18 February, 2023 11:39 AM IST | washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
વૉશિંગ્ટનઃ અમેરિકાએ પોતાના આકાશમાં ચીનના બલૂનને ફોડ્યા બાદ હવે અરુણાચલ પ્રદેશ માટેના આ ડ્રૅગન કન્ટ્રીના દાવાનો ફુગ્ગો ફોડ્યો છે. અરુણાચલ પ્રદેશને ભારતનું અવિભાજ્ય અંગ ગણાવતો એક દ્વિપક્ષીય પ્રસ્તાવ અમેરિકન સેનેટમાં ગુરુવારે રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં વાસ્તવિક અંકુશરેખા પર અત્યારની સ્થિતિને મિલિટરીના ઉપયોગથી બદલવાના ચીનના પ્રયાસોની આકરી ટીકા પણ કરવામાં આવી હતી.
ત્રણ પાવરફુલ સેનેટર્સ દ્વારા રજૂ કરવામાં આવેલો આ રૅર દ્વિપક્ષીય પ્રસ્તાવ એ ભારતને પૂરેપૂરા સપોર્ટનો એક સિગ્નલ છે. આ પ્રસ્તાવ એ વાત પણ સૂચવે છે કે અમેરિકન પ્રેસિડન્ટ માટેની આગામી ચૂંટણી જે કોઈ પણ જીતે, પરંતુ અમેરિકા તરફથી ભારતને સપોર્ટ પાક્કો જ છે.
અમેરિકાની બે પાર્ટીની સિસ્ટમમાં દ્વિપક્ષીય બિલ એટલે કે એવું બિલ કે જેના માટે બન્ને મુખ્ય પૉલિટિકલ પાર્ટીઓ- રિપબ્લિકન્સ અને ડેમોક્રેટ્સ સંમત હોય છે.
આ પ્રસ્તાવમાં વાસ્તવિક અંકુશરેખા પર અત્યારની સ્થિતિને બદલવા માટે મિલિટરી ફોર્સિસનો ઉપયોગ, વિવાદાસ્પદ વિસ્તારોમાં ગામોનાં બાંધકામો, ભારતના રાજ્ય અરુણાચલ પ્રદેશના વિસ્તારોને મૅન્ડરિન ભાષામાં નામ આપીને નકશા પબ્લિશ કરવા તેમ જ ભુતાનની વધુ જગ્યાઓ પર પોતાનો દાવો કરવા સહિતની ચીન દ્વારા કરવામાં આવેલાં ઉશ્કેરણીજનક કૃત્યોને વખોડવામાં આવ્યાં છે.
આ પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો પ્રદેશ ગણાવી રહ્યું છે, જેને એ ‘સાઉથ તિબેટ’ ગણાવી રહ્યું છે. ડ્રૅગન કન્ટ્રી પોતાનો વ્યાપ વધારવા માટે આક્રમકતાથી આવા દાવા કરે છે.
ડેમોક્રેટ સેનેટર જેફ મેર્કલે અને રિપબ્લિકન બિલ હગર્ટે દ્વારા રજૂ કરવામાં આવેલા આ દ્વિપક્ષીય પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું હતું કે ‘અમેરિકા અરુણાચલ પ્રદેશને વિવાદિત પ્રદેશ તરીકે નહીં, પરંતુ રિપબ્લિક ઑફ ઇન્ડિયાના અવિભાજ્ય અંગ તરીકે માન્યતા આપે છે.’ સેનેટર જૉન કૉર્નિને આ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે.
મેર્કલે જણાવ્યું હતું કે ‘આ પ્રસ્તાવથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા અરુણાચલ પ્રદેશને રિપબ્લિક ઑફ ઇન્ડિયાનો ભાગ ગણે છે, પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાનો નહીં. સાથે જ એનાથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા સમાન વિચારસરણી ધરાવતા ઇન્ટરનૅશનલ પાર્ટનર્સની સાથે મળીને આ પ્રદેશને વધુ સપોર્ટ માટે પણ કમિટેડ છે.’