20 March, 2023 11:56 AM IST | Quito | Gujarati Mid-day Correspondent
એક્વાડોરના માચલામાં શનિવારે ભૂકંપને કારણે ધ્વસ્ત બિલ્ડિંગનો ફોટોગ્રાફ ક્લિક કરી રહેલો એક સ્થાનિક નિવાસી.
એક્વાડોરના દક્ષિણમાં અને પેરુના ઉત્તરમાં શનિવારે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના લીધે ૧૬થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને મોટી સંખ્યામાં લોકો કાટમાળ નીચે દટાયા છે. રેસ્ક્યુ ટીમ્સ કાટમાળ અને તૂટી પડેલી પાવર લાઇન્સ નીચેથી લોકોને બહાર કાઢવા માટે કોશિશ કરી રહી છે. અમેરિકન જિયોલૉજિકલ સર્વે અનુસાર એક્વાડોરના ગુયાસ પ્રદેશમાં આ ભૂકંપની તીવ્રતા ૬.૮ હતી. એક્વાડોરના પ્રેસિડન્ટની ઑફિસમાંથી જાણકારી પૂરી પાડવામાં આવી હતી કે દરિયાકિનારે આવેલા રાજ્ય ઓરોમાં ૧૨ જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે અઝુઅયમાં બે જણનાં મોત નીપજ્યાં હતાં. ઓછામાં ઓછા ૩૮૧ લોકોને ઈજા થઈ છે.
આ પણ વાંચો: BREAKING NEWS: ગુજરાતના કચ્છમાં ફરી ભૂકંપ, 3.2 તીવ્રતા સાથે ધ્રુજી ધરતી
પેરુના વડા પ્રધાન અલબર્ટો ઓટરોલાએ કહ્યું હતું કે એક્વાડોરની સીમા પાસેના તુમ્બેસ પ્રદેશમાં ચાર વર્ષની બાળકી ભૂકંપના કારણે તેના ઘરમાં પડી ગયા બાદ માથામાં વાગતાં મૃત્યુ પામી હતી. એક્વાડોરની ઇમર્જન્સી રિસ્પૉન્સ એજન્સીએ જણાવ્યું હતું કે અલ ઓરોમાં અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે. માચલામાં બે માળના એક મકાનમાંથી લોકો બહાર નીકળી શકે એ પહેલાં જ એ તૂટી પડ્યું હતું. ઇમર્જન્સી રિસ્પૉન્સ એજન્સીએ જણાવ્યું હતું કે ટેલિફોન અને ઇલેક્ટ્રિસિટી સર્વિસ ખોરવાઈ જવાના કારણે તેમની કામગીરી મુશ્કેલ થઈ ગઈ છે. એક્વાડોર ભૂકંપનો ખતરો વધારે છે. ૨૦૧૬માં અહીં આવેલા ભૂકંપના કારણે ૬૦૦થી વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં.