આફ્રિકાના કિલિમાન્જારો પર્વતની ટોચ પર લહેરાયો ૭૮૦૦ ચોરસ ફુટનો વિશાળ તિરંગો

11 August, 2024 09:46 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટની દિવ્યાંગજન એક્સપિડિશન ટીમે ૭૮૦૦ ચોરસ ફુટનો વિશાળ તિરંગો લહેરાવ્યો હતો.

૭૮૦૦ ચોરસ ફુટનો વિશાળ તિરંગો

ભારતના સ્વતંત્રતા-દિવસના અઠવાડિયા પહેલાં આફ્રિકા ખંડના સૌથી ઊંચા પર્વત કિલિમાન્જારોની ટોચ ઉહુરુ પર મિનિસ્ટરી ઑફ ડિફેન્સના નેજા હેઠળ હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટની દિવ્યાંગજન એક્સપિડિશન ટીમે ૭૮૦૦ ચોરસ ફુટનો વિશાળ તિરંગો લહેરાવ્યો હતો.

કૅપ્ટન જયકિશનની આગેવાની હેઠળની ટીમમાં ઉદય કુમાર અને બીજા સાથીઓ હતા. તેમણે કાંચનજંગા નૅશનલ પાર્ક ટુ માઉન્ટ કિલિમાન્જારો મિશન હાથ ધર્યું હતું. તેમની સાથે ઉદય કુમાર નામનો એક ઍમ્પ્યુટી ક્લાઇમ્બર પણ હતો. તેનો ડાબો પગ કપાયેલો હોવાથી કાખઘોડીની મદદથી તેણે મિશન પાર કર્યું હતું. ટીમે બેઝ કૅમ્પથી શરૂઆત કરી હતી અને ૭ ઑગસ્ટે તેઓ કિબુ હટ પહોંચ્યા હતા. તેમણે ૧૫,૫૦૦ ફુટની ઊંચાઈએ શિખર પર દોરડાં, નેટ્સ અને ઍન્કર્સની મદદથી આ વિશાળ તિરંગો લહેરાવ્યો હતો. ત્યાર બાદ તેમણે ૮ ઑગસ્ટે સવારે ઉહુરુ શિખર પર જવાની શરૂઆત કરી હતી અને ૧૦ કલાકની મુશ્કેલ ચડાઈ બાદ તેઓ બપોરે ત્રણ વાગ્યે ઉહુરુ શિખર પર પહોંચ્યા હતા અને ૫૮૯૫ મીટર (૧૯,૩૪૧ ફુટ)ની ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો હતો.

international news world news independence day africa india