મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના સાથીની પાકિસ્તાનમાં ગોળી મારી હત્યા 

06 December, 2023 02:02 PM IST  |  Karachi | Gujarati Mid-day Online Correspondent

26/11ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ લશ્કરના વડા હાફિઝ સઈદનો નજીકનો વ્યકિત આતંકવાદી હંજલા અદનાનને અજાણ્યા બંદૂકધારીઓએ ઠાર માર્યો છે. તેણે જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં બીએસએફના કાફલા પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું.

હાફિઝ સઈદ (ફાઈલ ફોટો)

પાકિસ્તાનના કરાચીમાં લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદી હંજલા અદનાનને અજાણ્યા બંદૂકધારીઓએ ઠાર માર્યો છે.  હજલાએ 2015માં જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં બીએસએફના કાફલા પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું.

તે 26/11ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ લશ્કરના વડા હાફિઝ સઈદનો નજીકનો વ્યકિત માનવામાં આવતો હતો. અદનાનને 2 અને 3 ડિસેમ્બરની રાત્રે તેના ઘરની બહાર અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી દીધી હતી. અદનાનના શરીરમાં ચાર ગોળીઓ વાગી હતી.

પાકિસ્તાની સેના તેને હોસ્પિટલ લઈ ગઈ

સૂત્રોના જણાવ્યા અનુસાર, લશ્કર-એ-તૈયબાના આતંકવાદીને પાકિસ્તાની સેના ગુપ્ત રીતે કરાચીની એક હોસ્પિટલમાં લઈ ગઈ હતી. સારવાર દરમિયાન 5 ડિસેમ્બરે તેમનું મોત થયું હતું. તાજેતરમાં જ હંજાલા અદનાનએ પોતાનું ઓપરેશન પ્લેસ બેઝ રાવલપિંડીથી કરાચી શિફ્ટ કર્યું છે.

ઈન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, 2015માં હંજલા અદનાનને ઉધમપુરમાં બીએસએફ (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ના કાફલા પર હુમલાની યોજના બનાવી હતી. આ હુમલામાં BSFના બે જવાનો શહીદ થયા હતા અને અન્ય 13 જવાનો ઘાયલ થયા હતા.

બીએસએફના કાફલા પર હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ BSF કાફલા પર થયેલા હુમલાની તપાસ કરી હતી અને ચાર્જશીટ દાખલ કરી હતી. લશ્કરના ટોચના આતંકવાદી અદનાને 2016માં જમ્મુ અને કાશ્મીરના પમ્પોર વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કાફલા પર આતંકવાદી હુમલાનું સંકલન કર્યું હતું. આ હુમલામાં CRPFના 8 જવાનો શહીદ થયા હતા અને 22 અન્ય ઘાયલ થયા હતા.

મુંબઈ ટેરર અટૅક્સના મુખ્ય કાવતરાખોરોમાં સામેલ સાજિદ મીરને ઝેર

નોંધનીય છે કે પાકિસ્તાનમાં ડેરા ગાઝી ખાનની સેન્ટ્રલ જેલમાં કેદ 26/11 મુંબઈ ટેરર અટૅક્સના મુખ્ય કાવતરાખોરોમાં સામેલ સાજિદ મીરને ઝેર આપવામાં આવ્યું હતું. થોડા મહિના પહેલાં મીરને લાહોરની સેન્ટ્રલ જેલમાંથી શિફ્ટ કરવામાં આવ્યો હતો. મીરને પાકિસ્તાનની આર્મી દ્વારા ઍરલિફ્ટ કરીને બહાવલપુરની સીએમએચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં લઈ જવાયો હતો. સાજિદ મીર પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તય્યબાનો સિનિયર મેમ્બર છે અને તે મુંબઈમાં નવેમ્બર ૨૦૦૮ ટેરર અટૅક્સમાં તેની સંડોવણી બદલ વૉન્ટેડ છે.  

પાકિસ્તાનમાં હિન્દુ મંદિર પર હુમલો

ઉલ્લેખનીય છે કે અગાઉ પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓના માનવાધિકારોને કચડી નાખવાની પણ એક ઘટના સામે આવી હતી. પાકિસ્તાનમાં ઑથોરિટીઝે હિન્દુઓનાં પૂજા-સ્થળોને ટાર્ગેટ કર્યાં હોવાના રિપોર્ટ્સ હતાં. હિન્દુઓને સિસ્ટમૅટિક રીતે ખલાસ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને એના ભાગરૂપે જ સિંધ પ્રાંતમાં હિંગલાજ માતા મંદિરને ટાર્ગેટ બનાવાયું હતું. મીથી સિટીમાં આ હિન્દુ મંદિરના ડિમોલિશનને યોગ્ય ગણાવવા માટે થારપરકર જિલ્લાના અધિકારીઓ કોર્ટના એક આદેશનો ઉલ્લેખ કરી રહ્યા છે. અહીં હિન્દુઓએ એકત્ર થઈને આ ડિમોલિશનનો વિરોધ કર્યો હતો. 

26/11 attacks mumbai world news pakistan karachi hafiz saeed