26 September, 2024 10:52 AM IST | Rajkot | Gujarati Mid-day Correspondent
રાજકોટ પાસે તૈયાર થઈ રહેલું સદ્ભાવના વૃદ્ધાશ્રમનું મૉડલ.
રાજકોટ-જામનગર હાઇવે પર વિશ્વનું સૌથી મોટું સદ્ભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ૩૦ એકર જમીન પર બનનારા આ વૃદ્ધાશ્રમમાં ૫૦૦૦ નિરાધાર, પથારીવશ વડીલોની નિઃશુલ્ક સેવા કરવામાં આવશે. આ વૃદ્ધાશ્રમ માટે મોરારીબાપુની રામકથા યોજાશે.
હિન્દુ ધર્માચાર્ય મહાસભાના આંતરરાષ્ટ્રીય કન્વીનર અને સદ્ભાવના વૃદ્ધાશ્રમના સંરક્ષક પરમાત્માનંદ સરસ્વતીએ કહ્યું હતું કે ‘માનવ સેવા ચૅરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ રામપર ખાતે ૩૦ એકર જમીન પર ૧૧ માળનાં સાત બિલ્ડિંગ બનશે. એમાં ૧૪૦૦ રૂમ તૈયાર કરવામાં આવશે, જેમાં ૫૦૦૦ વૃદ્ધો રહી શકે એવા વૃદ્ધાશ્રમનું નિર્માણ થશે. અગામી બે વર્ષમાં આ વૃદ્ધાશ્રમ તૈયાર થશે; જેમાં મંદિર, પુસ્તકાલય, કસરતનાં સાધનો, યોગરૂમ, દવાખાનું, ગાર્ડન, કમ્યુનિટી હૉલ, ગાર્ડન સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં હાલમાં ૬૫૦ જેટલાં વૃદ્ધોની સેવા થઈ રહી છે, જેમાં ૨૦૦થી વધુ વડીલો પથારીવશ છે, તેમની સેવા સ્વયંસેવકો કરી રહ્યા છે.’
સદ્ભાવના વૃદ્ધાશ્રમના સલાહકાર મિત્તલ ખેતાણીએ કહ્યું હતું કે ‘આ વૃદ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં બાર વર્ષ પછી મોરારીબાપુની રામકથા નવેમ્બરમાં યોજાશે, જેમાં પતંજલિ યોગ વિદ્યાપીઠના સ્વામી રામદેવ, શાંતિકુંજ ગાયત્રી પરિવારના ડૉ. ચિન્મયાનંદ મહારાજ સહિતના સંતો પધારશે.’