22 April, 2023 12:16 PM IST | Ahmedabad | Shailesh Nayak
યુવરાજ સિંહ જાડેજા
અમદાવાદઃ ગુજરાતમાં બહુ ગાજેલા ડમીકાંડમાં બે વ્યક્તિઓનાં નામ નહીં લેવા માટે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક કરોડ રૂપિયા લીધા હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે. ગઈ કાલે ડમીકાંડના પ્રકરણમાં મૅરથૉન પૂછપરછ કર્યા બાદ પોલીસને મળેલા સાંયોગિક પુરાવાના આધારે ભાવનગરમાં નીલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ જાડેજા સામે ગુનો નોંધાયો હતો અને તેની અટકાયત કરવામાં હતી. ભાવનગર રેન્જ આઇ. જી. ગૌતમ પરમારે રાતે પ્રેસ-કૉન્ફરન્સ કરીને કહ્યું હતું કે ‘યુવરાજસિંહ જાડેજાને નાણાકીય વ્યવહાર બાબતે પૂછવામાં આવતાં તેમણે ગોળ-ગોળ જવાબ આપ્યા હતા, પરંતુ પોલીસ પાસે જે હકીકતો પ્રાપ્ત થઈ છે એ મુજબ પ્રદીપ બારૈયા અને પ્રકાશ દવે પાસેથી એક કરોડ રૂપિયા જેટલી માતબર રકમ જબરદસ્તીથી કઢાવી લીધી છે. આ કેસની તપાસમાં મળેલા સાંયોગિક પુરાવા અને સ્પષ્ટ થયેલી હકીકતના આધારે યુવરાજસિંહ જાડેજા, શિવુભા જાડેજા, કાનભા જાડેજા, બિપીન ત્રિવેદી, રાજુ તેમ જ અન્યો સામે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, હવે તેમની ધરપકડ કરાશે.’
જાડેજાએ ગુજરાતના ભૂતપૂર્વ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી અને ભરતી બોર્ડના ચૅરમૅન અસિત વોરા સામે આક્ષેપો કર્યા હતા એના સંબંધમાં ગૌતમ પરમારે કહ્યું હતું કે ‘તપાસ અધિકારી સમક્ષ યુવરાજસિંહ જાડેજાએ આ અંગે રજૂઆત કરી નથી.’