13 February, 2023 10:32 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
બે દિવસમાં બે યુએફઓને નષ્ટ કરાયાઃ ઉત્તર અમેરિકાના આકાશમાં ઊડતી વસ્તુઓથી ક્યુરિયોસિટી ઑલટાઇમ હાઈ
વૉશિંગ્ટન (રૉયટર્સ) : ઉત્તર અમેરિકાના આકાશમાં સતત યુએફઓ (અનઆઇડન્ટિફાઇડ ફ્લાઇંગ ઑબ્જેક્ટ્સ) જોવા મળતાં દુનિયાભરના લોકોમાં ક્યુરિયોસિટી વધી છે. દસમી ફેબ્રુઆરીએ અલાસ્કાના કાંઠાથી દસ માઇલના અંતરે એક યુએફઓને તોડી પાડવામાં આવ્યું હતું. એ પછી ૧૧મી ફેબ્રુઆરીએ કૅનેડાના આકાશની ઉપર એક યુએફઓને તોડી પાડવામાં આવ્યું હતું. એના એક અઠવાડિયા પહેલાં ઉત્તર અમેરિકાના આકાશમાંથી એક ચાઇનીઝ સ્પાય બલૂનને તોડી પાડવામાં આવ્યું હતું.
એક અમેરિકન એફ-22 ફાઇટર જેટે શનિવારે કૅનેડાના આકાશમાં નળાકાર આકારની ઊડતી એક શંકાસ્પદ વસ્તુને તોડી પાડી હતી.
એક અલગ ઘટનામાં રડાર પર કંઈક અસામાન્ય હિલચાલ ડિટેક્ટ થતાં અમેરિકન મિલિટરીએ યુએસ સ્ટેટ મૉન્ટેનામાં ફાઇટર જેટ્સ મોકલ્યાં હતાં. નૉર્થ અમેરિકન ઍરોસ્પેસ ડિફેન્સ કમાન્ડે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘એ ઍરક્રાફ્ટ કોઈ ઊડતી વસ્તુને શોધી શક્યાં નથી.’
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ઉત્તરીય યુકોન પ્રદેશમાં શનિવારે તોડી પાડવામાં આવેલા ‘યુએફઓ’ વિશે સૌપ્રથમ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કૅનેડિયન ફોર્સિસ આ ‘યુએફઓ’ના કાટમાળને મેળવશે અને એનું ઍનૅલિસિસ કરશે.
કૅનેડિયન સંરક્ષણપ્રધાન અનિતા આનંદે આ ‘યુએફઓ’ના મૂળ વિશે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. તેમણે એ નળાકાર આકારનું હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : અમેરિકા સામૂહિક વિનાશનું નવું ખતરનાક હથિયાર વિકસાવી રહ્યું છે
તેમણે આ વસ્તુને બલૂન નહોતું ગણાવ્યું. જોકે એટલું જરૂર કહ્યું હતું કે એક અઠવાડિયા પહેલાં સાઉથ કૅરોલિનાના કાંઠે તોડી પાડવામાં આવેલા ચાઇનીઝ બલૂન જેવું જ દેખાવમાં હતું, પરંતુ સાઇઝમાં એના કરતાં નાનું હતું. ૪૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઊડતી આ વસ્તુને કારણે કમર્શિયલ ફ્લાઇટ્સને જોખમ હતું.
ચીન શા માટે જાસૂસી માટે બલૂન્સનો ઉપયોગ કરે છે?
સેન્ટર ફોર સ્ટ્રૅટેજિક ઍન્ડ ઇન્ટરનૅશનલ સ્ટડીઝ ખાતે ટેક્નૉલૉજી અને પબ્લિક પૉલિસીના એક્સપર્ટ જૅમ્સ લેવિસે કહ્યું હતું કે ‘જાસૂસી માટે બલૂન્સનો ઉપયોગ કરવાની બાબતમાં કેટલાંક નેગેટિવ પરિબળો પણ રહેલાં છે. બલૂન્સની બાબતમાં પ્રૉબ્લેમ એ છે કે પવન જ્યાં લઈ જાય ત્યાં એ જતાં રહે છે. ચીને ગયા વર્ષે પૃથ્વીની નિમ્નભ્રમણકક્ષામાં પાંચ સૅટેલાઇટ્સને સ્થાપિત કર્યા હતા.’
એટલે મુખ્ય સવાલ એ છે કે ચીન પાસે સૅટેલાઇટ્સ છે તો એ સ્પાય બલૂન્સનો શા માટે ઉપયોગ કરે છે? સિંગાપોરની એસ રાજારત્નમ સ્કૂલ ઑફ ઇન્ટરનૅશનલ સ્ટડીઝ ખાતે ચાઇના પ્રોગ્રામના કોઑર્ડિનેટર ડૉ. હૉએ જણાવ્યું હતું કે ‘ચીન પાસે અમેરિકન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાસૂસી કરવા માટે અન્ય ઉપાયો પણ છે. અમેરિકાને એક સિગ્નલ આપવા માટે આ બલૂન મોકલવામાં આવ્યું છે. વળી ચીન એ પણ જોવા ઇચ્છે છે કે અમેરિકનોનું રીઍક્શન શું રહેશે.’
કાર્નેગી કાઉન્સિલ ફૉર એથિક્સ ઇન ઇન્ટરનૅશનલ અફેર્સના આર્થર હૉલૅન્ડ માઇકલે જણાવ્યું હતું કે ‘ચીન બલૂન દ્વારા કદાચ એ બતાવવા માગે છે કે એની પાસે અમેરિકન ઍરસ્પેસમાં ઘૂસવાની ક્ષમતા ધરાવતી સૉફિસ્ટિકેટેડ ટેક્નૉલૉજી છે.’