અમેરિકાના ટૉપ ટેન મોસ્ટ વૉન્ટેડમાં ભદ્રેશ પટેલનું પણ નામ, તેના માથે છે બે કરોડ રૂપિયાનું ઇનામ

18 January, 2025 11:18 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

૨૦૧૫ની ૧૨ એપ્રિલે મૅરિલૅન્ડના હૅનોવરમાં પત્ની પલક પટેલની હત્યા કરી હતી અને ત્યારથી તે ભાગેડુ છે

ભદ્રેશ પટેલ

૨૦૧૫ના એપ્રિલ મહિનામાં પત્ની પલકની હત્યા કરીને નાસી છૂટેલા ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલનું નામ અમેરિકામાં ફેડરલ બ્યુરો ઑફ ઇન્વે​​​સ્ટિગેશન (FBI)ના ૧૦ મોસ્ટ વૉન્ટેડ આરોપીઓના લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે. FBIએ તેને શોધી આપનારને ૨.૫૦ લાખ ડૉલર (આશરે ૨.૧૬ કરોડ રૂપિયા)નું ઇનામ આપવાની જાહેરાત કરી છે. FBIના જણાવ્યા મુજબ ભદ્રેશકુમાર પટેલ શસ્ત્રો ધરાવતી અત્યંત ખતરનાક વ્યક્તિ છે.

FBIએ સોશ્યલ મીડિયામાં મૂકેલી એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘શસ્ત્રો ધરાવતા અને સૌથી ખતરનાક એવા અમેરિકાના મોસ્ટ વૉન્ટેડ ૧૦ આરોપીઓને પકડવામાં મદદ કરો. ૩૪ વર્ષનો ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલ તેની પત્નીની હત્યાના કેસમાં વૉન્ટેડ છે. FBIનો સંપર્ક કરો.’

કોણ છે આરોપી?

ભદ્રેશ પટેલ ભારતીય મૂળનો છે અને ૧૯૯૦માં ગુજરાતમાં જન્મ્યો છે. તે મૂળ વિરમગામના કાંત્રોડી ગામનો છે. FBIના જણાવ્યા મુજબ મૅરિલૅન્ડના હૅનોવરમાં ૨૦૧૫ની ૧૨ એપ્રિલે તેણે પત્ની પલક પર હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી. તેઓ બન્ને હૅનોવરની ડોનટ શૉપમાં સાથે કામ કરતાં હતાં. તેની સામે અનેક આરોપ મૂકવામાં આવ્યા છે; જેમાં ફર્સ્ટ ડિગ્રી મર્ડર, સેકન્ડ ડિગ્રી મર્ડર, ફર્સ્ટ ડિગ્રી અસૉલ્ટ, સેકન્ડ ડિગ્રી અસૉલ્ટ અને શસ્ત્રથી કોઈને ઈજા પહોંચાડવાનો કેસ સામેલ છે.

કેવી રીતે હત્યા કરી?

૨૦૧૫માં ડોનટ શૉપના બૅકરૂમમાં ભદ્રેશે પલક પર રસોડામાં વપરાતા ચાકુથી વારંવાર ઘા કર્યા હતા. આ ઘટના લેટનાઇટ શિફ્ટમાં થઈ હતી અને એ કૅમેરામાં રેકૉર્ડ થઈ હતી. વિડિયોમાં દેખાય છે કે એ સમયે પચીસ વર્ષનો ભદ્રેશ તેની ૨૧ વર્ષની પત્ની પલક સાથે કિચન તરફ જઈ રહ્યો છે અને પછી તે અદૃશ્ય થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે એ પાછળની રૂમમાંથી નાસી છૂટ્યો હશે.

હત્યાનું સંભવિત કારણ

આ કેસમાં તપાસ કરી રહેલા પોલીસ-અધિકારીઓનુ માનવું હતું કે પલક અને આરોપી વચ્ચે ઝઘડો થયો હતો. પલકના વીઝા એક મહિના પહેલાં પૂરા થયા હતા અને તે ભારત પાછી ફરવા માગતી હતી, પણ ભદ્રેશ ઇચ્છતો હતો કે તે અમેરિકામાં જ રહે.

united states of america fbi murder case crime news news international news world news