરી હતી કે તેઓ તેમના નવમા મ્યુઝિક આલબમને પ્રમોટ કરવા માટે વર્લ્ડ ટૂર કરશે. તેમણે જે બે આલબમની વાત કરી હતી એ છે ‘મ્યુઝિક ઑફ ધ સ્પિયર્સ’ અને ‘મૂન મ્યુઝિક.’ હવે આ બૅન્ડે વિચાર્યું કે તેમની વર્લ્ડ ટૂરનું નામ પણ તેઓ આ આલબમના નામ પરથી જ રાખે તો કેવું? એથી નામ રાખવામાં આવ્યું ‘મ્યુઝિક ઑફ ધ સ્પિયર્સ – વર્લ્ડ ટૂર!’ નક્કી થયા અનુસાર ચાર મુખ્ય સભ્યોના આ બૅન્ડે ૨૦૨૨ની ૧૮ માર્ચથી તેમની એ પ્રમોશનલ સફરનો આરંભ કર્યો. પહેલાં મેલબર્ન, ત્યાંથી સિડની, ત્યાર બાદ અબુ ધાબી જેવાં વિશ્વનાં અનેક મોટાં શહેરોમાં પોતાની મ્યુઝિકલ કૉન્સર્ટ દ્વારા તેઓ પોતાના ગ્રુપના ચાહકોને મળી રહ્યા છે. હવે આ બૅન્ડ ૨૦૨૫ના જાન્યુઆરી મહિનામાં ભારત આવી રહ્યું છે અને ભારતમાંય વળી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ૧૮, ૧૯ અને ૨૧ જાન્યુઆરીએ કોલ્ડપ્લેની કૉન્સર્ટ છે.

એવું નથી કે આ વર્લ્ડ ટૂર સાથે એ લોકો પહેલી વાર ભારત આવી રહ્યા છે. કોલ્ડપ્લે નામનું આ મ્યુઝિકલ બૅન્ડ આ પહેલાં પણ ભારત આવી ચૂક્યું છે. વર્ષ હતું ૨૦૧૬, ગ્લોબલ ‌સિટિઝન ફેસ્ટિવલમાં પર્ફોર્મન્સ માટે કોલ્ડપ્લે ભારત આવ્યું હતું. એ વર્ષે જાન્યુઆરીમાં તેમનું એક ગીત પણ આવ્યું હતું જે ભારતમાં મશહૂર તો થયું હતું, પરંતુ સાથે જ કોલ્ડપ્લે માટે થોડી કન્ટ્રોવર્સી પણ લઈને આવ્યું હતું, ગીત હતું ‘હય્‍મ ફૉર ધ વીક-એન્ડ.’ તેમણે આ ગીત ભારતના પ્રાચીન શહેર વારાણસીમાં શૂટ કર્યું હતું. આ વિડિયો આલબમમાં સોનમ કપૂર અને બિયૉન્સે કલાકાર તરીકે કામ કર્યું હતું. હવે તકલીફ એ છે કે ભારતને આખા વિશ્વની લગભગ તમામ ફિલ્મો અને ડૉક્યુમેન્ટરીઝ આજસુધી એક ગરીબ અને દેહાતી દેશ તરીકે જ દેખાડતી રહી છે. કોલ્ડપ્લેએ વારાણસીમાં જે ગીત શૂટ કર્યું એમાં તેમણે પણ ભારતની એ જ સિકલ-ઓ-સૂરત દેખાડી. એને કારણે ભારતના અનેક લોકોએ એ ગીત અને એના ફિલ્માંકન વિશે વિરોધ પણ નોંધાવ્યો હતો. ૨૦૧૬ના એ વર્ષ પછી હવે કોલ્ડપ્લે હમણાં બીજી વાર ભારતના પ્રવાસે આવી રહ્યું છે.

બૅન્ડની શરૂઆત કઈ રીતે થઈ?

શરૂઆત થઈ બે એવા અજાણ્યા જુવાનિયાઓના મળવાથી જેમની રુચિ, જેમની ટૅલન્ટ અને જેમનું પૅશન લગભગ એકસરખું હતું. જી હા, ક્રિસ અને જૉની ભણતર માટે ૧૯૯૬માં લંડનની એક યુનિવર્સિટીમાં ઍડ્મિશન લીધું. કૉલેજ શરૂ થઈ અને એક અઠવાડિયું પણ નહોતું થયું ત્યાં પિયાનો વગાડતો અને ગીતો ગાતો ક્રિસ પછી જૉની નામના એક છોકરાને મળ્યો જે ગિટારિસ્ટ હતો. બન્ને વચ્ચે દોસ્તી થઈ અને એકસરખું પૅશન ધરાવતા હોવાને કારણે ગણતરીના દિવસોમાં જ બન્નેની દોસ્તી એટલી ગાઢ થઈ ગઈ કે તેમણે સાથે મળીને ગીતો ગાવાનું અને મ્યુઝિક બનાવવાનું નક્કી કર્યું. બન્નેએ પોતાની દોસ્તીથી બનતા મ્યુઝિકને નામ આપ્યું ‘બિગ ફૅટ નૉઇઝીસ!’ આ નામ સાથે તેમણે કૉલેજમાં અને બીજા કેટલાક નાના-નાના પ્રોગ્રામ્સમાં મ્યુઝિકલ પર્ફોર્મન્સ આપવાનું શરૂ કર્યું. ત્યાર બાદ બન્નેએ પોતાના આ નાનકડા બૅન્ડનું નામ બદલીને કરી નાખ્યું પેક્ટોરલ્સ. બન્નેની દોસ્તી અને બૅન્ડને હજી એક વર્ષ પણ પૂર્ણ નહોતું થયું ત્યાં એક નવા મિત્ર સાથે ભેટો થયો, નામ હતું ગાય બેરીમૅન. ત્રીજો નવો મેમ્બર ગ્રુપમાં જોડાયો જે બેઝ ગિટાર વગાડવામાં પાવરધો હતો.

નામ બદલ્યું

 કૉલેજમાં ભણતા જુવાનિયાઓનાં સપનાં મોટાં હતાં અને માત્ર લંડનમાં કે બ્રિટનમાં જ નહીં, પરંતુ વિશ્વઆખામાં સ્ટાર બનવાના ઓરતા સેવી રહેલા આ યંગસ્ટર્સે ફરી એક વાર ગ્રુપનું નામ બદલ્યું અને નવું રાખ્યું ‘સ્ટારફિશ!’ ત્રણ મિત્રો અને મ્યુઝિકનું પૅશન. સ્ટારફિશ નામના આ નવા બૅન્ડે હવે સ્થાનિક કૉન્સર્ટ કરવાનું શરૂ કર્યું. પોતાના બૅન્ડ અને કૉન્સર્ટ માટે તેઓ પોતે જ ગીતો બનાવતા, કમ્પોઝ કરતા અને સ્ટેજ-પર્ફોર્મ પણ કરતા. ૧૯૯૭ની સાલના અંત ભાગ સુધીમાં જ આ ગ્રુપને એક ચોથો મેમ્બર મળ્યો જેનું ન માત્ર નામ ચૅમ્પિયન હતું બલકે તે ડ્રમ વગાડવામાં ખરેખર ચૅમ્પિયન હતો. ચાર મિત્રોની આ જોડી અને તેમનું બૅન્ડ ઠીકઠાક ચાલી પડ્યું. ૧૯૯૮ના વર્ષમાં તેમને એક એવો મિત્ર મળ્યો જે તેમના રોજબરોજના શેડ્યુલ્સથી લઈને બાકીની બધી જ વ્યવસ્થાની કાળજી લેવા તૈયાર હતો. નામ હતું ફિલ હાર્વી! ચારનું બૅન્ડ હવે પાંચ સભ્યોવાળું બની ચૂક્યું હતું, પરંતુ સ્ટેજ પર તો હજીય ચાર મેમ્બર્સ જ દેખાવાના હતા.

ઊલટા ગીતે જગતમાં ખ્યાતિ અપાવી

૧૯૯૯માં સ્ટા‌રફિશ બૅન્ડ પોતાનું આલબમ રિલીઝ કરવા તૈયાર હતું. તેમનાં કેટલાંક ગીતો લોકો સાંભળતા અને ગણગણતા થઈ ચૂક્યા હતા. એટલું જ નહીં, લંડનથી તેમની પ્રસિદ્ધિ હવે ધીરે-ધીરે આખા બ્રિટનમાં પ્રસરવા માંડી હતી, પણ રિકૉર્ડિંગ પહેલાં ફરી એક વાર બૅન્ડનું નામ બદલાવાનું હતું. ત્યારે કદાચ ગ્રુપના કોઈ મેમ્બરને ખબર નહોતી કે આ નવું નામ તેમને એટલી બધી પ્રસિદ્ધિ બક્ષશે કે તેમને માટે બ્રિટનનું ફલક પણ નાનું પડવા માંડશે. યુવાન લોહી અને ટૅલન્ટથી ભર્યો ઉત્સાહ. ૧૯૯૯ની સાલમાં જ બૅન્ડના ચીફ સિંગર એવા ક્રિસ માર્ટિને એક સાવ નવો પ્રયોગ આદર્યો. ક્રિસને વિચાર આવ્યો કે જો તે કોઈ ગીત ઊલટું ગાવાનો પ્રયત્ન કરે તો? મતલબ કે છેલ્લી લાઇનના છેલ્લા શબ્દને હવે પહેલી લાઇનનો પહેલો શબ્દ બનાવી દેવાનો એક સાવ નોખો જ પ્રયાસ! ક્રિસે પ્રયત્નો કર્યા, વારંવાર પ્રૅક્ટિસ શરૂ કરી અને આખરે તેના વિચારને વાસ્તવિકતામાં પલટાવી દેવાનું કાર્ય પૂર્ણ કર્યું. ક્રિસ માર્ટિને પોતાના બૅન્ડનું એક ગીત આખું જ ઊલટું ગાયું! અને આ ટૅલન્ટે તેને અને તેના બૅન્ડને આખા વિશ્વમાં જબરદસ્ત ખ્યાતિ અપાવી.

બ્રિટનથી વૈશ્વિક છલાંગ

ટૅલન્ટ હતી, સાજિંદા અને ગાયક તરીકે મિત્રો હતા. એ મિત્રોનું હવે બૅન્ડ પણ બની ચૂક્યું હતું અને બૅન્ડની ખ્યાતિમાં પણ રોજેરોજ વધારો થઈ રહ્યો હતો. લોકો હવે તેમને તેમનાં ગીતો અને મ્યુઝિકને કારણે ઓળખતા થઈ ગયા હતા. કોલ્ડપ્લેને લાગ્યું કે હવે સમય આવી ગયો છે કે તેમનું એક સ્ટુડિયો આલબમ રેકૉર્ડ કરી રિલીઝ કરવું જોઈએ. ૨૦૦૦ની સાલમાં નામ રાખવામાં આવ્યું પૅરૅશૂટ. કોલ્ડપ્લે મ્યુઝિક બૅન્ડનું પહેલું સ્ટુડિયો આલબમ રિલીઝ થયું. આલબમ રિલીઝ થતાંની સાથે જ કોલ્ડપ્લે વિશ્વના અનેક દેશોમાં મશહૂર થવા માંડ્યું. આ એ સમય હતો જ્યારે હજી સ્માર્ટફોન્સ, વૉટ્સઍપ અને સોશ્યલ મીડિયાનું ચલણ હજી શરૂ નહોતું થયું. ટેલિવિઝન અને મ્યુઝિકલ વિડિયો આલબમનો આ સમય હતો. જ્યારે VJની સાથે જુવાનિયાઓ નવાં-નવાં હિન્દી અને અંગ્રેજી ગીતો સાંભળતા હતા અને ઝૂમતા હતા. MTV અને VTVનો આ દોર વિશ્વના અનેક ટૅલન્ટેડ સિંગર્સ અને મ્યુઝિશ્યન્સને સ્ટાર બનાવી રહ્યા હતા એવામાં કોલ્ડપ્લેનું આલબમ ‘પૅરૅશૂટ’ પણ અમેરિકા અને યુરોપમાં જબરદસ્ત લોકપ્રિય થવા માંડ્યું. કોલ્ડપ્લે હવે માત્ર લંડનમાં કે બ્રિટનમાં જાણીતું નહોતું, એ હવે વૈશ્વિક સ્તરે વિસ્તરી રહેલું બૅન્ડ બની રહ્યું હતું. કોલ્ડપ્લેને વૈશ્વિક કક્ષાએ જાણીતું અને માનીતું બનાવનાર કોઈ એક ગીત જણાવવું હોય તો કહેવું પડે કે એ ‘શિવર’ ગીત હતું જેણે કોલ્ડપ્લેને નવી ઓળખ આપી હતી. શિવર તેમને માટે એક જબરદસ્ત હિટ, મેગા હિટ સાબિત થયું. એ સિવાય ‘ફિક્સ યુ ફ્લોક્સ’, ‘ધ સાયન્ટિસ્ટ પૅરૅડાઇઝ, ‘અ સ્કાય ફુલ ઑફ સ્ટાર્સ’ વગેરે પણ ખરાં જ.

ક્રીએટિવિટી ઍટ ઇટ્સ બેસ્ટ

‘ક્રીએટિવિટી’ એક એવો શબ્દ છે જે પ્રોડક્ટ પૂર્ણ રીતે બહાર આવ્યા પછી જો સફળતાને વરે તો જ ટૅગ તરીકે વળગે. કોલ્ડપ્લે સાથે પણ કંઈક આવું જ એક ગીત માટે થયું હતું. ૨૦૦૦ની સાલમાં તેમનું એક ગીત આવ્યું હતું, ‘Yellow…’ (યલો). હવે આ ગીત જ્યારે ક્રિસ માર્ટિનની ટીમે બનાવ્યું ત્યારે એનું ટાઇટલ શું આપવું એ વિશે વિચારવિમર્શ ચાલી રહ્યો હતો. ટીમના કોર મેમ્બર્સ એવા પાંચેપાંચ કલાકારો – ક્રિસ માર્ટિન, જૉની બકલૅન્ડ, બેરીમૅન કે વિલ ચૅમ્પિયન બધાએ કોઈક ને કોઈક નામ સૂચવ્યાં; પણ તેમનું એકેય નામ ક્રિસને યોગ્ય નહોતું જણાયું. સતત એ વિશેના વિચારો ક્રિસના દિમાગમાં ચાલી રહ્યા હતા ખરા, પણ કોઈ ઢાંસુ નામ મળતું નહોતું. હવે બન્યું એવું કે ક્રિસના દિમાગમાં જ્યારે ગીતના ટાઇટલ વિશેના વિચારો ચાલી રહ્યા હતા ત્યારે તેની નજર સામે ટેબલ પર એક ચોપડી પડી હતી જેનાં પાનાં તે ફેરવી રહ્યો હતો. એ ચોપડી હતી ‘યલો પેજિસ.’ ક્રિસે વિચાર કર્યો કે તે પોતાના નવા ગીતનું ટાઇટલ જ યલો રાખશે અને બસ ૨૦૦૦ની સાલમાં આ ‘યલો’ ટાઇટલનું કોલ્ડપ્લેનું ગીત રિલીઝ થયું અને જબરદસ્ત હિટ બની ગયું.

કંઈક આવો જ બીજો એક કિસ્સો તેના ગીત ‘ધ સાયન્ટિસ્ટ’ સાથે પણ બન્યો છે. કોલ્ડપ્લેનું બીજું એક હિટ સૉન્ગ ‘ધ સાયન્ટિસ્ટ’ જે તેણે આખું ઊલટું શૂટ કર્યું હતું એટલે કે તે ગીતના વિડિયોમાં ગ્રુપનો લીડ સિંગર ક્રિસ માત્ર ઊલટો ચાલે છે, એટલું જ નહીં, તેણે એ ગીત પણ અંતથી શરૂઆત તરફ એ રીતે જ બનાવ્યું હતું. અર્થાત્ ગીત શરૂ થાય છે એના અંતભાગથી અને પૂર્ણ થાય છે એની શરૂઆતથી! એ માટે ક્રિસે બાકાયદા જબરદસ્ત મહેનત કરી અને સતત પ્રૅક્ટિસ દ્વારા તેણે ગીત ઊંધું ગાવાની રિયાજ કરી. એ સમયે આ પોતાનામાં જ એક સાવ નવો પ્રયોગ હતો અને લોકોને એ એટલો ગમ્યો કે તેનું ગીત ‘ધ સાયન્ટિસ્ટ’ કોલ્ડપ્લેની એક નવી ઓળખાણ બની ગયું.

શૂટ ઍન્ડ સિંગ

કોઈ માની શકે કે જે ગ્રુપના પહેલા ગીત-રિલીઝની માત્ર ૫૦૦ કૉપી તૈયાર થઈ હોય અને એ પણ માંડ-માંડ વેચાઈ હોય એ આજે આ મુકામ પર પહોંચી ગયું હશે? જી હા, કોલ્ડપ્લેની પહેલી મ્યુઝિક-રિલીઝ ૧૯૯૮ની સાલમાં આવી હતી. નામ હતું ‘સેફટી’. આ ‘સેફટી’ની માત્ર ૫૦૦ કૉપી તૈયાર કરવામાં આવી હતી અને એ પણ ખાસ ધડાધડ વેચાઈ ગઈ હતી એવું નહોતું.

પણ પછી તેમની સફળતા એકએક ડગલે આગળ વધવાને બદલે સીધી છલાંગ જ મારતી ગઈ. આજે તો હવે તેમનો લંડનમાં પોતાનો સ્ટુડિયો પણ છે, જ્યાં તેઓ સામાન્ય રીતે તેમનાં ગીત રેકૉર્ડ કરે છે, પરંતુ ૨૦૦૬માં તેમણે એક જૂની બેકરી ખરીદી હતી અને એ બેકરીને પોતાના સ્ટુડિયોમાં પરિવર્તિત કરીને ગીતો રેકૉર્ડ કરવા માંડ્યા હતા. મજાની વાત એ છે કે બેકરી ભલે સ્ટુડિયો બની ગઈ છતાં એનું નામ બદલાયું નહીં. આ બાશિંદાઓએ તેમના સ્ટુડિયોનું નામ જ ‘બેકરી’ રાખી દીધું. પછી જ્યારે તેમના ગીત ‘X&Y’ને જબરદસ્ત સફળતા મળી ત્યારે ગ્રુપને લાગ્યું કે હવે તેમણે એક નવો ઠીકઠાક સ્ટુડિયો ખરીદવો જોઈએ અને આખરે હાલ તેમનો લંડનમાં જે સ્ટુડિયો છે એ તેમણે ખરીદ્યો.

તેમનું એક ગીત આવ્યું હતું – ‘ધ ચેઇનસ્મોકર્સ.’ કોલ્ડપ્લેના આ ગીતને એવી સફળતા મળી કે તેમણે સંગીત રેકૉર્ડ્સની દુનિયામાં ધમાલ મચાવી દીધી હતી, પરંતુ કોઈક એવું ગીત આવવાનું હજી બાકી હતું જે વિશ્વના બધા રેકૉર્ડ તોડી નાખે અને એક નવો વિક્રમ સર્જે અને ‘સ્મોકર્સ’ પછી તેમણે બીજું એક ગીત બનાવ્યું ‘સમથિંગ જસ્ટ લાઇક ધિસ!’ આ એક ગીત ‘સમથિંગ જસ્ટ લાઇક ધિસ’ને રિલીઝ થયાના માત્ર ૨૪ કલાકમાં ૯ મિલ્યન સ્ટ્રીમિંગ્સ મળ્યાં! આખા વિશ્વમાં આ એક અનોખો અને પહેલો રેકૉર્ડ હતો. આજ પહેલાં કોઈ ગીતને રિલીઝ થયાના પહેલા ૨૪ કલાકમાં જ આટલાં બધાં સ્ટ્રીમિંગ્સ મળ્યાં નહોતાં.

ઓબામા પણ છે ‌દીવાના

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ કોલ્ડપ્લેના દીવાના છે. કોઈ સામાન્ય ચાહકની માફક ૨૦૧૨માં બરાક ઓબામાએ કહ્યું હતું કે મારા પર્સનલ આઇપૉડમાં મહદંશે કોલ્ડપ્લેનાં ગીતો જ લોડ થયેલાં હોય છે અને મને એ સાંભળવાનું ગમે છે. હવે બરાક ઓબામા જેવા અમેરિકન પ્રેસિડન્ટ જેના ફૅન હોય તેમણે ફિલ્મમાં પદાર્પણ નહીં કર્યું હોય એ તો કઈ રીતે બને. કોલ્ડપ્લેના લીડ સિંગર ક્રિસ માર્ટિન અને જૉની બકલૅન્ડ એક હૉરર કૉમેડી ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે. ‘શોન ઑફ ધ ડેડ’ આજે તો હવે એક કલ્ટ ફિલ્મ તરીકેનું સ્થાન પામી ચૂકી છે, પણ આ ફિલ્મમાં આ બન્ને કલાકારોએ કેમિયો રોલ કર્યો હતો.

સફળતા માત્ર મેળવવી કે કમાવવી જ મુશ્કેલ નથી, એને પચાવવી અને જાળવવી એથી પણ વધુ મુશ્કેલ છે. કોલ્ડપ્લેનાં એકથી એક ગીતો વર્ષોથી હિટ અને સુપરહિટ થતાં આવ્યાં છે, પરંતુ તેમણે જવલ્લે જ પોતાના કોઈ ગીતને કોઈ ઍડ્વર્ટાઇઝમેન્ટ કે પ્રમોશનલ ઇવેન્ટમાં વાપરવાની પરવાનગી આપી છે. ડાયટ કૉક અને GAP જેવી જાણીતી બ્રૅન્ડ્સની જાહેરાત માટે તેમનાં ગીતોનો ઉપયોગ કરવા માટે કોલ્ડપ્લેને લાખો પાઉન્ડની ઑફર આવી હતી, પરંતુ તેમણે એ ઑફરને ઠુકરાવી દીધી હતી.

જોકે ૨૦૨૧માં તેમનું ગીત ‘હાયર પાવર’નો એક ભાગ જાહેરાત તરીકે ઉપયોગમાં લેવા માટે આખરે BMWએ કોલ્ડપ્લેની ટીમને મનાવી લીધી અને BMWની IX અને i4 ઇલેક્ટ્રિક કાર્સ માટે તેમના ‘હાયર પાવર’ ગીતને જાહેરાતના ભાગ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું. સફળતાના શિખરની ઊંચાઈ જોઈ ચૂકેલા એવા આ જુવાનિયાઓ આવતા વર્ષના જાન્યુઆરીમાં મુંબઈમાં કૉન્સર્ટ કરવા આવી રહ્યા છે. માત્ર બે શો માટે ઇન્ડિયા આવવાનું પ્લાનિંગ કરી રહેલા આ સિંગર્સને પછી ખબર પડી કે ભારતમાં તેમના ફૅન્સ વિશ્વના બીજા કોઈ પણ દેશ કરતાં વધુ ફૅનિઝમવાળા છે એથી ટિકિટબારીએ છલકી પડેલી ભીડને જોતાં તેમણે ત્રીજી કૉન્સર્ટ કરવાની પણ જાહેરાત કરી દીધી. જોકે ભારતના કોલ્ડપ્લેના ફૅન્સે તે ત્રીજી કૉન્સર્ટની ટિકિટબારી પણ છલકાવી દીધી છે.

કન્ટ્રોવર્સીએ બૅન્ડને વધુ ફેમસ બનાવેલું

‘કન્ટ્રોવર્સી’ આ એક એવો શબ્દ છે જે સ્ટાર હોય, રાજકારણી હોય કે જનસામાન્ય. કોઈને બક્ષતી નથી. કોલ્ડપ્લે પણ વૈશ્વિક સ્તરે એટલી જબરદસ્ત પ્રસિદ્ધિના શિખરે ચડી ચૂક્યું હતું કે કોઈ ને કોઈ કન્ટ્રોવર્સી તેમને પણ સ્પર્શ્યા વિના રહી નથી. ૨૦૦૮માં અમેરિકન રૉક ગિટારિસ્ટ અને કમ્પોઝર જૉય સિટ્રિયાનીએ કોલ્ડપ્લે બૅન્ડ પર તેમના એક ગીત માટે કેસ ફાઇલ કર્યો. વાત કંઈક એવી હતી કે કોલ્ડપ્લેએ તેમના બૅન્ડના નામ સાથે એક નવું ગીત રિલીઝ કર્યું હતું, ‘વીવા-લા-વિડા...’ આ ગીત માર્કેટમાં આવ્યું અને જૉય સિટ્રિયાનીએ સાંભળ્યું કે તરત તેને લાગ્યું કે આ ગીતમાં તો બૅન્ડે તેના એક ગીતના શબ્દો વાપર્યા છે! ગીત ગાવા કે બનાવવા માટે ટૅલન્ટ હોય એટલું જ પૂરતું નથી. પ્રોફેશનલ કરીઅર માટે કેટલાક રૂલ્સ અને એથિક્સ પણ શીખવા પડે છે. સૉન્ગ રાઇટ્સ, રૉયલ્ટીથી લઈને ક્રીએટિવિટી સુધીનાં અનેક પાસાંઓ હોય છે. હવે સિટ્રિયાનીએ એમ કહીને કોલ્ડપ્લે પર કેસ ફાઇલ કરી દીધો કે કોલ્ડપ્લેએ મારા ગીત ‘ઇફ આઇ કુડ ફ્લાય’માંથી કેટલાક શબ્દોની ઉઠાંતરી કરીને એ બૅન્ડના નવા ગીત ‘વીવા-લા-વિડા...’માં વાપર્યા છે. જોકે અમેરિકાની કૅલિફૉર્નિયા સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ કેસ લાંબો ચાલ્યો નહીં અને આઉટ કોર્ટ સેટલમેન્ટની અરજીને કારણે સિટ્રિયાનીનો કેસ ડિસમિસ થઈ ગયો. બન્ને ક્રીએટર્સ ભલે કોર્ટની બહાર મળીને સેટલમેન્ટ કરી લે, પણ કેસ થયો હોય એટલે ચર્ચા તો થવાની અને ચર્ચાનો લાભ પણ બન્ને પક્ષને થવાનો જ થવાનો. પેલું કહે છેને કે ‘ઍની પબ્લિસિટી ઇઝ ગુડ પબ્લિસિટી.’ કોલ્ડપ્લેને પણ એનો ફાયદો થયો અને અમેરિકાના અનેક જુવાનિયાઓ કોલ્ડપ્લેનાં ગીતો સાંભળવા માંડ્યા.

4405- કોલ્ડપ્લે બૅન્ડના ચારેય મ્યુઝિશ્યનની કુલ સંપત્તિ આટલા લાખ રૂપિયા છે. સૌથી વધુ અવૉર્ડ‍્સ મેળવનાર મ્યુઝિક બૅન્ડની યાદીમાં કોલ્ડપ્લે છઠ્ઠા નંબરે છે.

સંગીત સાથે સામાજિક જાગૃતિ પણ

કોલ્ડપ્લે એકમાત્ર એવું મ્યુઝિક બૅન્ડ છે જે માત્ર એનાં ગીતો અને આલબમ્સ માટે જ નહીં, સામાજિક રીતે જાગરૂક પ્રવૃત્તિઓ માટે પણ જાણીતું છે. આ બૅન્ડ શરૂઆતથી જ એના નફાની ૧૦ ટકા રકમ સોશ્યલ કોઝ માટે દાન કરે છે. કોલ્ડપ્લે બૅન્ડ પર્યાવરણ સંરક્ષણ બાબતે સજાગ રહીને કૉન્સર્ટ યોજે છે. હાલમાં એની વર્લ્ડ ટૂર દરમ્યાન તેમણે અન્ય કૉન્સર્ટ કરતાં ૪૭ ટકા ઓછું પ્રદૂષણ કર્યું હતું. તેઓ કદી ચાર્ટર્ડ પ્લેન નથી વાપરતા અને બને એટલો રીયુઝેબલ એનર્જીનો ઉપયોગ કરે છે. 

international news world news columnists festivals