સી. આર. પાટીલ પ્રધાન બની ગયા એટલે હવે ગુજરાત BJPના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ?

11 June, 2024 10:43 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સી. આર. પાટીલે ગુજરાત BJPના સંગઠનને મજબૂત બનાવવામાં સારી એવી મહેનત કરી હતી

સી. આર. પાટીલ

ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ નવસારી લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી ગયા બાદ તેમને કેન્દ્રીય પ્રધાન બનાવતાં હવે ગુજરાતમાં BJPના નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થશે. જોકે ગુજરાતમાં BJPના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ હશે એને લઈને ગુજરાતમાં ચર્ચાઓ ચાલી છે અને નામને લઈને અનેક અટકળો ઊઠી છે.

ગઈ કાલે કેન્દ્રમાં નવા રચાયેલા પ્રધાનમંડળના પ્રધાનોમાં જુદાં-જુદાં ખાતાંઓની વહેંચણી કરવામાં આવી હતી. ખાતાંઓની વહેંચણી થયા બાદ હવે BJP હાઈ-કમાન્ડ ગુજરાતના અધ્યક્ષની નિમણૂકનો મુદ્દો હાથ પર લેશે. સી. આર. પાટીલે ગુજરાત BJPના સંગઠનને મજબૂત બનાવવામાં સારી એવી મહેનત કરી હતી. સંગઠન પર તેમણે પકડ જમાવી હતી અને પક્ષ તેમ જ સમાજ માટે કાર્યો કરાવતા હતા. સબળ પ્રદેશ અધ્યક્ષ તરીકે છાપ ધરાવતા સી. આર. પાટીલના સ્થાને તેમના જેવો મજબૂત ચહેરો BJP હાઈ કમાન્ડ શોધશે એવું જણાઈ રહ્યું છે. એવી પણ ચર્ચા છે કે આ વખતે ગુજરાતમાં BJPના પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર અથવા તો અધર બૅકવર્ડ ક્લાસ (OBC) સમાજમાંથી કોઈ નેતાને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે. જોકે એવું પણ બનતું આવ્યું છે કે જે નામો ચર્ચામાં હોય એના સિવાય બીજા કોઈનું નામ છેલ્લી ઘડીએ જે તે પદ માટે જાહેર થતું હોય છે. પ્રદેશ પ્રમુખની સાથે-સાથે BJPના સંગઠનના માળખામાં પણ ફેરફાર થાય એવુ જણાઈ રહ્યું છે.

gujarat news gujarat politics bharatiya janata party Lok Sabha Election 2024