04 September, 2023 12:12 PM IST | Taiwan | Gujarati Mid-day Correspondent
તાઇતુંગ કાઉન્ટીમાં ગઈ કાલે શક્તિશાળી તોફાનને કારણે પાવરલાઇન્સ પણ તૂટી ગઈ હતી
તાઇવાનમાં ગઈ કાલે શક્તિશાળી તોફાન હાઇકુઇ દક્ષિણ ટાપુના ભાગમાં ત્રાટકવાને કારણે ક્લાસિસ, આઉટડોર ઇવેન્ટ્સ સાથે ફ્લાઇટ્સ, રેલવે અને ફેરી સર્વિસ સ્થગિત કરી દેવાયાં છે. સાથે તમામ કામદારોને ઘરે રહેવાની વિનંતી કરવામાં આવી છે. ગઈ કાલે ૩ વાગ્યે પૅસિફિક પૂર્વ કિનારે તાઇતુંગ કાઉન્ટીમાં ૧૫૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. પવન અને ભારે વરસાદને પગલે દરવાજા ઊખડી ગયાં હતાં અને વૃક્ષો પડી જતાં અનેક વાહનોને નુકસાન થયું હતું. કેટલીક જગ્યાએ પૂર પણ આવ્યાં હતાં. લોકોએ સ્કૂલમાં આશરો લેવો પડ્યો હતો. એક બાજુ ટાયફૂન હાઇકુઇ આવ્યું, ત્યાં બીજી બાજુ હાલમાં જ ચીનમાં ટાયફૂન સાઓલા નબળું પડ્યું હતું. જ્યાં ૯ લાખ લોકો અને ૮૦ હજાર માછીમારોનાં સ્થળાંતર કરવામાં આવ્યાં હતાં. હૉન્ગકૉન્ગ અને દરિયાકાંઠાના મોટા ભાગના વિસ્તારોમાં વેપાર અને ક્લાસિસ બંધ રાખવામાં આવ્યા છે. તાજેતરના મહિનાઓમાં ચીને સૌથી ભારે વરસાદ અને સૌથી ભયંકર પૂરનો અનુભવ કર્યો છે.
35,000
શક્તિશાળી તોફાનના કારણે તાઇવાનનાં આટલાં ઘરોની બત્તી ગુલ થઈ ગઈ છે.