17 January, 2023 11:37 AM IST | Ahmedabad | Shailesh Nayak
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : મિડ-ડે ગુજરાતી)
અમદાવાદ : સતત બીજા દિવસે પણ ઠંડીનો ચમકારો ગુજરાતે અનુભવ્યો હતો. એમાં પણ ગઈ કાલે નલિયામાં ઠંડીનો પારો ગગડીને બે ડિગ્રી થતાં નલિયા અને આસપાસનો વિસ્તાર ઠંડોગાર થઈ ગયો હતો. એટલું જ નહીં, કોલ્ડ વેવની સાથે ગુજરાતમાં ૧૨ નાનાં-મોટાં શહેર અને બે જિલ્લામાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીની અંદર જતાં નાગરિકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. વધુ પડતી ઠંડીના કારણે રાજકોટ જિલ્લામાં સવારની સ્કૂલોનો સમય એક કલાક મોડો કરવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ પારો નીચે જતાં નાગરિકો ઠંડીનો સામનો કરી રહ્યા છે. નલિયામાં બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એ ઉપરાંત ગાંધીનગરમાં ૫.૩, પોરબંદરમાં ૬.૨, ડીસામાં ૭, રાજકોટ અને જામનગરમાં ૭.૩, વલસાડમાં ૭.૭, કંડલામાં ૯.૧, અમદાવાદ અને ભુજમાં ૭.૬ ડિગ્રી મિનિમમ તાપમાન રહેવા પામ્યું હતું.