કૅનેડામાં ખાલિસ્તાનીઓના વિરોધના કારણે ભારતીય રાજદૂતનો કાર્યક્રમ કૅન્સલ

22 March, 2023 11:15 AM IST  |  Toronto | Gujarati Mid-day Correspondent

ખાલિસ્તાની સમર્થકોના વિરોધ-પ્રદર્શનના કવરેજ માટે વૅન્યુ પર ગયેલા ભારતીય મૂળના પત્રકાર સમીર કૌશલ પર પણ ​પ્રદર્શનકારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. 

સૅન ફ્રાન્સિસ્કોના દૂતાવાસ પરના હુમલાનો વિડિયો-ગ્રૅબ

વિદેશોમાં ખાલિસ્તાની તત્ત્વો સતત ભારતીય હિતોને નુકસાન પહોંચાડી રહ્યાં છે. હવે કૅનેડામાં બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં ભારતીય રાજદૂત જે કાર્યક્રમમાં ભાગ લેવાના હતા એને ખાલિસ્તાની સપોર્ટર્સના હિંસક વિરોધ-પ્રદર્શનના કારણે કૅન્સલ કરવામાં આવ્યો હતો. ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્માને આવકારવા માટે તાજ પાર્ક કન્વેન્શન સેન્ટર સુર્રેમાં આ કાર્યક્રમ યોજાવાનો હતો. સુરક્ષાનાં કારણસર આ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો હતો. ખાલિસ્તાની સમર્થકોના વિરોધ-પ્રદર્શનના કવરેજ માટે વૅન્યુ પર ગયેલા ભારતીય મૂળના પત્રકાર સમીર કૌશલ પર પણ ​પ્રદર્શનકારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. 

દરમ્યાનમાં અમેરિકાએ ખાલિસ્તાની સમર્થકો દ્વારા સૅન ફ્રાન્સિસ્કોમાં ઇન્ડિયન કૉન્સ્યુલેટ પરના હુમલાને સોમવારે વખોડ્યો હતો અને જણાવ્યું હતું કે એ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. 

બીજી બાજુ ખાલિસ્તાની સમર્થકોએ લંડનમાં ઇન્ડિયન હાઈ કમિશનમાં તોફાન મચાવ્યા બાદ બ્રિટિશ કન્ઝર્વેટિવ સંસદસભ્ય બોબ બ્લૅકમૅને સોમવારે જણાવ્યું હતું કે યુકેમાં મોટા ભાગના સિખો ખાલિસ્તાની ખ્યાલને ફગાવી દે છે. તેમણે પોલીસને આવાં અલગતાવાદી તત્ત્વોની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. 

canada international news