midday

ઈસ્ટ આફ્રિકાના મૅડગૅસ્કરમાં આંચકાજનક ઘટના

11 August, 2024 06:43 AM IST  |  Mumbai | Rohit Parikh

ઇમ્પોર્ટર-એક્સપોર્ટર જયેશ છેડાને લૂંટવા આવેલા લોકોએ ફાય​રિંગ કર્યું એમાં જીવ ગયો
જયેશ છેડા

જયેશ છેડા

નાનપણથી ઘાટકોપર (ઈસ્ટ)માં અને પછી પવઈમાં રહેતા ઈસ્ટ આફ્રિકાના દેશ મૅડગૅસ્કરના મજેન્ડાના ચોખાના ઇમ્પોર્ટર અને કઠોળના એક્સપોર્ટર જયેશ છેડા પર શુક્રવારે ભારતીય સમય પ્રમાણે રાતના ૯.૩૦ વાગ્યે સ્થાનિક અસામાજિક તત્ત્વોએ તેમનાં પત્ની ઉમાબહેન સામે જ તેમને લૂંટીને તેમના પર ફાયરિંગ કર્યું હતું. આ બનાવમાં ૫૭ વર્ષના કચ્છી વીસા ઓસવાળ જૈન જયેશભાઈનું મૃત્યુ થવાથી મુંબઈના કચ્છી જૈન સમાજમાં અને દેશના ચોખા-કઠોળના એક્સપોર્ટર-ઇમ્પોર્ટર સમુદાયમાં ખળભળાટ અને આઘાત ફેલાયો હતો.

જયેશ છેડાના મોટા ભાઈ અને કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના અગ્રણી જતીન છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી મૂળ અનાજની પેઢી શાહ રવજી ગાંગજીની કંપની વર્ષો પહેલાં ‌મસ્જિદ બંદરના દાણાબજારમાં હતી. અન્ય પેઢીઓની જેમ ૧૯૯૩માં અમારી કંપની નવી મુંબઈના વાશીની APMC માર્કેટમાં શિફ્ટ થઈ હતી. મારા પિતા મોરારજી દેઢિયા ૨૦૦૩માં દેહાંત પામ્યા એ પછી નવી મુંબઈની પેઢીને બંધ કરીને મારા નાના ભાઈ જયેશે ૨૦૧૦માં મૅડગૅસ્કર-મજેન્ડાના પોર્ટ પાસે ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો સ્વતંત્ર બિઝનેસ શરૂ કર્યો હતો. જયેશ તેની પત્ની ઉમા સાથે મજેન્ડા (મૉરિશ્યસની બાજુમાં)માં રહેતો હતો. ત્યાં તે અનાજ અને કઠોળની સાથે વિશેષરૂપે ચોખાની આયાતનો બિઝનેસ કરતો હતો. જયેશ વર્ષે ૭૦૦થી ૧૦૦૦ કન્ટેનરોનો ચોખાનો બિઝનેસ કરતો હતો. ત્યાંથી તે વર્ષે ૩૦૦થી ૪૦૦ કન્ટેનર ચોળા ભારત એક્સપોર્ટ કરતો હતો. જયેશ જ્યાં રહેતો હતો ત્યાં ૧૫૦થી ૨૦૦ ગુજરાતી પરિવારો રહે છે.’

શુક્રવારની દુખદ ઘટનાની જાણકારી આપતાં જતીન છેડાએ કહ્યું હતું કે ‘શુક્રવારે જયેશ તેના રોજિંદા ક્રમ પ્રમાણે સાંજે તેની ઑફિસ બંધ કરીને પાંચ-સાત મિનિટના અંતરે આવેલા નિવાસસ્થાને તેની પત્ની સાથે પહોંચ્યો હતો. ત્યાં તેણે તેની પત્ની સાથે બહાર જવાનો પ્લાન બનાવતાં એક કાર પાર્ક કરીને બીજી કાર લેવા જઈ રહ્યો હતો. ત્યારે તેને બાઇક પર આવેલા હબસીઓએ ‌રિવૉલ્વર બતાવીને આંતર્યો હતો. જયેશ આફ્રિકા રહેવા ગયો ત્યારથી જ તેણે ત્યાંની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કર્યું હતું કે ક્યારેક કોઈ લૂંટવા આવે તો તરત જ સરેન્ડર થઈને તેને બધું જ સોંપી દેવું. શુક્રવારે બાઇકરોએ જેવો તેને આંતર્યો એટલે તરત જ જયેશે તેના હાથમાં રહેલું લૅપટૉપ અને તેની પાસે રહેલી રોકડ રકમ લૂંટારાઓને સોંપી દીધાં હતાં. આમ છતાં લૂંટારાઓએ તેના પર ગોળીબાર કર્યો હતો. એમાં જયેશને છાતીમાં ગોળી વાગી હતી અને તે ત્યાં જ ઢળી પડ્યો હતો. આ બનાવ બનતાં જ સ્થાનિક રહેવાસીઓ ભેગા થઈ ગયા હતા અને જયેશને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.’

જયેશ નાનપણથી જ ધર્મિષ્ઠ હતો એમ જણાવીને જતીન છેડાએ વધુમાં કહ્યું હતું કે ‘જયેશે નાનપણમાં જ જૈનોના પ્રતિક્રમણનો ધાર્મિક અભ્યાસ કર્યો હતો. ઘાટકોપરના જીરાવલ્લા પાર્શ્વનાથ ઉપાશ્રયમાં પર્યુષણ પર્વમાં તે પ્રતિક્રમણ કરાવતો હતો. મજેન્ડા જઈને પણ તેણે આ ક્રમ ચાલુ રાખ્યો હતો. ત્યાં બેસીને પણ તે ઘાટકોપર કે તેના સમાજનાં ધાર્મિક કાર્યોમાં યોગદાન આપતો હતો. સાધુ-સંતોના સેવાકાર્યમાં તે હંમેશાં અગ્ર રહેતો હતો.’

મારી મમ્મી લીલાવંતીબહેને તેમના દેહાંત પહેલાં અમને કહેલું કે મારું મૃત્યુ થાય તો લાંબો સમય મૃતદેહને રાખ્યા વગર જલદીથી અંતિમ સંસ્કાર કરી દેશો એમ જણાવીને જતીન છેડાએ કહ્યું હતું કે ‘શુક્રવારે જયેશના દેહાંત પછી અમે આજે રાતના મૅડગૅસ્કરના મજેન્ડા જઈને તેના અંતિમ સંસ્કાર કરવાના હતા, પણ ચાર મહિના પહેલાં જ લીધેલા પવઈના ફ્લૅટમાં રહેતા જયેશના પુત્ર મનીષે કહ્યું હતું કે પપ્પાએ પણ દાદીની જેમ જ નિયમ લીધો હતો અને અમને કહ્યું હતું કે તેમના મૃતદેહને લાંબો સમય રાખતા નહીં. આથી ગઈ કાલે સવારે જ જયેશના મજેન્ડામાં ઉમાબહેને અંતિમ સંસ્કાર કરી દીધા હતા. પરિવારજનો અને સમાજને હંમેશાં એકસાથે રાખવા તત્પર જયેશના મૃત્યુથી અમારા પરિવારમાં અને સમાજમાં અરેરાટી અને આઘાત ફેલાયાં છે.’

ઇન્ડિયન રાઇસ એક્સપોર્ટર્સ ફેડરેશન (IREF)ના પ્રેસિડન્ટ ડૉ. પ્રેમ ગર્ગે જયેશ છેડાના મૃત્યુની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જયેશ છેડા પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. તે તેમના સમર્પણ અને અમારા ક્ષેત્રમાં યોગદાન માટે જાણીતા હતા. તેમના નિધનથી અમારા સમુદાયને મોટી ખોટ પડી છે. અમારા ફેડરેશન વતી હું તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. IREF આ દુ:ખના સમયમાં તેમની સાથે છે. અમે તેમને આ પડકારજનક સમયમાં મદદ કરવા માટે દરેક સંભવિત સમર્થન પ્રદાન કરીશું.’

international news africa Crime News crime branch ghatkopar powai business gujarati community news jain community