07 March, 2023 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
પાકિસ્તાન (Pakistan)ના લાહોર (Lahore)માં પંજાબ યુનિવર્સિટી (Punjab University)ના કેમ્પસમાં લઘુમતી હિંદુઓને બળજબરીથી હોળી રમવાથી અટકાવવામાં આવ્યા હતા અને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ઈસ્લામિક વિદ્યાર્થી સંગઠને હિંદુ વિદ્યાર્થીઓ પર હુમલો કરતા હિંદુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. પંજાબ યુનિવર્સિટીની લૉ કોલેજ (Law College)માં સોમવારે ૩૦ જેટલા હિંદુ વિદ્યાર્થીઓ હોળી રમવા માટે ભેગા થયા હતા. ત્યારે આ ઘટના બની છે.
યુનિવર્સિટીના વિદ્યાર્થી અને પ્રત્યક્ષદર્શી કાશિફ બ્રોહીએ મીડિયાને જણાવ્યું છે કે, જ્યારે હિંદુ વિદ્યાર્થીઓ લૉ કોલેજની લૉનમાં હોળી રમવા માટે એકઠા થયા હતા ત્યારે ઇસ્લામી જમિયત તુલબા (IJT)ના વિદ્યાર્થીઓએ તેમના પર હુમલો કર્યો હતો. મુસ્લિમ વિદ્યાર્થીઓએ હિંદુ વિદ્યાર્થીઓને હોળી રમવાથી રોકવા માટે હુમલો કર્યો હતો અને સુરક્ષાકર્મીઓ દ્વારા તેમને ગેટની બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. બ્રોહીએ દાવો કર્યો હતો કે, હિંદુ વિદ્યાર્થીઓએ હોળી રમવા માટે યુનિવર્સિટી પ્રશાસનની પરવાનગી પણ લીધી હતી.
આ પણ વાંચો - ચાલો ફરવાઃ અહીંથી પાકિસ્તાની પર્વતોની રેન્જ જોવા મળી - કાશ્મીર ગ્રેટ લેક્સ ભાગ 3
હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા હિંદુ વિદ્યાર્થી ખેત કુમારે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ IJTના સભ્યો દ્વારા કરવામાં આવેલા હુમલા અંગે ફરિયાદ કરવા વાઇસ ચાન્સેલરની ઓફિસની બહાર વિરોધ કરી રહ્યા હતા ત્યારે યુનિવર્સિટીના સુરક્ષા રક્ષકોએ તેમને માર માર્યો હતો અને તેમનો પીછો કર્યો હતો. તેમણે પોલીસને IJTની ફરિયાદ નોંધવા વિનંતી પણ કરી હતી પરંતુ તેઓએ કોઈ FIR નોંધી નથી.
જ્યારે પંજાબ યુનિવર્સિટીના IJTના પ્રવક્તા ઈબ્રાહિમ શાહિદને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, IJTમાંથી કોઈ પણ વિદ્યાર્થી હિંદુ વિદ્યાર્થીઓ સાથે ઝઘડામાં સામેલ નથી. તેમણે એમ પણ કહ્યું કે, IJTએ લૉ કોલેજમાં કુરાન વાંચન કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ પણ વાંચો - પાકિસ્તાનમાં પોલીસ જતાં જ અચાનક પ્રકટ થયા ઇમરાન
બીજી તરફ પંજાબ યુનિવર્સિટીના પ્રવક્તા ખુર્રમ શહઝાદે કહ્યું કે, યુનિવર્સિટી પ્રશાસને લૉ કોલેજના લૉનમાં હોળી રમવાની પરવાનગી આપી ન હતી. જો કાર્યક્રમ બાઉન્ડ્રી વોલની અંદર યોજાયો હોત તો કોઈ સમસ્યા ન હોત. તેમણે દાવો કર્યો કે વાઇસ ચાન્સેલરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.