26 December, 2022 10:26 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
બીજિંગઃ ચીનના કૅબિનેટ સ્તરના એક્ઝિક્યુટિવ ડિપાર્ટમેન્ટ નૅશનલ હેલ્થ કમિશને ગઈ કાલથી રોજેરોજના ધોરણે કોરોનાના દૈનિક કેસની સંખ્યા પબ્લિશ ન કરવાનો નિર્ણય કર્યો છે.
ચીનના સરકારી ન્યુઝપેપર ‘ધ ગ્લોબલ ટાઇમ્સ’એ જણાવ્યું હતું કે ‘નૅશનલ હેલ્થ કમિશને ગઈ કાલથી કોરોનાના દૈનિક કેસના ડેટાને પબ્લિશ કરવાનું બંધ કર્યું છે. એને બદલે ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન સ્ટડી અને રેફરન્સ માટે કોરોનાને સંબંધિત માહિતી જાહેર કરશે.’
નૅશનલ હેલ્થ કમિશને એની વેબસાઇટ પર ૨૩મી ડિસેમ્બરના દિવસ માટેના ચીનમાં કોરોનાના કેસીસનો ડેટા રિલીઝ કર્યો હતો. ચીને ૪૧૨૮ નવા કેસ સત્તાવાર રીતે નોંધ્યા હતા.
ન્યુઝ સર્વિસ રેડિયો ફ્રી એશિયાના એક રિપોર્ટ અનુસાર ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ઝીરો કોવિડ પૉલિસીને હળવી કરી દેવામાં આવ્યા બાદ ચીનમાં માત્ર ૨૦ દિવસમાં લગભગ ૨૫ કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
આ રિપોર્ટ બાદ નૅશનલ હેલ્થ કમિશને કોરોનાના દૈનિક કેસનો ડેટા પબ્લિશ ન કરવાનો નિર્ણય કર્યો હોઈ શકે છે.