17 February, 2024 12:45 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ઍલેક્સી નેવલની
રશિયના પ્રમુખ વ્લાદિમીર પુતિનના સૌથી મોટા વિરોધી એવા ઍલેક્સી નેવલનીનું જેલમાં મૃત્યુ થયું છે. રશિયાની એક ન્યુઝ એજન્સીએ આ દાવો કર્યો છે. નેવલની રશિયાની સૌથી ખતરનાક જેલ પોલર વુલ્ફમાં કેદ હતા.
રશિયન જેલના અધિકારીઓએ કહ્યું કે ઍલેક્સી નેવલની શુક્રવારે આર્કટિક સર્કલ જેલમાં બેભાન થઈને પડી ગયા હતા. તેમની તબિયત ખરાબ હતી. તેઓ સાંજે વૉક કરીને પરત ફર્યા હતા. ત્યાર બાદ તેમણે તબિયત સારી ન હોવાની ફરિયાદ કરી હતી. આ પછી તેઓ બેભાન થઈને પડી ગયા હતા.
જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમણે તાત્કાલિક મેડિકલ ટીમ અને ઍમ્બ્યુલન્સને બોલાવી હતી. જોકે ત્યાં પહોંચતાં જ ડૉક્ટર્સે નેવલનીને મૃત જાહેર કરી દીધા હતા. અહીં નોંધનીય છે કે નેવલનીએ યુક્રેન યુદ્ધને લઈને જેલમાંથી પુતિન વિરુદ્ધ પ્રચાર કર્યો હતો. નેવલનીને ૨૦૨૧માં ૧૯ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેમનું મૃત્યુ રશિયામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીના એક મહિના પહેલાં જ થયું છે.